નડિયાદ: નડિયાદમાં રહેતાં એક પરિવારે સવા બે વર્ષ અગાઉ પોતાનું મકાન વેચ્યાં બાદ આજદિન સુધી ખરીદનારને મકાનનો કબ્જો ન સોંપતાં મામલો જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યો હતો. આ કિસ્સામાં લેન્ડ ગ્રેબીંગનો ગુનો બનતો હોવાનું જણાઈ આવતાં પોલીસ ફરીયાદ આપવાનો જિલ્લા કલેક્ટર તરફથી હુકમ કરવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે મકાનમાં ગેરકાયદેસર કબ્જો જમાવનાર પાંચ વ્યક્તિઓ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ દવે પોળમાં રહેતાં આનંદભાઈ કનૈયાલાલ સોનીએ સવા બે વર્ષ અગાઉ શહેરના લાખાવાડ પાર્ટી સીમ મધ્યે નાગરકુઈ વિસ્તારમાં આવેલ જગજીવન નારાયણદાસની પોળમાં સીટી સર્વે નં ૨૨૬-અ વાળું મકાન વિજયભાઈ ઓચ્છલાલ પરીખ અને માલતીબેન વિનોદચંદ્ર પરીખ પાસેથી રૂ.૬,૫૦,૦૦૦ માં ખરીદી તેનો વેચાણ દસ્તાવેજ કર્યો હતો. જે તે વખતે મકાનના મુળ માલિક વિજયભાઈ પાસે રહેવાની બીજી કોઈ સગવડ ન હોવાથી, ૬ મહિના સુધી આ ઘરમાં પોતાના પરિવાર સાથે રહેવાની મંજુરી આનંદભાઈ પાસે માંગી હતી.
બંને વચ્ચે સારા સબંધો હોવાથી આનંદભાઈએ સમજુતી કરાર કરી પોતે ખરીદેલા મકાનમાં વિજયભાઈ અને તેમના પરિવારજનોને ૬ મહિના સુધી રહેવાની પરવાનગી આપી હતી. જોકે, ૬ મહિના પુરા થયાં બાદ વિજયભાઈ અને તેમના પરિવારજનોએ મકાન ખાલી કરવાના બદલે તેની ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હતો. આનંદભાઈએ મકાન ખાલી કરવાનું કહેતાં તેઓએ મિલ્કત પરત સોંપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી. આ અંગે આનંદભાઈ સોનીએ ખેડા જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરીયાદ આપી હતી.
કલેક્ટર દ્વારા નિમાયેલી સ્પેશ્યલ કમિટીએ આ કેસની તપાસ કરતાં લેન્ડ ગ્રેબીંગનો ગુનો બનતો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી આ બાબતે પોલીસમાં ફરીયાદ આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેના આધારે આનંદભાઈ સોનીએ પોતે ખરીદેલા મકાનમાં ગેરકાયદેસર કબ્જો જમાવનાર વિજયભાઈ ઓચ્છવલાલ પરીખ, માલતીબેન વિનોદચંદ્ર પરીખ, ગીતાબેન વિજયભાઈ પરીખ, જીગ્નેશભાઈ વિજયભાઈ પરીખ અને ગૌરાંગભાઈ વિજયભાઈ પરીખ વિરૂધ્ધ નડિયાદ ટાઉન પોલીસમથકમાં ફરીયાદ આપતાં પોલીસે પાંચેય વ્યક્તિઓ સામે આઈપીસી કલમ ૫૦૬(૨), ૧૧૪ તેમજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ ૩, ૪(૩), ૫(સી) મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.