Vadodara

ડભોઈના ધારાસભ્યના સ્ફોટક પત્રથી સરકાર સફાળી જાગી

વડોદરા : ડભોઈ તાલુકાના ખેડૂતોને નર્મદા કેનાલમાંથી ખેતી માટે નર્મદા નિગમ દ્વારા પાણી આપવાનું બંધ કરી દેવાતા ખેડૂતો આંદોલનના માર્ગે ઉતરી આવ્યા હતા. જ્યારે ખેડૂતોના પ્રશ્ને નિવેડો લાવવા હરહમેશ તત્પર રહેતા ડભોઈના ધારાસભ્યએ ખેડૂતોના હિતમાં મુખ્ય મંત્રીને પત્ર લખી ધારદાર રજુઆત કરી હતી. જેના કારણે સરકારે ખેડૂતો પ્રત્યે હકારાત્મક વલણ દાખવી નડા વસાહત સુધી નર્મદા કેનાલ માંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં પોતાના પાકનું થતું નુકશાન બચી જતા આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

વડોદરા જીલ્લાના ડભોઈ તાલુકામાં 20 જેટલી નર્મદા વસાહતો સરકાર દ્વારા બનાવવામાં આવી છે. જેમાં આદિવાસીઓ રહે છે. આ વસાહતો પૈકી 4 વસાહતોના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અને તેઓની ખેતી નર્મદા કેનાલના સિંચાઈ પાણી પર નિર્ભર છે. ત્યારે ગત તા.31 મી માર્ચથી નર્મદા નિગમ દ્વારા ખેતી માટે પાણી આપવાનું બંધ કરી દીધું હતું. અને ઉદ્યોગોને પાણી પૂરું પાડવામાં આવતા ખેડૂતોનો રોષ ભભૂકી ઊઠ્યો હતો. ખેડૂતોમાં પોતાના વાવેલ ઉનાળુ પાક પાણી નહીં મળે તો ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી.

આ બાબતે ખડુતોએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યુ હતું. જે બાબતે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાસે રજુઆત પહોંચતા તેઓએ પણ ખેડૂતોના હિતમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવને પત્ર લખી સરકાર જળક્રાંતિ કૃષિક્રાંતિનું અભિયાન ચલાવતી હોય અને એમાંય ખેડૂતોને ખાસ કરીને આદિવાસી પ્રજા સાથ સહકાર આપતી હોય ત્યારે ખેડૂતોને અન્યાય કરવો તે કેટલા અંશે યોગ્ય છે. નર્મદા કેનાલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પાણી મળી રહે અને તેમના તમામ ઋતુઓના પાક લઈ શકે.

તે ઉપરાંત જે વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. ત્યાં નર્મદા કેનાલનું પાણી પહોંચાડવું તે મુખ્ય બે પ્રાથમિકતા હતી. ઉદ્યોગોને પાણી આપવું જોઈએ. પરંતુ ખેતીના ભોગે ઉદ્યોગોને પાણી આપવામાં આવે તે બાબતે ખેડૂતો માટે આંદોલનનો માર્ગ અપનાવવા પ્રેરે તેવો છે.જો પાણી નહીં મળે તો ઉનાળુ પાકને ખૂબ મોટું નુકસાન થશે.જે ખેડૂતોના હિતમાં નહીં હોય અને સરકારના જળક્રાંતિ કૃષિ ક્રાંતિ અભિયાન ને પણ ધક્કો વાગશે. ડભોઇ તાલુકાના ખેડૂતોને પાણી ન મળવાના કારણે ખેતીનું તો નુકસાન વેઠી રહ્યા છે. પરંતુ તેમના ઢોરઢાંખર પાણી વિના તરસી રહ્યા છે.એટલે પાણી વગર આ ખેડૂતોને ખૂબ જ નુકસાન જઈ રહ્યું છે.

સરકાર ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાની જે વાતો કરે છે.તેના કરતાં વિરુદ્ધ ચિત્ર ડભોઈ તાલુકામાં છે. તેથી જ ખેડૂતોએ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.અને આગળ પણ જતાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવું લાગી રહ્યું છે. જેથી કરીને નર્મદા નિગમનો જે નિર્ણય છે. તેને રદ કરી તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપે તેવી માગણી કરી હતી. જે બાબતને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી હતી. અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ખેડૂતો પ્રશ્ને કરેલી રજુઆતને પગલે હકારાત્મક નિર્ણય લીધો હતો.નર્મદા નિગમને પાણી છોડવા આદેશ કરતા નડા વસાહત સુધી પાણી છોડવામાં આવ્યું હતું.જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

Most Popular

To Top