એક રાજા નગરમાં ભ્રમણ કરવા નીકળ્યો.તેની સાથે તેના મહામંત્રી હતા.ચંદનના વેપારીની દુકાન પાસેથી પસાર થતાં રાજા વેપારીને જોઇને બોલ્યો, ‘મંત્રીજી, ખબર નહિ કેમ પણ મને એમ થાય છે કે આ વેપારીને ફાંસીની સજા આપી દઉં.’મંત્રી બોલ્યા, ‘રાજન, એમ આપણે કોઈને કારણ વિના સજા ન આપી શકીએ.’ પણ રાજા તે સાંભળવા રોકાયા નહિ અને આગળ વધી ગયા. સાંજે મંત્રીજી સાધરણ કપડાં પહેરીને વેશપલટો કરીને ચંદનના વેપારીની દુકાન પર ગયા અને તેને ચંદનનો ભાવ પૂછયો.વેપારીએ ઉત્સાહમાં ભાવ કહ્યો અને સાથે સાથે કહ્યું, ‘આપને કેટલા કિલો લાકડા જોઈએ છે, ઘણા વખતથી કોઈ વેપાર થયો જ નથી એટલે તમને ખાસ ભાવ ઓછો કરી આપીશ.’મંત્રીએ પૂછ્યું, ‘કેમ વેપાર નથી એમ કહો છો.’
વેપારી દુઃખી અવાજમાં બોલ્યો, ‘મારી પાસે બહુ સારી ગુણવત્તાના લાકડા છે એટલે તેનું મૂલ્ય બહુ વધારે છે. ગ્રાહક ઓછા જ આવે છે અને ચંદન લાકડા સૂંઘી વખાણ કરે છે પણ મૂલ્ય સાંભળી ખરીદતા નથી. હવે તો મને રોજ એમ જ વિચાર આવે છે કે જો નગરના રાજાનુ મૃત્યુ થાય તો જ મારો ફાયદો થશે. રાજાની અંતિમક્રિયા માટે ચંદનના લાકડા જોઇશે અને આ નગરમાં હું એક જ ચંદનનો વેપારી છું એટલે મારો વેપાર થશે અને મારા દિવસો બદલાશે.’ વેપારીની વાતો સાંભળી મંત્રી સમજી ગયા કે વેપારીના આવા નકારાત્મક વિચારોની અસરને કારણે જ રાજાને તેને મૃત્યુદંડ આપવાની ઈચ્છા થઇ હશે.
મંત્રી બુદ્ધિમાન હતા તેમણે કઇંક વિચારી વેપારી પાસેથી થોડા ચંદનના લાકડા ખરીદ્યા. દુકાનદાર ખુશ થયો અને લાકડા બરાબર બાંધી આપ્યા. મહેલમાં જઈને મંત્રીજીએ રાજાને ચંદનનુ લાકડું આપતા કહ્યું, ‘રાજન તમારા માટે આ ઉચ્ચ ગુણવત્તાનું મુલ્યવાન ચંદન વેપારીએ ભેટ મોકલ્યું છે.’ રાજા સુંદર સોનેરી રંગનું ચંદનનું લાકડું અને તેની સુગંધથી ખુશ થઇ ગયો.પ્રસન્ન થઈને રાજાએ તેને સોનામહોરોની પોટલી મોકલી. રાજાને દુઃખ થયું કે તેણે આ વેપારીને મૃત્યુદંડ આપવાનો વિચાર કર્યો હતો. આ બાજુ વેપારીને રાજાએ સોનામહોરની પોટલી મળી.
તે આશ્ચર્યચકિત થઇ ગયો. તેને કારણ ન સમજાયું, પણ આ સોનામહોરોની ભેટને કારણે તે વેપાર ન થવાથી પૈસાની તંગીમાં હતો તે દૂર થઇ ગઈ. વેપારી રાજાના ગુણગાન ગાવા લાગ્યો અને મનોમન રાજાના મોત વિશેના પોતાના સ્વાર્થી વિચારો પર પસ્તાવો કરવા લાગ્યો.હવે તે રોજ રાજાની લાંબી ઉંમરની પ્રાર્થના કરવા લાગ્યો. જો આપણે બીજા માટે ખરાબ વિચાર મનમાં પણ કરીશું તો તે ખરાબ વિચારો એ જ સ્વરૂપમાં આપણી પાસે આવશે અને જો આપણે કોઈ માટે સારા અને દયા ભરેલા વિચારો કરીશું તો તે સકારાત્મક વિચાર આપણી પાસે વધુ સારી રીતે પાછા આવશે.કોઈના માટે આપણે જેવા વિચાર મનમાં રાખીશું તેના મનમાં પણ એવા જ વિચાર આપણા માટે આવશે.