આખું વર્ષ, અપવાદરૂપ એક બે મહિનાને બાદ કરતાં, હિંદુ ધર્મના તહેવારોની ઉજવણી ચાલ્યા કરતી હોય છે અને અનુભવ એવું કહે છે કે તે ઉજવણીમાં અતિરેક થતો હોવાને કારણે તેવી ઉજવણી ન્યુસન્સરૂપ પુરવાર થાય છે. ઉદાહરણ તરીકે તા.૨૫ ઓગસ્ટના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્ર વિભાગમાં ‘ ધાર્મિક સરઘસોવાળા ટ્રાફિક જામ કરે તે કેમ ચાલે?’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલું શ્રી જે. બી. રાઇડરનું ચર્ચાપત્ર ઉલ્લેખનીય છે. ગણેશ ચતુર્થીથી દસ દિવસ ચાલતા ગણેશોત્સવની ઉજવણી દરમ્યાન શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ એવી રીતે બધી બાજુથી બંધ કરી દેવામાં આવે છે કે પ્રજાએ તેને લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વળી ઉત્સવ દસ દિવસનો, પણ તેની તૈયારી મહિના અગાઉથી ચાલુ થઇ જાય અને પરિણામે પ્રજાએ મુશ્કેલીઓનો સામનો તો દોઢથી બે મહિના સુધી કરવો પડે. આ તો ફકત ગણેશોત્સવની વાત થઈ, બાકી દરેકે દરેક ઉત્સવની ઉજવણીમાં અતિરેક થતો હોવાને કારણે તે ઉજવણી ન્યુસન્સરૂપ પુરવાર થાય છે. યાદી લાંબી થાય એટલે સ્થળસંકોચને કારણે અહીં તેનું વિવરણ ટાળ્યું છે. અન્ય ધર્મોના તહેવારો પણ આવે છે પરંતુ તે આખા વર્ષમાં બે – ચાર દિવસના હોય છે. જ્યારે હિંદુ ધર્મના તહેવારોની ઉજવણીની ભરમાર આખું વર્ષ ચાલતી હોય છે.( અપવાદરૂપ એક બે મહિના બાદ કરતાં ). કોઇ પણ તહેવારની ઉજવણીનો આ લખનાર વિરોધી નથી, પણ તે ઉજવણી સંયમિત રીતે, પ્રજાને કોઇ પણ પ્રકારની હાડમારી ન પડે તે રીતે થવી જોઈએ.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ધાર્મિક ઉત્સવોની ઉજવણીનો અતિરેક દૂર થવો જોઈએ
By
Posted on