કોરોનાના કારણે દૂર થઇ ગયેલા પ્રેમીઓ હવે લગ્ન કરી રહ્યાં છે. દીવાળી પછી રાજકુમાર રાવ અને પત્રલેખા પરણી ગયા અને હમણાં આદિત્ય અને અનુષ્કા રંજન પરણી ગયા. કેટરીના કૈફ અને વિકી કૌશલ પરણવાના છે કે નહીં તે ખબર નથી પણ જો પરણશે તો આ શિયાળે જ પરણશે. ખેર, વાત જરા બીજી છે. આદિત્ય-અનુષ્કાના લગ્નમાં ભૂમિ પેડણેકર એવા વસ્ત્રોમાં આવી હતી કે બધાની નજર બસ તેના પર જ રહી. મોટા એરિંગ્સ, ચંકી બ્રેસ્લેટ, લિપસ્ટિક અને મસ્કરા સાથે આઇલેશીઝ અને એથનીક લુકમાં એકદમ ગ્લેમરસ દેખાતી હતી. તેણે પોતે જ પોતાના આ લુકને ‘પટાખા ગુડ્ડી’ તરીકે ઓળખાવ્યું.
ભૂમિ હમણાં તેના લુક પર ઘણું કામ કરી રહી છે કારણ કે તે પોતાની સ્ક્રિન ઇમેજ બદલવા ઉત્સુક છે. હવે તે ‘દમ લગાકે હૈસા’ અને ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’ ની ઇમેજથી આગળ વધવા માંગે છે. આ માટે તે જુદા જુદા પ્રકારની ભૂમિકાઓ પણ સ્વીકારી રહી છે. ‘પતિ પત્ની ઔર વો’ ને ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ માં તે જુદી હતી પણ હવે તે તેનાથી આગળ વધી રહી છે. તે હવે તેના હીરોની પસંદગીમાં પણ કાળજી રાખે છે. ‘ટોઇલેટ: એક પ્રેમકથા’ માં અક્ષયકુમાર સાથે ‘સોનચિરીયા’માં સુશાંતસીંઘ રાજપૂત સાથે ‘પતિ પત્ની ઔર વો’માં કાર્તિક આર્યન અને ‘બાલા’માં આયુષ્યમાન ખુરાના સાથે કામ કરનાર ભૂમિની છટપટાહટ સમજાય એવી છે. સ્મિતા પાટિલે, શબાના આઝમીએ, વિદ્યા બાલને પોતાની ઇમેજને બદલવા સાહસિક બની ભૂમિકાઓ કરી હતી.
અલબત્ત, બધું કાંઇ તરત બદલાતું નથી અને અત્યારે ગ્લેમરસ કહેવાય અનેક એકટ્રેસ છે. એ બધામાં ભૂમિને તરત કોઇ જગ્યા ન મળી શકે. તેના લુકમાં એક પ્રકારનું દેશીપણું છે પણ તે પણ ધીમે ધીમે બદલાશે. ‘બધાઇ દો’ માં તે રાજકુમાર રાવ સાથે કામ કરે છે પણ ‘ગોવિંદા નામ મેરા’ માં વિકી કૌશલ, કિયારા અડવાણી સાથે તે આવી રહી છે અને શશાંક ખૈતાનના દિગ્દર્શનમાં ફિલ્મ બની રહી છે એટલે ભૂમિ જરૂર અપેક્ષા રાખતી હશે પણ કિયારા છે તો ભૂમિનો ક્રમ તેના પછીનો જ હશે. ‘રક્ષાબંધન’માં તે અક્ષયકુમાર સાથે છે ને આનંદ એલ.રાયની ફિલ્મ છે. અક્ષયની બહેન બનવાનું જોખમ તો તે લે એવી નથી. ને ‘તખ્ત’ માં વિકી કૌશલ, રણવીર સીંઘ સાથે છે પણ કરણ જોહર તેને ગ્લેમરસ ભૂમિકા તો ન જ આપે. તે રોશનઆરા બેગમના પાત્રમાં છે.
પણ 2022 ને તે પોતાની ઇમેજ ચેન્જિંગ વર્ષ તરીકે ઓળખાવવા માંગે છે. થોડી મરાઠી, થોડી હરિયાણવી ભૂમિના પિતા મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીપદ સંભાળી ચુકયા છે. પોતે મુંબઇમાં જ જન્મીને મોટી થઇ છે એટલે એક જુદા કોન્ફિડન્સ સાથે કામ કરે છે. તે મહત્વાકાંક્ષી હોય તે સહજ છે. ફિલ્મોમાં પ્રચંડ સ્પર્ધા હોય ત્યારે સરકારી નોકરી મળી હોય તેમ સલામત ન રહેવાય. હમણાં કાર્તિક આર્યનના જન્મ દિવસમાં પૂરા જોશમાં દેખાયેલી ભૂમિ હવે ધમાકો તો કરીને જ જંપશે. તેણે એકટિંગથી નહીં બોડીથી પણ બધાની નજરે ચડવું છે.