આણંદ : આણંદના કરમસદ ખાતે આવેલી શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં બાંગ્લાદેશની મિલિટ્રી હોસ્પિટલ દ્વારા વધુ તબીબી સારવાર માટે મોકલવામાં આવેલી બે વર્ષની નાની બાળકીના હૃદયને કાર્ડિયોલોજી સેન્ટર દ્વારા ફરીથી ધબકતું કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશની સામેયાને જન્મથીજ વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ અને આર્ટિયલ સેપ્ટલ ડિફેક્ટ નામની ગંભીર હૃદયરોગની તકલીફ હતી. જેના પગલે શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં કાર્ડિયો સેન્ટરમાં તેને લાવવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલના ભાનુભાઇ અને મધુબેન પટેલે સારવાર કરીને તેને હોસ્પિટલમાંથી રજા આપી હતી.
કોરોનાની મહામારીની બીજી લહેર બાદ હવે કોરોના હળવો પડતા વિદેશથી આવતા દરદીઓ માટે દેશના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેના કારણે બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને આફ્રિકામાંથી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. કારણ કે તેમના દેશમાં આધુનિક સારવાર ઉપલબ્ધ નથી અને ખર્ચ પણ વધુ થાય છે. જેના પગલે બાંગ્લાદેશની બે વર્ષની નાની બાળકી હૃદયરોગની સારવાર અર્થે શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આવી હતી. બાંગ્લાદેશના ડોક્ટર બ્રિગેડીયર જનરલ નુરુન્નહાર ફાતેમા, પીડીયાટ્રીક અનેસ્ટ્રક્ચરલ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તથા ચીફ કાર્ડીક સર્જન મુસાખાએ વધુ સારવાર માટે બાળકીને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું.
બાળકીની મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશની એમ્બસી દ્વારા પરવાનગી માટેની જરુરી સહાય અને વિઝાની ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકીને કરમસદ મોકલવામાં આવી હતી. જ્યાં તેને કરમસદના કાર્ડિયાક સેન્ટરના પીડીયાટ્રીક કાર્ડિયાક સર્જન ડો વિશાલ ભેંડેએ વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટના ક્લોઝરની પ્રક્રિયા એટલે કે હૃદયના છેદને દૂર કરવાની સર્જરી સફળતાપૂર્વક કરી હતી. જેના થકી શુદ્ધ રક્ત હૃદય સુધી પહોંચ્યું હતું અને ચાર દિવસ બાળકીને ડોક્ટર નિરીક્ષણ હેઠળ આઈસીયુમાં રાખવામાં આવે હતી. બાદમાં તેને રજા આપવામાં આવી હતી. ફોલોઅપ સારવાર માટે બાંગ્લાદેશમાં ડો ફાતિમાને બતાવો જણાવ્યું હતું