તારીખ : 28-03-2023નાં ચર્ચાપત્ર વિભાગમાં વ્યારાના પ્રકાશ સી. શાહ તરફથી ‘‘અગ્નિસંસ્કાર નહીં ભૂમિ સંસ્કારનું વિચારો’’ બાબતે વિચારતા એમણે વૃક્ષો બચાવવા બાબતે ચિંતા વ્યકત કરી જે બરોબર છે પરંતુ મૂળ સવાલ એ આવે છે જમીન હશે તો વૃક્ષો ઉગાડાશેને ?! આજે જમીનની કિંમત જોતા ભૂમિ સંસ્કાર થી મૃતકની દફન વિધી કરનાર માટે વસ્તી નજીકમાં જમીન મેળવવી એ મોટો પ્રશ્ન છે. ત્યાં બધા જ એટલે કે ભારતની વિવિઘ જ્ઞાતિના 130 કરોડની વસ્તીનાં મૃતકો માટે જમીન મેળવવી શું શક્ય છે ?! જમીનમાં મૃતદેહના દફન કર્યા પછી પણ સ્થળ પર અસ્તિત્વ રહેતા વારંવાર શુભપ્રસંગે ત્યાં જઈ તેમને યાદ કરી દુ:ખી થવું પડે.
વધુમાં આવા દફન થયેલ પાસે વૃક્ષ વાવવાથી જગ્યા રોકાય જે અન્ય મૃતદેહ માટે ઓછી થવા લાગે. ખાસતો જમીનમાં મૃતદેહને દફનાવતા તેનાં અંગોમાં જીવાત પડી સડવા લાગે વરસાદની મૌસમમાં એ પાણી સાથે જમીનમાં થઈ વપરાશના પાણીમાં ભળે એ ઘણું હાની કારક છે. હાલમાં અગ્નિદાહ માટે દરેક જગ્યાએ ગેસ ચેમ્બર ઉપલબ્ધ છે જેથી લાકડાનો ઉપયોગ મહદઅંશે થતો નથી અને દરેક ગેસ ચેમ્બરને અંતિમ સંસ્કાર માટે ઉત્તમ સમજી સ્વીકારવા લાગ્યા છે. કેમકે સમય પણ ઓછો લે છે, બધ ચેમ્બરમાં અગ્નિદાહ થતો હોવાથી નજર કશું ન થતું હોવાથી દુ:ખ ઓછું રહે છે. હાલના સંજોગોમાં અગ્નિ સંસ્કારજ ઉત્તમ છે. જેથી દેશની કિંમતી જમીન અને પર્યાવરણ માટેનાં વૃક્ષો બચાવી શકાય.
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ખુશમિજાજ
આધુનિક યુગની દોડધામભરી જિંદગીમાં માનવી હસવાનું ભૂલી ગયો હોય તેવું વર્તે છે. ખુશમિજાજી વ્યક્તિને રીતસર શોધવો પડે. હંમેશા આનંદમાં રહે, સારો સ્વભાવ હોય તે ખુશમિજાજી કહેવાય. મોટે ભાગનાં લોકોમાં ભારેખમ ગાંભીર્ય દેખાય,જાણે આખા પંથકની જવાબદારી પોતાના માથે હોય. અલબત્ત, જીવનમાં ચોક્કસ બાબાતોમાં ગંભીરતા, ધીરતા, પ્રૌઢતા જરૂરી, પણ દરેક સમયે ભારેખમ ગંભીરતા હાનિકારક બને છે. અતિ વજનદાર, ગંભીર મુખવાળી વ્યક્તિ, હાસ્યના ફાયદાઓથી વંચિત રહી જાય છે. આબરુદાર, પ્રતિષ્ઠિત, મોભાદાર વ્યક્તિ, વડીલપણું બતાવનાર પ્રૌઢ ક્યારેક મોટાઈના ડોળ કરવા ગાંભીર્ય ધારણ કરે એમ પણ બને. તે ક્યારે ન સમજી શકાય તેવી ભારેખમ ભાષામાં વાત પણ કરે છે.
વાણી લોકસમૂહને સમજાય તે જરૂરી છે. આવા વ્યક્તિને પોતાના કાર્યમાં સફળતા ન મળે ત્યારે ત્વરિત મુંઝવણ અનુભવે છે. અંતે આશા વિનાનું એકલવાયું જીવન જીવે છે. ઝડપી યાંત્રિક યુગમાં થોડું રમૂજી, મશ્કરું હોય તેને ઓછી તકલીફો આવે છે. આખા ગામની ચિંતામાં ફરવાની કોઈ જરૂર નથી. ખુશમિજાજી બનીએ તો મુશ્કેલીઓ આવે ત્યારે સૌનો સાથ મળે છે. ભારેખમ ચહેરો લઈને ફરનાર એકલો પડે છે. અરે ભાઈ, જીવન છે તો વિટંબણાઓની આવનજાવન તો રહેવાની જ. ચાલો ત્યારે, હસમુખો-આનંદી સ્વભાવ રાખીએ અને માનસિક સમસ્યાઓનું સમાધાન મેળવીએ.
નવસારી -કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.