છેવટે ગુજરાતી ફિલ્મોને ગુજરાતી પ્રેક્ષકોએ સ્વીકારી લીધી અને વધાવી લીધી. વર્ષો પહેલાં પણ એક ખાસ વર્ગ હતો કે જે ગુજરાતી ફિલ્મો પાછળ ઘેલો થતો હતો. સાધુ-સંતો, ભગવાન અને રાજાઓના જીવન પર ફિલ્મો બનતી હતી. તે સમયે શહેરી વર્ગ એમ વિચારતો હતો કે ગુજરાતી ફિલ્મોમાં શું જોવાનું? રમેશ મહેતાની કોમેડીના ગ્રામ્યજનો દિવાના હતા. રમેશ મહેતાના ગયા પછી ગુજરાતી ફિલ્મોમાં તેના જેવો હાસ્ય કલાકાર ન આવ્યો પણ મલ્ટીપ્લેક્ષની દુનિયામાં સિદ્ધાર્થ રાંદેરીયા આવતાં ગુજરાતી ફિલ્મોમાં નવો યુગ શરૂ થયો.
પહેલાં ગુજરાતી ફિલ્મોમાં કરમુક્તિ જાહેર કરીને ગુજરાત સરકાર પ્રોત્સાહન આપતી હતી તેમ અત્યારે પણ લાલો જેવી ફિલ્મને જીએસટીમાંથી મુક્તિ આપીને ગુજરાતી ફિલ્મને પ્રોત્સાહન આપવું જોઈએ. થિયેટરમાં જોવામાં મજા પડે તેવી ફિલ્મો આવતી હોવાથી લોકો થિયેટરમાં ફિલ્મો જોતા કરવા સરકારે સહકાર આપવો જોઇએ. જેથી ફિલ્મ બનાવનારને પણ ઉત્તમ કક્ષાની ફિલ્મ બનાવવાનું પ્રોત્સાહન મળે. જોકે આજની તારીખે મલ્ટીપ્લેક્ષમાં અંગ્રેજી ફિલ્મો ઓછી જોવા મળે છે તેનું સ્થાન ગુજરાતી ફિલ્મોએ લીધું એ આનંદની વાત છે. આપણે એવી આશા રાખીએ કે સાઉથની ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મો પણ અન્ય ભાષામાં ડબ થાય અને ગુજરાતી ફિલ્મો દેશ અને દુનિયામાં નામ કાઢે. આમ પણ ગુજરાત બધામાં આગળ છે તો ગુજરાતી ફિલ્મો પણ આગળ આવે તે માટે સરકાર પ્રયત્નો કરે એવી અપેક્ષા. જય જય ગરવી ગુજરાત.
ગોડાદરા, સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.