પ્રેમ શક્તિ- ભક્તિ-પૂજા અને સમાધિ છે! પ્રેમ પ્રાર્થના -આરાધના છે. પ્રેમ ટાઈગર હિલ પર થતો સૂર્યોદય છે. પ્રેમ કાંચન-જંગા પર્વતનો ઝળહળાટ જ છે! પ્રેમ વસંત છે. પ્રેમ ટહુકો છે. પ્રેમ પ્રથમ વર્ષાની ભીની મીઠી સૌરભ છે. પ્રેમ મંદિરમાં થતો કર્ણપ્રિય ઘંટારવ છે! પ્રેમ કોડિયાનો પ્રકાશ છે. પ્રેમ શિયાળાનો ઠંડો અનિલ છે. પ્રેમ મૈત્રીનું મહાકાવ્ય છે. પ્રેમ પ્રિયજનનો મિસકોલ છે. પ્રેમ ઝાકળભીની સવાર છે. પ્રેમ પતંગિયાની પાંખોનો રંગીન સત્સંગ છે. પ્રેમ પરમ આનંદોત્સવ છે. પ્રેમ મનગમતું એકાંત છે. પ્રેમ માનવતાના વૃક્ષનું મૂળ છે! પ્રેમ પૂનમનો ચંદ્ર છે! નભમાં ઝળહળતા તારાઓનું સુગમ સંગીત છે. પ્રેમ ‘પ્રાંજલ’ છે. પ્રેમ આનંદ છે. પ્રેમ અનેરો પ્રવાસ છે.
પ્રેમ સુંદર પ્રદેશ છે! પ્રેમ જીવન વ્યવહાર નું અદ્ભુત રસાયણ છે. વાણી- વર્તન અને વ્યવહારમાં પ્રેમનું પ્રતિબિંબ પડતું હોય છે. પ્રેમ પ્રાર્થના છે. પ્રેમ જીવનની કથા-વ્યથાનો સ્વાદિષ્ટ પ્રસાદ છે! જે પ્રેમ કરે છે તેને ઈશ્વર પણ પ્રેમ કરે છે. રંક પ્રતિ કરેલ પ્રેમથી પરમેશ્વર રાજી રાજી-રાજી થાય છે! પ્રેમ પુષ્પની પરાગ રજ અને ઊડતાં પતંગિયા છે. પ્રેમ એ ઈશ્વરે આપેલી અનમોલ ભેટ છે. મંદિરમાં પ્રવેશ્યા વિના પૂજા કરવા આપણે પરસ્પર નિશ્વાર્થ પ્રેમ કરીએ! પ્રેમ માધુર્યજીવનનું જીવન સંગીત છે. પ્રેમમાં અનંત ઊંડાણ છે. પ્રેમ દરિયાનો ઘૂંઘવાટ છે. પ્રેમ યાયાવર પંખીનો ‘ટહુકો’ છે. પ્રેમ ઈન્દ્રધનુષનો નવમો રંગ છે. પ્રેમ પારસમણિ છ. પ્રેમ ઝરણાંના ઝાંઝરનો ઝંકૃત ઝણકાર છે! પ્રેમ પ્રસન્નતા નું પ્રભાત છે. પ્રેમ વસંત છે. પ્રેમ કવિતાનો કેકારવ છે! આપણું જીવન અંધકારમય ન રહે તેથી આપણે પ્રેમનો દીપક પ્રગટાવી ઝળહળ-ઝળહળ ઉજાશ ફેલાવીએ.
સુરત – રમેશ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સ્વચ્છતા મિત્રોની પ્રમાણિકતાને નમન
તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ના ‘ગુજરાતમિત્ર’ સહિત મુદ્રિત માધ્યમોમાં સમાચાર આવ્યા કે વરાછા વિસ્તારનાં ત્રણ સ્વચ્છતા મિત્રોને કચરામાં ભૂલથી ફેંકાયેલું ઘરેણાંનું બોક્ષ મળતાં ત્રણેએ એકસરખું વિચારીને પહેલાં ભૂલથી ફેંકનાર વ્યક્તિની શોધ આદરી અને તેમાં નિષ્ફળતા મળતાં તે પોલિસમાં જમા કરાવ્યું. હવે હાલ ચાલી રહેલી નીતિ પ્રમાણે આ મિત્રો ખાનગી કોન્ટ્રાકટરની બિનસલામત સેવામાં કાર્યરત હશે, જેમાં ભવિષ્યનિધિ કે નિવૃત્તિ વેતનની વ્યવસ્થા વિનાની જ હશે. તે પરિસ્થિતિ જોતાં આ મિત્રોની પ્રામાણિકતાનું મહત્ત્વ વધી જાય છે કારણ કે વાતાવરણ એવું છે કે જેમ ઓદ્ધો અને વેતન મોટાં તેમ તેમના ભ્રષ્ટાચારનો દર પણ ઊંચો. મહાનગર પાલિકા ફક્ત તેઓનું સન્માન જ નહીં, પણ સીધી કાયમી નોકરીમાં સમાવે કારણ કે સમાજની પણ પ્રામાણિક વ્યક્તિઓને સાચવવાની નૈતિક ફરજ છે.
સુરત – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે