પ્રેમમાં પડેલો માણસ ગાંડો બની જાય છે, પણ જ્યારે પ્રેમનો નશો ઊતરે છે, ત્યારે તેની અક્કલ પાછી આવી જતી હોય છે. તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રા અને ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની વચ્ચે જે કાંઈ બન્યું તે એક નિષ્ફળ ગયેલી પ્રેમકહાણી હતી, પણ તેની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે, કારણ કે તેનાથી ભારતના રાજકારણનાં અનેક રહસ્યો પણ બહાર આવી રહ્યાં છે. સંસદમાં પ્રશ્નોત્તરીના બદલામાં લાંચ લેવાના અને કૂતરાને ચોરવાના આરોપો બાદ હવે તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રા પર બ્લેકમેલિંગનો આરોપ લાગ્યો છે.
પોતાના ફાયદા માટે સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવનાર ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની હવે સામે આવ્યા છે. દર્શન હીરાનંદાનીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ મહુઆ મોઇત્રાને ૨૦૧૭માં આયોજિત બંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટથી ઓળખે છે. મહુઆ મોઇત્રા તે સમયે પશ્ચિમ બંગાળના નાદિયાના કરીમનગરથી ધારાસભ્ય હતાં. તેમને સમિટમાં ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે વાતચીત દરમિયાન તેમને મહુઆ મોઇત્રા જાણકાર, સ્પષ્ટ અને બુદ્ધિમાન જણાઈ હતી.
તે પછી બંનેએ એકબીજા સાથે જોડાયેલાં રહ્યાં હતાં. ત્યારથી તે તેની નજીકની અને અંગત મિત્ર છે. વાતચીત દરમિયાન તેમને જાણવા મળ્યું કે મહુઆ મોઇત્રા એવા જનપ્રતિનિધિઓમાંથી એક છે, જે આર્થિક અને વ્યાપાર સંબંધિત મુદ્દાઓને સમજે છે. કદાચ મહુઆ મોઇત્રાને પણ દર્શનની રાજકીય વિચારધારા ગમતી હતી, જેના કારણે બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી. ત્યાર બાદ તેઓ કોલકાતા, દિલ્હી, મુંબઈ અને વિદેશોમાં પણ મળ્યાં હતાં. કેટલીકવાર તેઓ સાપ્તાહિક ધોરણે ફોન કૉલ્સ પર વાત કરતાં હતાં અને કેટલીક વાર દૈનિક ધોરણે. જ્યારે પણ મહુઆ દુબઈ જતી હતી ત્યારે તેઓ હંમેશા દુબઈમાં મળતાં હતાં. આ દરમિયાન મહુઆ મોઇત્રાએ દર્શન હીરાનંદાનીને ઘણાં નાનાં કે મોટાં કામો માટે પૂછવાનું શરૂ કર્યું હતું.
દર્શન હીરાનંદાનીએ કહ્યું છે કે મહુઆ મોઇત્રાનું વર્તન એવું હતું કે જો તે તેને કંઈક કરવાનું કહે તો તે બીજું બધું છોડીને પહેલાં તેનું કામ પૂરું કરતી હતી. મહુઆ મોઇત્રાનો સ્વભાવ પ્રભાવશાળીહતો. સાંસદ બન્યા બાદ તેમને ઘણી વખત મહુઆ મોઇત્રાના યજમાન બનવાની તક મળી હતી. આ પછી તે રાષ્ટ્રીય રાજનીતિમાં જાણીતી બની અને ઘણા પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવી.
મહુઆએ તેને કહ્યું હતું કે તેને બે વખત રાજ્યસભાની સીટ ઓફર કરવામાં આવી હતી પરંતુ તે જનતા દ્વારા ચૂંટાયા બાદ સાંસદ બનવા માંગતી હતી. તેણીએ કહ્યું છે કે તે ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતી અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ બનાવવા માંગતી હતી. તેના મિત્રો અને સલાહકારોએ તેણીને કહ્યું હતું કે આનો શોર્ટકટ ભારતના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલા કરવાનો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દોષરહિત પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિ છે અને તેઓ કોઈને પણ સરકારી નીતિઓ, વહીવટ અથવા વ્યક્તિગત વર્તન પર હુમલો કરવાની તક આપતા નથી.
મહુઆ મોઇત્રાને લાગ્યું કે વડા પ્રધાન મોદી પર વ્યક્તિગત હુમલો કરવાનું સાધન ગૌતમ અદાણીને નિશાન બનાવવાનું હતું, કારણ કે બંને એક જ રાજ્યમાંથી આવે છે. દેશની બહાર તેમજ દેશની અંદર મીડિયા, બિઝનેસ અને રાજનીતિના ઘણા લોકો ગૌતમ અદાણીના ઉદયથી ઈર્ષ્યા કરતા હતા. એટલા માટે મહુઆ મોઇત્રા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે ગૌતમ અદાણી પર હુમલો કરીને તેમના વિરોધી લોકો પાસેથી સમર્થનની અપેક્ષા રાખતાં હતાં. તેઓ જાણતાં હતાં કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન મારી કંપની સાથે નહિ પણ અદાણી ગ્રુપના ધર્મ એલએનજી સાથે કરાર કરી રહી છે.
