Columns

પહેલો વિચાર

એક દિવસ ગુરુજીએ પોતાના આશ્રમમાં છેલ્લા છ વર્ષથી તાલીમ પામી રહેલા શિષ્યોને કહ્યું , ‘શિષ્યો હવે તમારી તાલીમ પૂરી થશે અને સાચા અર્થમાં જીવનમાં તમારે અહીં જે શીખ્યા ,જે જ્ઞાન મેળવ્યું, તેનો ઉપયોગ કરવાનો રહેશે.તો તમે મને કહો કે તમે બધા જીવનમાં આગળ શું કરશો અને કેવી રીતે કરશો ??’ એક પછી એક શિષ્યો જવાબ આપવા લાગ્યા….બધાએ જુદા જુદા જવાબ આપ્યા ..પણ બધાના જવાબનો સાર એક હતો કે અમે ખુબ મહેનત કરીશું અને જીવનમાં ખુબ સફળ થશું …ખુબ આગળ વધીશું …ખુબ પૈસા કમાશું…વગેરે વગેરે

ગુરુજીએ કહ્યું, ‘તમારા બધાના જવાબ ભલે જુદા જુદા હોય પણ મને સમજાઈ ગયું કે તમે બધા જ જીવનમાં થોડા સમયમાં બહુ સફળ થવા માંગો છો અને વધુ ને વધુ પૈસા મેળવવા માંગો છો..સારી વાત છે પણ એટલું યાદ રાખજો કે તમારા જે કોઈ પણ સપના હોય તે તરત જ પુરા નહિ થાય તેના માટે રાતોની ઊંઘ છોડીને મહેનત કરવી પડશ….અને હું માનું છું કે તમે બધા જ મહેનત કરશો અને સફળ થશો જ પણ તેને સમય લાગશે અને તમારી મહેનત ઓછી ન પડે અને અટકે નહિ તેનું ધ્યાન રાખજો….હવે મારો બીજો સવાલ છે કે તમે જીવનમાં જયારે તમારી મહેનત રંગ લાવશે અને સફળ થશો ત્યાર બાદ તમે પહેલો વિચાર કયો કરશો ??’ એક પછી એક શિષ્યોએ જવાબ આપ્યા …..બધાના જવાબ જુદા જુદા હતા પણ જવાબ નો સાર હતો કે અમે અમારા અને પરિવારના સપના પુરા કરીશું …બધી ઇચ્છાઓ પૂરી કરીશું …વગેરે વગેરે

બધાના જવાબો સાંભળી લીધા બાદ ગુરુજી બોલ્યા, ‘તમારા બધાના જવાબ જુદા જુદા છે પણ સાર એક જ છે માત્ર પોતાનો અને પોતાનાનો વિચાર …જોયેલા સપના પુરા કરવાની કામના….પણ અહીં તમારી ભૂલ છે.હું તમને અહીં એક સાચી રીત જણાવવા માંગું છું જેનાથી સમાજ આગળ વધશે અને તમને પણ મનથી સાચા આનંદનો અનુભવ થશે.એ રીત છે જયારે જીવનમાં સફળ થાવ ..કૈંક મેળવીને આગળ વધો ત્યારે પહેલો વિચાર આજુબાજુમાં બેસેલા નબળા ,જરૂરિયાતમંદ લોકોનો વિચાર કરજો.તેમનો પણ હાથ પકડી આગળ વધારજો.અને જો જીવનમાં દરેક આગળ વધનાર સફળ થયા બાદ તરત પહેલો વિચાર આજુબાજુના પાછળ રહી જનાર લોકોનો કરશે સમાજ વધુ ને વધુ સુંદર બની જશે,હું ઈચ્છું છું કે મારા શિષ્યો સફળ થયા બાદ પહેલો વિચાર અન્યનો કરે.’ગુરુજીએ પોતાના શિષ્યોને સાચી દિશા દેખાડી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top