માતા-પુત્રીના વિસેરા રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે

વડોદરા : શહેરના સમા વિસ્તારના રાંદલધામ મંદિર પાસેની ચંદનપાર્ક સોસાયટીમાં પિયરમાં જ પતિ અને 6 વર્ષીય દીકરી સાથે રહેતી 35 વર્ષીય પરણિતા અને દીકરીનું રહસ્મય સંજોગોમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સમા પોલીસને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે માતાપુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જેમાં પોસ્ટમોર્ટમ તપાસમાં મહિલામાં પોઇઝનના અંશ મળી આવતા પોલીસે વિશેરા રિપોર્ટની તજવીજ હાથ ધરી છે. જોકે વિશેરા રિપોર્ટ આવ્યાબાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઉપરાંત પોલીસે માતાપુત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા પતિને પોલીસ કસ્ટડીમાં રાખી કડક પૂછપરછ કરી રહી છે.  

શહેરના સમા વિસ્તારના રાંદલધામ મંદિર પાસેની ચંદનપાર્ક સોસાયટીમાં તેજસ અમરસીંગભાઈ પટેલ 35 વર્ષીય પત્ની અને 6 વર્ષીય એક દીકરી સાથે રહે છે. હાલ નવરાત્રીનો તહેવાર ચાલતો હોવાથી રોજ રાત્રે તેજસભાઈના પત્ની શોભનાબેન અને દીકરી કાવ્યા સોસાયટીમાં નીચે ગરબા રમવા માટે જતા હતા. ત્યારે રવિવારની રાત્રે શોભનાબેન અને દીકરી કાવ્યા ગરબા રમવા માટે સોસાયટીમાં ગઈ હતી. ગરબા પૂર્ણ થતા માતા અને પુત્રી પરત ઘરે ફરી હતી. ત્યારે સહ પરિવાર સુઈ ગયા હતા.

દરમિયાન રાત્રે 2.30 વાગ્યે તેજસભાઈએ દીકરી કાવ્યાને સીધી સુવડાવતાં કોઈ હલનચલન જોવા મળી ન હતી. જેથી બાજુમાં સુતેલી પત્ની શોભનાબેનને ઉઠાડી હતી. પરંતુ તેના તરફથી પણ કોઈ પ્રતિભાવ જોવા મળ્યો ન હતો. તેમણે નીચેના મકાનમાં જ રહેતા પત્નીના ભાઈ તેમજ  સાસુ સસરાને ઝગાડ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો માતા પુત્રીને સારવાર અર્થે પહેલા નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબોએ માતાપુત્રીને મૃત જાહેર કર્યા હતા.

 જેથી સમા  પોલીસે પ્રાથમિક તબ્બકે રહસ્મય સંજોગોમાં માતાપુત્રીનું અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે માતાપુત્રીના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ પીએમના પ્રાઈમરી રીપોર્ટની તજવીજ હાથ ધરી હતી. જોકે પોસ્ટ મોર્ટમ તપાસમાં શોભનાબેનના મૃતદેહમાંથી પોઇઝનના અંશ મળી આવ્યા હતા. તેમજ તેણીના ગળામાં નખના નિધન મળી આવ્યા હતા.

ત્યારે પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વિશેરા રિપોર્ટની તજવીજ હાથ ધરી હતી. જેથી વિશેરા રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. તેમજ આ ઘટના અંગે તપાસ કરી રહેલી પોલીસે માતાપુત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા પતિને પોલીસ કસ્ટડીમાં રાખી કડક પૂછપરછ કરી રહી છે. જેમાં પતિ દ્વારા જુદી જુદી વાતો પોલીસને જણાવવામાં આવી રહી હોવાની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

પોલીસ તપાસમાં ઉંદર મારવાની રેટ પોઇઝનની ખાલી બોટલ મળી આવી

ઘટના અંગે વિગત આપતા સમા પોલીસ મથકમાં ઇન્ચાર્જ પીઆઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, મોતનું ચોક્કસ કારણ જાણવા વિશેરા રિપોર્ટની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઘટના બાદ તપાસ કરતા મકાનના ઉપર આવેલા છજા ઉપરથી ઉંદર મારવાની રેટ પોઇઝનની ખાલી બોટલ મળી આવી હતી.

Related Posts