આ માહિતીના આધારે મહુઆ મોઇત્રાએ ગૌતમ અદાણીને અપમાનિત કરવા સંસદમાં પૂછવા માટે કેટલાક પ્રશ્નો તૈયાર કર્યા હતા. તેમણે તેમના ઈમેલ આઈડી પર કેટલીક માહિતી માંગી હતી. દર્શન દ્વારા મોકલવામાં આવેલા કેટલાક પ્રશ્નોના જવાબોથી મહુઆ મોઇત્રા ખુશ હતાં. આ પ્રશ્નો અદાણી ગ્રુપને લગતા હતા. તેમણે દર્શન હિરાનંદાનીને પોતાનું સંસદનું આઈડી અને પાસવર્ડ પણ આપી દીધા હતા, જેથી તેઓ પોતે પૂછવા માટેના પ્રશ્નો અપલોડ કરી શકે. આ બધા દરમિયાન દર્શનની મહુઆ મોઇત્રા સાથેની મિત્રતા સતત ખીલતી રહી હતી. આ સમયગાળા દરમિયાન તેમને વિપક્ષ શાસિત રાજ્યોમાં લાભ મળતો રહ્યો, કારણ કે મહુઆ મોઇત્રાના મિત્રોમાં રાહુલ ગાંધી, શશી થરૂર અને પિનાકી મિશ્રા સામેલ હતા. તેના બદલામાં મહુઆ મોઇત્રાએ દર્શન પાસે ઘણી વસ્તુઓ કરાવડાવી, જેમાં દિલ્હીના બંગલાનું રિનોવેશન, મુસાફરી ખર્ચ, મોંઘી ભેટો વગેરે સામેલ હતા.
દર્શન હીરાનંદાનીએ પોતાની ભૂલનો એકરાર કરતાં કહ્યું હતું કે “ઘણી વખત મને લાગ્યું કે તે મારો ફાયદો ઉઠાવી રહી છે અને મારા પર એવાં કામો કરવા દબાણ કરી રહી છે, જે હું કરવા માંગતો ન હતો. પરંતુ ઉપર જણાવેલાં કારણોને લીધે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આ મામલો સંસદ અને ન્યાયતંત્રમાં આવ્યો હોવાથી તથ્યો બધાની સામે મૂકવાની જવાબદારી મેં માની છે.’’દર્શન હીરાનંદાનીનાં આ વિસ્ફોટક નિવેદન બાદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી શકે છે. દર્શન હીરાનંદાનીના એકરારનામાં પરથી ખ્યાલ આવે છે કે તેમણે મહુઆ મોઇત્રા સાથેના પોતાના વ્યક્તિગત પ્રેમસંબંધો કરતાં પોતાના વેપારી હિતોને વધુ મહત્ત્વ આપ્યું છે.
જો મહુઆ મોઇત્રા સાથેના તેમના સંબંધો બહાર આવે તો તેમને શાસક પક્ષના ખોફનો ભોગ બનવું પડે તેવું હતું, જેનું નુકસાન કદાચ તેમના ઉદ્યોગ સમૂહને પણ ઉઠાવવું પડે તેમ હતું. દેશના તમામ ઉદ્યોગપતિઓ જાણે છે કે વર્તમાન સરકાર સામે જો પડવામાં આવે તો ઇડી અને સીબીઆઈનો સામનો કરવો પડે છે. દર્શન હીરાનંદાનીએ વિચાર્યું હશે કે મહુઆ સાથેના તેના સંબંધો તો આમ પણ પૂરા થઈ ગયા છે. તો પછી મહુઆનો બચાવ કરીને શાસક પક્ષનો ખોફ શા માટે સહન કરવો? તેને બદલે ભૂલની કબૂલાત કરીને તેઓ શાસક પક્ષની ગુડ બુકમાં રહી શકે છે. તેમણે તે રસ્તો જ અખત્યાર કર્યો છે.
આ પ્રકરણમાં મહુઆ મોઇત્રાના એક નહીં પણ બે ભૂતપૂર્વ પ્રેમીઓ મેદાનમાં આવી ગયા છે. એડવોકેટ જય અનંત દેહદરાઈએ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ કરતો પત્ર મોકલ્યો હતો. તેમણે કહ્યું છે કે મહુઆ મોઇત્રાએ તેમના કૂતરા હેનરીની માત્ર ચોરી જ નથી કરી પરંતુ તેને ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખ્યો હતો. તેમણે તેને નવી દિલ્હીના જનકપુરી સ્થિત દુકાનમાંથી ખરીદ્યો હતો. તેમણે આ કૂતરો જાન્યુઆરી ૨૦૨૧માં ૭૫,૦૦૦ રૂપિયામાં ખરીદ્યો હતો.
તેમણે દિલ્હી પોલીસને ૧૦,૦૦૦ અને ૬૫,૦૦૦ રૂપિયાની ચૂકવણીની બે રસીદો પણ મોકલી છે. તેમણે કેનલ ક્લબ ઓફ ઈન્ડિયામાં પોતાના કૂતરાની નોંધણી પણ કરાવી હતી. તેમણે પત્રમાં જણાવ્યું છે કે હેનરી સાથેનો તેમનો સંબંધ મા-બાળક જેવો છે. અનંત જય દેહાદરાયે આ ફરિયાદ પત્રમાં લખ્યું છે કે ‘‘હું હેનરી ૪૦ દિવસનો હતો ત્યારથી તેની સંભાળ રાખું છું. હું તેની તમામ જરૂરિયાતો અને ચિંતાઓને સમજું છું. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૩ થી મહુઆ મોઇત્રાએ મારા કૂતરાનું અપહરણ કર્યું છે અને તેને છૂપાવીને રાખ્યો છે. મેં મહુઆ મોઇત્રા સામે સીબીઆઈમાં જે ફરિયાદ નોંધાવી છે તેનો બદલો લેવા તેઓએ આવું કર્યું છે.’’
–આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.