ગાંધીનગરની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે આજે કોંગ્રેસની નેતાગીરી પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસના મિત્રો વિધાનસભાની ચૂંટણીને લઈબહુ દોડાદોડી કરી રહ્યા છે, બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, કોંગ્રેસના નેતાઓ મીડિયા સાથે વાત કરીને પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છેપરંતુમારે એટલું જ કહેવુંછે કે ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે અને રહેશે.
અમિત શાહે કલોલના ભોયણ ખાતે જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં દેશના ચાર રાજ્યોમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્પષ્ટ જનાદેશ સાથે ભાજપાની સરકાર બની છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ચારેય રાજ્યોમાં ભાજપનો પ્રચંડ વિજય પીએમ મોદી નેતૃત્વમાં જનતાના અતૂટ વિશ્વાસનો પરિચય કરાવે છે. આ ચૂંટણીઓનો વિજય પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારની નીતિ-રીતિ અને જનકલ્યાણકારી કાર્યક્રમો-યોજનાઓની જનસ્વીકૃતિનો પરીચાયક છે, ભારતને સૂરક્ષિત, સમૃદ્ધ, યશસ્વી બનાવવાના અભિયાન પર જનતાની મહોર છે.૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ થયેલી નરેન્દ્ર મોદીની યાત્રા આજે ૨૦૨૨માં પણ દેશના પ્રધાનમંત્રી તરીકે અવિરતપણે ચાલુ છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપતું સમગ્ર દેશમાં ગુજરાત સૌપ્રથમ રાજ્ય બન્યું છે.
ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ અને આહાર કેન્દ્રનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે લોકાર્પણ કર્યુ હતું. શાહે નવનિર્મિત ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ કોલેજની મુલાકાત લઇ તેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. કેન્દ્રીયમંત્રી અમિત શાહે હોસ્પિટલ પરિસરમાં હાજર આરોગ્ય કર્મીઓ-પ્રજાજનો વચ્ચે જઈ તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
કેન્સરના વહેલા નિદાન માટે તાલીમ
અમિત શાહે મોટી ભોયણ, કલોલ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી કેન્સરની વહેલી તપાસ અને નિદાન માટે લોકજાગૃતિ લાવવા માટે સર્વે, સ્ક્રીનીંગ અને સારવાર અભિયાન અન્વયે આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોને તાલીમ આપવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત ગામડે ગામડે જઈને ૧૮ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોનો સર્વે કરીને જો કેન્સરના લક્ષણો જણાય તો આરોગ્ય ટીમ દ્વારા સ્ક્રીનીંગ કરી કેન્સરના નિદાન અને સારવાર માટે આગળના પગલાં હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં શાહ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું