ગાંધીનગર: રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા અંગે અવારનવાર વિવાદો થતા રહે છે. છેલ્લે જ્યારે પરીક્ષાનું આયોજન થયું હતું ત્યારે પેપર ફૂટી જવાના લીધે ભારે હોબાળો થયો હતો. સૈંકડો, હજારોની સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા ત્યાર બાદ પરીક્ષા રદ થવાની જાહેરાત થઈ હતી. પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. દૂરના ગામડામાંથી ટ્રાવેલ ખર્ચ કરીને પહોંચેલા ગરીબ ઉમેદવારો ભૂખ્યા તરસ્યાં હેરાન થયા હતા, તેઓને આવવા જવાનો ખર્ચ પણ માથે પડ્યો હતો, પરંતુ હવે આવી કફોડી સ્થિતિનો ઉમેદવારોએ સામનો નહીં કરવો પડે તેવું આયોજન સરકાર દ્વારા કરાયું છે.
ગુજરાતભરમાંથી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જૂનિયર ક્લાર્કની પરિક્ષા આપનારા તમામ ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને મેળવવા માટે ઉમેદવારોને જરૂરી કોલ લેટર અને બેંકની ડિટેઈલ્સ આપવી પડશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરાયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ મંડળ દ્વારા વેબસાઈટ પર આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનારા ઉમેદવારોને રૂ.254નું ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પરીક્ષા પૂર્ણ થયા પછી 20 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે ઉમેરવારોના ખાતામાં જમા કરવામાં આવશે.
આ ટ્રાવેલ એલાઉન્સ મેળવવા માટે ઉમેદવારોને કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ ઓનલાઈન બેંકની માહિતી આપવી પડશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના ખાતામાં આ રકમ એટલે કે ટ્રાવેલ એલાઉન્સની ફાળવણી કરવામાં આવશે. જોકે નોંધનીય છે કે, આ માહિતી ઓનલાઈન ભરવાની સમયમર્યાદા 31 માર્ચે બપોરે 1 વાગ્યાથી લઈને 9 એપ્રિલે 12.30 વાગ્યા સુધીની છે.
મહત્વનું છે કે, જુનિયર ક્લાર્કના ઉમેદવારોના કોલલેટર પણ આજથી વેબસાઈટ પર જઈને ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે પણ ટ્વિટ કરીને મોટી જાહેરાત કરી છે. જેમાં ગઈકાલે જ હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આવતીકાલે એટલે કે 31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જોકે હવે આજે ફરી હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે તેમ જણાવ્યું છે.