World

પૃથ્વી ઝડપથી ગરમ થઈ રહી છે, ખતરાની ઘંટી

પૃથ્વી એટલી ગરમ થઇ રહી છે કે એક દાયકામાં તાપામન એટલી હદે ઉછળશે કે તે ગરમીની તે સપાટી વટાવી જશે જ્યાં તાપમાનને પહોંચતું અટકાવવા વિશ્વ નેતાઓ ઇચ્છતા હતા એમ આજે પ્રગટ થયેલા યુનાઇટેડ નેશન્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, જેને યુએન દ્વારા માનવ જાત માટે એક લાલ સિગ્ન્લ સમાન ગણાવવામાં આવ્યો છે. આ અહેવાલના એક સહ-લેખિકા લિન્ડા મર્ન્સે જણાવ્યું હતું કે ક્યાંય ભાગવાની પણ જગ્યા નહીં રહે, સંતાવાની પણ જગ્યા નહીં રહે. જો કે વૈજ્ઞાનિકોએ સંપૂર્ણપણે સૌથી ખરાબ એવી હવામાન દુર્ઘટનાઓની શક્યતાઓ દર્શાવવાથી થોડા બચીને થોડી રાહત આપી હતી.

આગામી એક દાયકામાં, એટલે કે 2030 સુધીમાં પૃથ્વીના તાપમાનમાં 1.5 ° Cનો વધારો થશે અને ત્યાર બાદ, ખૂબ જ ઝડપથી તાપમાનમાં 1.6 ડીગ્રીનો વધારો નોંધવામાં આવશે અને આગામી 100 વર્ષમાં વધારો ઘટીને 1.4 ડીગ્રી સુધી આવી જશે. આમ ગ્લોબલ વૉર્મિંગ આગાહી થઈ એનાથી એક દાયકા વહેલું થવાની ચેતવણી અપાઇ છે.

આ સત્તાવાર ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ(આઇપીસીસી)ના હેવાલમાં હવામાન પરિવર્તનને સ્પષ્ટપણે માનવની પ્રવૃતિઓના કારણે અને નિર્વિવાદ બાબત ગણાવી હતી અને તેણે ૨૧મી સદી માટે તેના કરતા વધુ ગરમ હવામાનની આગાહીઓ કરી હતી જે આગાહીઓ તેણે ૨૦૧૩ના વર્ષમાં કરી હતી. ભવિષ્યમાં કેવી સ્થિતિઓ સર્જાશે તે એના પર આધાર રાખે છે કે આપણે કાર્બન ઉત્સર્જનમાં કેટલો કાપ મૂકીએ છીએ.

૨૦૧૫ના પેરિસ સમજૂતિમાં વિશ્વ નેતાઓ એ બાબતે સહમત થયા હતા એ ૧૯મી સદીના અંતભાગે જે તાપમાન હતું તેના કરતા તાપમાન વૃદ્ધિને ૧.પ ડીગ્રી સેલ્સિયસ જેટલી જ મર્યાદામાં વધવા દેવા પ્રયાસો કરીશું, પણ સ્થિતિ ત્યારબાદ વધુ બગડી છે અને ત્યારબાદ અત્યાર સુધીમાં જ વિશ્વ લગભગ ૧.૧ ડીગ્રી સેલ્સિયસ (૨ ડીગ્રી ફેરનહીટ) જેટલું ગરમ થઇ ગયું છે. જો ઔદ્યોગિકરણ પહેલાના સમય કરતા વિશ્વ બે ડીગ્રી સેલ્સિયસ કરતા પણ વધુ ગરમ થશે તો વધુ ખરાબ ગરમીના મોજાઓ, દુકાળો અને પૂર સર્જે તેવા સખત વરસાદની ઘટનાઓ સર્જાશે એમ આ અહેવાલમાં જણાવાયું છે.

હવે મહત્વની આંતરરાષ્ટ્રીય હવામાન મંત્રણાઓ નવેમ્બરમાં સ્કોટલેન્ડમાં થવાની છે ત્યારે ૨૩૪ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ ૩૦૦૦ કરતા વધુ પાનાનો અહેવાલ કેટલીક મહત્વની ચેતવણીઓ આપે છે. જો કે તે સાથે વૈજ્ઞાનિકોએ રાહત રૂપ એ વાત કહી છે કે જો કાર્બન ઉત્સર્જન નોંધપાત્ર ઘટાડવામાં આવે તો આમાંની ઘણી હોનારતો અટકાવી શકીએ છીએ.

