National

લવજિહાદના નવા કાયદાની અમુક કલમો સામે હાઇકૉર્ટનો સ્ટે

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. આ કાયદા સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરી લવ જેહાદના કાયદાની કેટલીક કલમોની અમલવારી પર મનાઇ હુકમ ફરમાવ્યો છે. સાથે જ આંતરધર્મીય લગ્નના આધારે ફરિયાદ દાખલ કરવા પર હાઇકોર્ટે મનાઇ કરી છે.

ગુજરાત હાઇકોર્ટ અવલોકન કરતાં નોંધ્યું છે કે આંતરધર્મીય લગ્ન બળજબરી કે લોભ લાલચમાં થયું હોય તે પુરવાર કર્યા વિના ફરિયાદ દાખલ થઇ શકશે નહીં, તેમજ લવ જેહાદના કાયદામાં કલમ ત્રણ, ચાર, પાંચ અને છના સુધારા અંગે મનાઈ હુકમ આપ્યો છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) બિલ 2021 (લવ જેહાદથી વિરોધી કાયદો) પસાર કરીને તેનો અમલ શરૂ કર્યો છે. આ કાયદાને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઇ હતી. આ કલમો પરનો મનાઇ હુકમનો અર્થ એ કે માત્ર આંતરધર્મી લગ્નના આધાર પર આ કાયદા હેઠળ એફઆઇઆર થઈ ન શકે.

મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવને સમાવતી ડિવિઝન બૅન્ચે કહ્યું કે લોકોને બિનજરૂરી હેરાનગતિ ન થાય એ માટે વચગાળાનો આદેશ આપવામાં આવ્યો છે.રાજ્યની ભાજપ સરકારે હજી હાઇકૉર્ટના આદેશ અંગે જાહેર નિવેદન આપ્યું નથી ત્યારે કાનૂની નિષ્ણાતો અને સામાજિક કાર્યકરોએ આને આવકાર્યો હતો અને કહ્યું કે આખો કાયદો જ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે અને પોતાનો ધર્મ પસંદ કરવાની નાગરિકની સ્વતંત્રતાની વિરુદ્ધ છે.

મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ સરકારો દ્વારા આવા કાયદા ઘડાયા છે.જો લગ્ન બળજબરીથી ધર્માંતરમાં પરિણમે તો, એમ કહીને રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ખુલાસો માગતા ચીફ જસ્ટિસે કહ્યું કે બળ કે છેતરપિંડી માટે કઈક પાયાનું તત્વ હોવું જોઇએ. એના વિના તમે આગળ ન વધી શકો.નવા કાયદાની કલમ 3 બળજબરીથી ધર્માંતરની વ્યાખ્યા કરે છે.

Most Popular

To Top