Sports

ટોક્યો ઑલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાષ્ટ્રને ગૌરવ અપાવવા બદલ સમગ્ર દેશને ટીમ પર ગર્વ છે : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ટોક્યો ઑલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન ઉત્કૃષ્ટ હતું અને સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. એમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યું હતું.
કોવિંદે ટોક્યો ઑલિમ્પિક 2020માં ભાગ લેનાર ભારતીય ટુકડી માટે અહીં રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં ‘હાઈ ટી’નું આયોજન કર્યું હતું.

રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદનમાં જણાવ્યાં અનુસાર, ટોક્યો ઑલિમ્પિક 2020 માટે ભારતીય ટુકડી સાથે વાતચીત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, રાષ્ટ્રને ગૌરવ અપાવવા બદલ સમગ્ર દેશને ટીમ પર ગર્વ છે.કોવિંદે કહ્યું કે, આ ટીમે ઑલિમ્પિકમાં આપણી ભાગીદારીના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ જીત્યા છે.

રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે, અમને ખાસ કરીને અમારી પુત્રીઓ પર ગર્વ છે, જેમણે ઘણા પડકારોનો સામનો કરીને વિશ્વસ્તરીય પ્રદર્શન કર્યું હતું. તમે અમને કોરોના મહામારી વચ્ચે ઉજવણી કરવાની તક આપી છે.તમણે કહ્યું કે, તેમની સિદ્ધિઓએ યુવાનોને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા છે. આ ઉપરાંત, વાલીઓમાં પણ રમત ગમત પ્રત્યે સકારાત્મક અભિગમ સર્જ્યો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ટોક્યો ઑલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન માત્ર સિદ્ધિઓના સંદર્ભમાં જ નહીં પરંતુ સંભવિત દ્રષ્ટિએ પણ ઉત્કૃષ્ટ રહ્યું હતું.
ટોક્યોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મોટાભાગના ખેલાડીઓ તેમની રમત કારકિર્દીની શરૂઆતમાં છે. ભારતની આગામી સમયમાં રમતની દુનિયામાં પ્રભાવશાળી હાજરી રહેશે.

નિવેદનમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિએ તેમના ઉત્તમ પ્રયાસો માટે સમગ્ર ભારતીય ટુકડીને અભિનંદન આપ્યા હતા.
તેમણે કોચ, સપોર્ટ સ્ટાફ, પરિવારના સભ્યો અને શુભેચ્છકો દ્વારા ભજવેલી ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી, જેમણે તેમની તૈયારીઓમાં ફાળો આપ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ હાજરી આપી હતી.

Most Popular

To Top