ઘણી હોનારતો તો શરૂ પણ થઇ ગઇ છે અને સ્થિતિ વધુ બગડી શકે છે
અહેવાલમાં જણાવાયું છે કે હવામાન પરિવર્તનને કારણે ઘણી વિપરીત અસરો તો શરૂ પણ થઇ ગઇ છે જેમ કે ટ્રોપિકલ વાવાઝોડાઓ વધુ સખત અને વધુ વરસાદવાળા બની રહ્યા છે, આર્કટિક સમુદ્રનો બરફ ઉનાળામાં વધુ પ્રમાણમાં પીગળી રહ્યો છે અને આ તમામ સ્થિતિ વધુ વણસી શકે છે. ગરમીના જે મોજાઓ પ૦ વર્ષમાં એક વખત દેખાતા હતા તે હવે એક દાયકામાં દેખાય છે અને જો વિશ્વ વધુ ૧ ડીગ્રી ગરમ થાય તો તે દર સાત વર્ષે બની શકે છે એમ અહેવાલ જણાવે છે.

હિંદ મહાસાગર ઝડપથી ગરમ થઇ રહ્યો છે, ભારતમાં હિટવેવ્ઝ, પૂરનું પ્રમાણ વધશે: સરકારી સમિતિ
નવી દિલ્હી, તા. ૯(પીટીઆઇ): હિંદ મહાસાગર અન્ય મહાસાગરો કરતા વધુ ઝડપથી ગરમ થઇ રહ્યો છે એમ હવામાન પરિવર્તન અંગેની આંતરસરકાર સમિતિએ આજે જણાવ્યું હતું, જેમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ભારતમાં ગરમીના મોજાઓ અને પૂરની ઘટનાઓમાં વધારો જોવા મળશે, જે હવામાન પરિવર્તનની ઉલટાવી નહીં શકાય તેવી અસરો હશે.

હવામાન પરિવર્તન અંગેની આંતરસરકાર સમિતિના છઠ્ઠા મૂલ્યાંકન અહેવાલ ક્લાઇમેટ ચેન્જ ૨૦૨૧: ધ ફિઝિકલ સાયન્સ બેઝિસમાં જણાવવવામાં આવ્યું છે કે મહાસાગરના ગરમ થવાની બાબત સમુદ્રની સપાટીઓમાં વધારા તરફ દોરી જશે, જે નીચાણવાળા વિસ્તારોમાં વારંવાર અને કાંઠાળ પૂરોમાં ફાળો આપે છે. ભારત જેવા દેશમાં ગરમીના મોજામાં વધારા પાછળ હવામાં પ્રદૂષકોનું પ્રમાણ પણ જવાબદાર માનવામાં આવે છે અને હવાની ગુણવત્તા સુધારવા માટે આ પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવું અગત્યનું છે. આપણે હીટ વેવ્ઝમાં વધારો, ભારે વરસાદની ઘટનાઓ અને ગ્લેશિયરોના પીગળવાના પ્રમાણમાં વધારો જોઇશું, જે ભારત જેવા દેશ પર અસર કરશે, વધુ સંકુલ ઘટનાઓ જેવી કે સમુદ્રની સપાટીમાં વધારો જોવા મળશે, જેનાથી જ્યારે ટ્રોપિકલ વાવાઝોડાઓ ત્રાટકે ત્યારે પૂરની ઘટનાઓ સર્જાઇ શકે છે. આ કેટલીક એવી અસરો છે જે જઇ શકશે નહીં એમ આ અહેવાલના લેખકોમાંના એક એવા ફ્રેડરિક ઓટ્ટોએ જણાવ્યું હતું.

અન્ય લેખક, સ્વપ્ન પાનીકલે જણાવ્યું હતું કે સમુદ્રની સપાટીમાં લગભગ પ૦ ટકા જેટલો વધારો થર્મલ વિસ્તરણને કારણે થાય છે. હિંદ મહાસાગરનો વિસ્તાર વધુ ઝડપથી ગરમ થઇ રહ્યો છે, જેનો અર્થ એ કે સંલગ્ન સમુદ્રી લેવલો પણ આ પ્રદેશમાં વધશે, જેના કારણે કાંઠાના પ્રદેશોમાં સમુદ્રની સપાટી ૨૧મી સદીમાં વધશે એમ તેમણે જણાવ્યું હતું. આ અહેવાલમાં એ બાબતની પણ નોંધ લેવામાં આવી છે કે માણસની પ્રવૃતિઓની અસરને કારણે હવામાન પરિવર્તન સર્જાઇ રહ્યું છે, ૧૯૭૦ના દાયકાથી માણસની પ્રવૃતિઓની અસરથી મહાસાગર ગરમ થઇ રહ્યો છે એમ તેમાં જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top