Business

પિતૃઓના સદ્‌ આચરણ – સંસ્કારોનું સંવર્ધન પણ શ્રાદ્ધ ગણાય

શ્રાદ્ધનો મહિમા પુરાણ કાળથી છે અને શાસ્ત્ર સંમત છે. એટલે શ્રદ્ધાપૂર્વક યથાશકિત શ્રાદ્ધ અવશ્ય કરવું જોઇએ. એમાં તર્ક-વિતર્ક શંકા-કુશંકાને સ્થાન નથી. ગયા અંકમાં શ્રાદ્ધ દરમ્યાન અર્પણ કરાયેલી સામગ્રી પિતૃઓને કઇ રીતે પહોંચે તે જોયું. જે રીતે ગાયોના ટોળામાં વાછરડું પોતાની માતાને શોધી કાઢે છે તે રીતે નામ – ગોત્ર – હૃદયની ભકિત, દેશ-કાળનાં વગેરેના સહારે અપાયેલ પદાર્થોને મંત્રો પિતૃઓ પાસે પહોંચાડે છે. જીવ ભલે સેંકડો યોનિઓ પાર કેમ નહીં કરી ગયો હોય તેને તૃપ્તિ પહોંચે છે. શ્રાદ્ધ એ પિતૃઓ અને તેના વંશજો બંને માટે સર્વથા કલ્યાણકારી છે.

ઘણી વાર એવી દલીલ પણ કરવામાં આવે છે કે માણસની ઇચ્છા તો બહુ હોય. પરંતુ આર્થિક સ્થિતિ જ ન હોય તો? શ્રાદ્ધમાં બ્રહ્મભોજન, દાન, દક્ષિણા, સાધન સામગ્રી બધા પાછળ કેટલો બધો ખર્ચ થાય. તો બ્રહ્મ પુરાણમાં તેનો પણ ઉકેલ બતાવ્યો છે. શ્રાદ્ધમાં શ્રદ્ધાનું – ભાવનાનું સૌથી વિશેષ મહત્ત્વ છે. માત્ર શાકથી પણ શ્રાદ્ધ કરી શકાય. એ પણ ન થઇ શકે તેમ હોય તો બંને હાથ ઊંંચા ઉઠાવીને (ફેલાવીને) કહેવું જોઇએ ‘મારી પાસે શ્રાદ્ધ માટે નથી ધન કે નથી સાધન – સામગ્રી એટલે હું મારા પિતૃઓને પ્રણામ કરું છું કે આપ મારી ભકિતથી તૃપ્ત થાવ.’ સ્થિતિ હોવા છતાં લુચ્ચાઇ-કપટ કરવામાં આવે તો તે યોગ્ય નથી.

વિષ્ણુ પુરાણ મુજબ – ગરીબ વ્યકિત જાડું – બરછટ અનાજ, જંગલી ફળ- શાક અને નજીવી દક્ષિણા આપી શકે છે. એ પણ ન મળે તો 8-10 તલ અંજલિમાં પાણી સાથે લઇ બ્રાહ્મણને આપવા જોઇએ. ગાયને તે દિવસે શકય તેટલું ઘાસ ખવડાવવું જોઇએ. નહીંતર બંને હાથ ઉઠાવીને દિકપાલો – અને સૂર્ય નારાયણને યાચના કરવી જોઇએ કે હે, પ્રભુ મેં હાથ વાયુમાં ફેલવાવી દીધા છે. મારા પિતૃઓ મારી ભકિતથી સંતુષ્ટ થાવ.

પીપળે ચોખા, તલ, ફૂલ, દૂધ – પાણી ચડાવી, ગાયના ઘીનો દીવો કરી શકાય. ‘ૐ પિતૃભ્ય: નમ:’ ના બની શકે તેટલા જાપ ગીતાજીનો સાતમો અધ્યાયનો પિતૃ તૃપ્તિ અર્થે પાઠ કરી શકાય. ગાય, કૂતરા, કાગડા – પક્ષીઓને અનુકૂળ દાણા-પાણી ભોજન આપી શકાય. ગરીબને યથાશકિત પરંતુ શ્રદ્ધાપૂર્વક ખવડાવી શકાય. મધ્યાહ્ન – બપોરનો સમય શ્રાદ્ધ માટે ઉત્તમ ગણાય. યથાશકિત પિંડદાન – તર્પણનું ખૂબ મહત્ત્વ છે તે અવશ્ય કરવું. બહેન – દીકરી – ભાણેજો – બ્રાહ્મણોને ભોજન  કરાવી તૃપ્ત કરવા જોઇએ.

શ્રાદ્ધ એ શ્રદ્ધા – ભાવના સાથે જોડાયેલો વિષય છે. આપણા સદ્‌ગત કુટુંબીઓ સ્વજનોનું માનપૂર્વક સ્મરણ કરવાનું પર્વ છે. ખાસ કરીને આપણી પૂર્વની સાત પેઢીઓ પિતા – દાદા – પરદાદા, માતા – દાદી-પરદાદી, નાના-નાની વગેરેના સંસ્કારો – ગુણધર્મો તેમના વંશ – વારસોમાં ઉતરતા હોય છે. હવે તે દેવતુલ્ય બની ગયા છે. તો તેમના સદ્‌ગુણોનું સ્મરણ કરી તેનું આપણામાં સંવર્ધન થાય તેવો સંકલ્પ અને આચરણ શ્રેષ્ઠ તર્પણ કહેવાય. તેમણે જે સારી પરંપરા શરૂ કરી હોય તેને નિભાવવી અને  તેને આપણી આવનારી પેઢીઓમાં આગળ વધારવી એ પણ તર્પણ છે.

તેઓની સ્મૃતિ ચિરંજીવ રહે તેવું આચરણ – સંસ્કારો બાળકોમાં ઉતરે તે માટે સતત પ્રયાસ એ પણ પિતૃઓને તૃપ્ત કરવાનો ઉપાય છે. શકિત અનુસાર, તેઓની સ્મૃતિમાં દાન, પુણ્ય પણ કરી શકાય. શ્રાદ્ધ તમે કોઇ પણ પ્રકારનું, કોઇ પણ સ્થળે કરો પરંતુ કચવાતા મને, દાબ-દબાણથી કે દેખાડા માટે નહીં કરો. જે કંઇ પણ કરો પ્રસન્ન ચિત્તે – આનંદપૂર્વક માન-આદરપૂર્વક કરો તો જ કલ્યાણકારી બને અને પિતૃઓના આશિષો મળે.

Most Popular

To Top