રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતે હરિદ્વાર ખાતે કહ્યું છે કે, ‘આગામી પંદરેક વર્ષોમાં ભારત ફરીથી અખંડ ભારત બની જશે.’ અખંડભારતની વાત આવે એટલે સ્વાભાવિક રીતે આપણે, ૧૯૪૭ પહેલાંનું ભાગલા વગરનું હિન્દુસ્તાન સમજીએ છીએ. ૧૯૪૭ માં ભારત, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ હિન્દુસ્તાનના ત્રણ ટુકડા થયા હતા. શ્રી મોહન ભાગવતની વાત ઉપર વિચાર કરીએ તો આગામી પંદર વર્ષમાં તે વખતનું પૂર્વ પાકિસ્તાન અને આજનું બાંગ્લાદેશ તથા પાકિસ્તાન શું હવે ભારતમાં ભળવા તૈયાર થાય ખરાં?! સીધી રીતે આ બે દેશો ભારતમાં ભળવા ના માગતા હોય, તે સંજોગોમાં લશ્કરી કાર્યવાહિ કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ ના હોઇ શકે ભારત પાસે.
અને તે વિકલ્પ એટલો સરળ નિહ હોય. શ્રી ભાગવતનો વિચાર સારો છે. જો બાંગ્લાદેશ તથા પાકિસ્તાન ભારતમાં આવી જાય તો, પાકિસ્તાનમાંનો ત્રાસવાદ નાશ પામી શકે છે. ખાસ કરીને ભારત – પાક. સિમા ઉપરના ચોકી કરતા હજારો સૈનિકોને વાપસી બોલાવી શકાય. પછી યુદ્ધનો તો ભય રહે જ નહિને! કાશ્મીરનો પ્રશ્ન પણ પછી તો આમ મેળે ઉકેલાઇ જાય. આમ અખંડ ભારત બની જતાં, ભારતની વિશ્વમાં તાકાત પણ ઘણી વધી જવા પામે. અખંડ ભારતની વસ્તી અને જમીન બન્ને વધી જતા પામે.
પછી સમસ્યાઓ પણ એટલી જ વધી જવા પામે ખરી. અખંડ ભારત બનતાં સૌથી વધુ રાજીપો, બાંગલાદેશમાં અને પાકિસ્તાનમાં રીબાતા હિન્દુ કુટુંબોને થાય. આ તો બધી ધારણાઓ છે. પણ હવે, ખરેખર કરવા જેવું જો કોઇ પ્રથમ હોય તો, આઝાદી વખતે, પાકિસ્તાને પડાવી લીધેલા કાશ્મીર કે જેને આપણે પી.ઓ.કે. કહીએ છીએ, એને, ભારતે બળ વાપરીને પણ, જીતી લેવું જોઇએ. જો પી.ઓ.કે. ભારતમાં આવી જાય તો, પાકિસ્તાન દ્વારા પેદા થતા આતંકવાદીઓના ત્યાંના રાફડાઓનો નાશ થઇ જાય. અને છાશવારે કાશ્મીરમાં સંતાઇને બેઠેલા આતંકવાદીઓને હાથે થતી હત્યાઓનો અંત આવી જાય. અખંડ ભારત બનાવતાં પહેલાં પી.ઓ.કે.ને ભારતમાં ભેળવવાનું અગત્યનું કામ થાય તો, આગળનો રસ્તો મળી શકશે.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.