આણંદ : પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ખોટું સોગંદનામું કરનાર યુવતી સામે ગુનો ન નોંધવા રૂ.એક લાખની લાંચ માંગી હતી. બાદમાં સેટલમેન્ટ થતાં રૂ.50 હજારની ડીલ થઇ હતી. આ કેસમાં એસીબીએ છટકુ ગોઠવી વચેટીયાને પકડી પાડ્યો હતો. વચેટીયો ખંભાત પ્રાંત અધિકારીનો ડ્રાઇવર હોવાનું ખુલ્યું છે.
પેટલાદના યુવકે સ્થાનિક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન રજીસ્ટર કરવા માટે યુવતીએ રજુ કરેલા સોગંદનામામાં અગાઉના લગ્નનો ઉલ્લેખ કર્યો નહતો. આથી, ખોટું સોગંદનામું કરવા બદલ યુવક, યુવતી અને સોગંદનામું કરનાર વકિલ વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ ગુનો ન નોંધવા માટે રૂ. એક લાખની લાંચ કોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહે માંગી હતી.
જોકે, યુવક સાથે રકઝક થતાં રૂ.50 હજારમાં ડિલ નક્કી થઇ હતી. આ બાબતે યુવકે એસીબીમાં ફરિયાદ આપતાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં યુવક લાંચના નાણા રૂ.50 હજાર લઇને 1લી જુલાઇના રોજ રાત્રે 11-30 વાગે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ મહિપતસિંહ પાસે ગયાં હતાં. બન્ને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ભેગા થયાં હતાં.
જોકે, મહિપતસિંહે લાંચના નાણા ત્યાં હાજર ખંભાત પ્રાંત અધિકારીના ડ્રાઇવર રાહુલ રામજી રબારીને આપવા જણાવ્યું હતું. આથી, યુવકે નાણા રાહુલને આપ્યાં હતાં. જોકે, ટ્રેપ સમયે અફડા તફડી મચતાં મહિપતસિંહ અને રાહુલ બન્ને ભાગી ગયાં હતાં. આખરે રાહુલ રબારીને મોડી રાત્રે પકડી પાડવામાં સફળતા મળી હતી.
- ફરિયાદી ગભરાઇ જતાં ઇશારો ન કરી શક્યો મામલો સમજી જતાં કોન્સ્ટેબલ ભાગી ગયો
પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે લાંચના રૂ.50 હજાર લઇને આપવા આવેલો ફરિયાદી યુવક ગભરાઇ ગયો હતો. રાહુલ રબારીને નાણાં આપતા સમયે તેને પણ શક જતાં રૂમાલમાં નાણા લીધાં હતાં. આ સમયે ફરિયાદીએ ઇશારો કરવાનો હોય છે. પરંતુ ફરિયાદી યુવક સમયસર ઇશારો કરી શક્યો નહતો. બીજી તરફ એસીબીના જવાનો આવતાં કોન્સ્ટેબલ પણ સતર્ક થઇ ગયો હતો અને પેલા લોકો કોણ છે ? તેમ રોફ પૂર્વક પૂછતાં ફરિયાદી ગભરાઇ ગયો હતો અને એસીબી છે તેમ કહેતા મહિપતસિંહ ભાગી ગયો હતો.