નડિયાદછ ખેડા તાલુકાના કટકપુરા ગામ નજીક આવેલા ગોડાઉનની પાછળના ભાગે દારૂની મહેફીલ માણી રહેલા ૮ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ શામેલ હોવાથી જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. ખેડા ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, કટકપુરાના ભાટિયા લાટ વિસ્તારમાં આવેલા શ્રીજી ટ્રેડર્સ ગોડાઉન પાસે કેટલાક ઇસમો દારૂની મહેફીલ માણી રહ્યા છે. જે બાતમીના આધારે ખેડા ટાઉન પોલીસની ટીમે દરોડો કરતાં ૮ ઇસમો દારૂની મહેફીલ માણતાં મળી આવ્યા હતા. પોલીસે મહેમદાવાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ રાવજીભાઇ ચૌહાણ (રહે.વરસોલા) ની સાથે સાથે મનિષ જગદીશભાઇ પટેલ (રહે. ભાટિયાલાટ), નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ (રહે.નવજીવન સોસાયટી, મહેમદાવાદ), દિલીપ નટવરભાઇ શાહ (રહે.પૃથ્વી કોમ્પલેક્ષ,મહેમદાવાદ), કેયુર નાગેશભાઇ પટેલ (રહે.માંકવા, મહેમદાવાદ), બાબુભાઇ રમણભાઇ ગોહેલ (રહે.છાપરા), ફતેસિંહ રાવજીભાઇ ગોહેલ (રહે.છાપરા) તથા અરવિંદ બુધાભાઇ ચૌહાણ (રહે.છાપરા) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂની મહેફીલ માણી રહેલા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂ મામલે સરકારને આડે હાથ લેનાર કોંગ્રેસી નેતા જ રાજાપાઠમાં મળ્યા
વિપક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં દારૂબંધીની વાતો અને દારૂની રેલમછેલને લઇને સરકારને આડેહાથ લેવાના પ્રયાસ કર્યા હતા. ત્યારે તેમના જ કોંગી નેતા દારૂની મહેફીલ માણતાં રાજાપાઠમાં મળી આવતાં ચકચાર મચી હતી.