બારેમાસ મળતી ચીકી સામાન્ય રીતે ઉત્તરાયણમાં ખાસ ખાવામાં આવે છે. તમે પરંપરાગત મમરા, તલ, શિંગ, ડ્રાયફ્રૂટની ચીકી તો બનાવતાં જ હશો પરંતુ આ વખતે આ નવા પ્રકારની હેલ્ધી ચીકી ટ્રાય કરી જુઓ.
ઓટ્સ બદામ ચીકી
સામગ્રી
- 2 કપ ઓટ્સ
- 2 કપ ગોળ
- 1/2 કપ કાળા તલ
- 2 ટીસ્પૂન ઘી
- 1/2 કપ શેકેલી બદામ
રીત
- એક પેનમાં એક ટીસ્પૂન ઘી ગરમ કરી ઓટ્સ નાખી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- એ જ બાઉલમાં કાળા તલ નાખી એક મિનિટ શેકો. ગેસ બંધ કરી ઠંડું પડવા દો.
- બદામના નાના નાના ટુકડા કરો.
- એક પેનમાં એક ટીસ્પૂન ઘી ગરમ કરી બદામ નાખી ધીમા તાપે બદામ ગુલાબી શેકો. ગેસ બંધ કરી ઠંડી પડવા દો.
- એક પેનમાં ગોળ ગરમ કરો. ગોળ પીગળવા માંડે અને પરપોટા થવા માંડે એટલે એમાં ઓટ્સ, તલ અને બદામ નાખી બરાબર મિકસ કરી ગેસ બંધ કરી દો.
- ડીશ કે થાળીમાં ઘી લગાડી ચીકીનું મિશ્રણ એકસરખું પાથરી દો. ગરમ હોય ત્યારે જ મનપસંદ આકારમાં કાપા પાડી લો.
- ઠંડી પડે એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી દો.
મખાણા ચીકી
સામગ્રી
- 1 કપ મખાણા
- 1/4 કપ કોળાનાં બી
- 1/2 કપ સૂરજમુખીનાં બી
- 1/4 કપ ખજૂર
- 4 ટેબલસ્પૂન મધ
- 4-6 ટેબલસ્પૂન ઘી
રીત
- મખાણા શેકીને અધકચરો પાઉડર કરો.
- કોળા અને સૂરજમુખીનાં બી ગ્રાઈન્ડ કરો.
- ખજૂર અને મધ મિકસ કરી ગ્રાઇન્ડ કરો.
- એક બાઉલમાં બધી સામગ્રી અને ઘી નાખી મિકસ કરી હાથેથી છૂંદો.
- એક સપાટ પ્લેટમાં ઘી લગાડી મિશ્રણ એકસરખું પાથરી દો. તમે ઇચ્છો તો ઉપરથી નટ્સ પણ ભભરાવી શકો.
- થોડો સમય ફ્રીઝમાં મૂકી પછી મનપસંદ આકારમાં કાપી સર્વ કરો
પૌંઆની ચીકી
સામગ્રી
- 1/2 કપ શિંગદાણા
- 1 કપ પૌંઆ
- 1/2 કપ છીણેલું કોપરું
- 150 ગ્રામ ગોળ
- 1 ટેબલસ્પૂન ઘી
રીત
- એક પેન ગરમ કરી એમાં શિંગદાણા નાખી પાંચ-સાત મિનિટ સતત હલાવતાં રહી શેકો. એ શેકાઈ જાય એટલે ઠંડા પાડી છોડાં કાઢી નાખો.
- એ જ પેનમાં પૌંઆ ક્રિસ્પ થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો.
- મિકસરમાં શિંગદાણા અધકચરા ગ્રાઈન્ડ કરો.
- એક પેનમાં ગોળ અને 1/4 કપ પાણી નાખી પીગળી જાય એટલે ગેસ ધીમો કરી પાંચ-સાત મિનિટ થવા દો.
- તેમાં શિંગદાણા અને છીણેલું કોપરું નાખી બરાબર મિકસ કરો. ગેસ બંધ કરી શેકેલા પૌંઆ નાખી મિકસ કરો.
- એક પ્લેટમાં ઘી લગાડી મિશ્રણ એકસરખું પાથરી દો.
- ચીકી ઠંડી પડે એટલે એના પીસ કરી એરટાઈટ કન્ટેનરમાં ભરી દો. આ ચીકી એક મહિનો રહે છે.