નડિયાદ: નડિયાદ – કપડવંજ રોડ ઉપર વીણા પાટિયા નજીકથી પસાર થઇ રહેલી લક્ઝરી બસના ચાલકને ઝોકું આવી જતાં બસ રોડની સાઇડમાં ૧૫ ફુટ ઉંડા ખાડામાં પલ્ટી મારી ગઇ હતી. જોકે, સદ્દનસીબે બસમાં મુસાફરી કરી રહેલા ૫૦ જેટલાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે ૧૦૮ તેમજ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને રેસક્યુ કામગીરી હાથ ધરી હતી. મંગળવારે સાંજે રાજસ્થાનથી નીકળીને સૂરત જઇ રહેલી શ્રીનાથજી દર્શન રજવાડી ટ્રાવેલ્સની બસ નડિયાદ – કપડવંજ રોડ પરથી પસાર થઇ રહી હતી. આ સમયે વીણા નજીક બસના ચાલકને ઝોકું આવી જતાં બસ રોડની સાઇડમાં ૧૫ ફુટ ઉંડા ખાડામાં પલ્ટી મારી ગઇ હતી.
અકસ્માત બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ શરૂ કરી હતી. આ દરમિયાન નડિયાદ ફાયર બ્રિગેડ અને ૧૦૮ ની ટીમને જાણ કરવામાં આવતાં મહુધા, કઠલાલ, નડિયાદ અને ઉત્તરસંડાની ૪ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને અકસ્માતમાં ઘવાયેલા મુસાફરોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી હતી. વધુ ઇજા હતી તેવા મુસાફરોને સારવાર બાદ નડિયાદ સિવિલ હોસ્પિસ્ટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બસની કેબિનમાં ફસાયેલા મુસાફરને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પતરૂ કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના આ મામલામાં સુરેશ તૈલીની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઘવાયેલા મુસાફરો
રણજીતસિંહ હિંમતસિંહ ચૌહાણ (કંડક્ટર), રામસિંહ ખુમાનસિંહ ચૌહાણ (ચાલક), કલાલ તેજમલભાઇ નારાયણલાલ, કરણસિંહ અભેસિંહ સોલંકી, છગનલાલ કલાલ, મહેન્દ્રભાઇ મહેશભાઇ કલાલ, રામલાલ ઉદયલાલ, લીલાબેન રાજેશભાઇ પ્રજાપતિ, નિખીલ રાજેશભાઇ પ્રજાપતિ, રેખાબેન ગોપાલભાઇ પટેલ
મોટા ભાગના મુસાફરો મૂળ રાજસ્થાનના અને સૂરતમાં રહેતા હતા
વીણા પાટિયા નજીક અકસ્માત થયેલ લક્ઝરી બસમાં મોટાભાગના મુસાફરો સૂરતના હતા. મૂળ રાજસ્થાનના યુવકો નોકરી માટે સૂરત રહેતા હતા. મંગળવારે સાંજે આ લોકો રાજસ્થાનથી સૂરત જવા માટે શ્રીનાથજી દર્શન રજવાડી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી રહ્યા હતા.
કેબિનમાં બેઠેલો મુસાફર ફસાયો
બસની કેબિનમાં મુસાફરી કરી રહેલાં સુરેશ નૈનારામ તૈલી (ઉ.વ.3૦)(રહે.દેસોલી, જિ.પાલી)નો પગ બસના દરવાજા નીચે ફસાઇ ગયો હતો. જેને ફાયર બ્રિગેડની ટીમે સ્પેડર કટરની મદદથી બસનું પતરૂં કાપીને બહાર કાઢ્યો હતો. સુરેશભાઇ તૈલીએ મહાદેવ ટ્રાવેલ્સમાં બુકિંગ કરાવ્યું હતું. જોકે, બસ ફુલ થઇ જતાં તેમને શ્રીનાથજી દર્શન રજવાડી ટ્રાવેલ્સની બસમાં કેબિનમાં જગ્યા કરી આપી હતી.