એક સોસાયટીમાં દિલીપભાઈ નવા રહેવા આવ્યા અને બીજા જ વર્ષે સોસાયટીના સેક્રેટરી બની ગયા.તેમનું નામ અને કામ વખણાવા લાગ્યું. આમ રીટાયર પ્રોફેસર હતા, પણ ભણાવવાનું કામ હજી છોડ્યું ન હતું.ઘરે કોલેજના છોકરાઓને ગ્રુપ ટ્યુશન ભણાવતા અને મજાકમાં કહેતા પણ ખરા કે ‘અરે ,આ ટ્યુશનના કામમાં બહુ કમાણી છે અને મજા આવે છે યુવાન વિદ્યાર્થીઓ સાથે દિલથી યુવાન રહેવાની..’બધાના ફેવરીટ પ્રોફેસર હતા કારણ તેઓ એકદમ પ્રેમથી બહુ સરસ ભણાવતા ક્યારેય ખીજાતા નહિ.
માત્ર પોતાનાં સ્વજનો અને વિદ્યાર્થીઓ સાથે જ નહિ પણ ઘરનો નોકર હોય કે સોસાયટીનો માળી કે વોચમેન દિલીપભાઈ બધા સાથે ખૂબ આદર આપી પ્રેમથી વાત કરતા અને કામ સોંપતા..કંઈ ભૂલ થાય તો મગજ ગુમાવ્યા વિના સમજાવતા.ઘણા નવા કાર્યક્રમનું આયોજન તેઓ સોસાયટીમાં કરતા…તેમની સોસાયટીને બેસ્ટ અને મોસ્ટ ક્લીન સોસાયટીનો એવોર્ડ મળ્યો.આ એવોર્ડ સોસાયટીના સેક્રેટરી દિલીપભાઈની જ મહેનતનું પરિણામ હતું એટલે સોસાયટીમાં તેમનું સન્માન કરવાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો.
બધાએ દિલીપભાઈનું હાર પહેરાવી ફૂલો વરસાવી સ્વાગત કર્યું અને પછી પ્રવક્તાએ દિલીપભાઈને પૂછ્યું, ‘તમે આટલું સરસ કામ કરી શકો છો અને કરાવી શકો છો તેનું રહસ્ય શું છે તે અમને જણાવો.’દિલીપભાઈએ માઈક પરથી બધાનો આભાર માન્યો અને પછી બહુ સરસ વાત કરી. તેમણે કહ્યું, ‘આજે હું તમને મારા જીવનમાં મેં અપનાવેલાં ચાર સૂત્રો જણાવીશ. હું તેનું રોજેરોજ બરાબર પાલન કરું છું અને એટલે મારાં બધાં કામ બરાબર થાય છે.એ ચાર સૂત્ર છે સૌથી પહેલું ‘મહેનત કરવાથી ધન મળે છે.’જીવન જીવવા માટે અને ઘણાં કામ કરવા માટે પૈસા જરૂરી છે અને મહેનત કરી તે કમાવા જ જોઈએ હું રીટાયર થયો છું, પણ મેં કામ કરવાનું કે પૈસા કમાવાનું છોડ્યું નથી.
બીજું સૂત્ર છે ‘ધીરજ રાખવાથી બધાં કામ પાર પડે છે.’જેમ આજે છોડ વાવો તો ફૂલ ઊગતાં સમય લાગે …જેમ કોઈક વિદ્યાર્થી જલ્દી સમજી જાય, કોઈને સમજતા વાર લાગે એ સમજી લઇ હું કોઈની પણ સાથે કામ કરું , તો ધીરજ ગુમાવતો નથી. શાંતિથી ,ધીરજ રાખી સમજાવું છું અને મને અનુભવ છે કે ધીરજનાં ફળ મીઠાં જ મળે છે.ત્રીજું સૂત્ર છે ‘મીઠું બોલવાથી એક ઓળખ મળે છે.’જીવનમાં હંમેશા બધા સાથે મીઠાશથી જ બોલવું જોઈએ.કડવા બોલ કોઈને સાંભળવા ગમતા નથી.
જો તમે કોઈની પણ સાથે મીઠાશથી વાત કરશો તો તે તમારી વાત સાંભળશે જ અને તે પ્રમાણે કરશે પણ ખરા.પણ જો તમે કડવું બોલશો તો કોઈને નહિ ગમો.ચોથું સૂત્ર છે. ‘બધાને આદર સન્માન આપો. તમારું નામ આપોઆપ થશે.’જીવનમાં નાનો માણસ હોય કે મોટો માણસ, હું બધાને ઈજ્જત આપું છું .સારી રીતે માનથી વાત કરું છું તો મને બમણો આદર મળે છે.આ ચાર સૂત્ર મેં મારા જીવનમાં વણી લીધાં છે.બસ, બીજું કોઈ રહસ્ય નથી.’દિલીપભાઈએ જીવનમાં ઘણો ઉપયોગી થાય તેવો પાઠ બધાને સમજાવ્યો.