સાંજે હિતેન્દ્રભાઈના ઘરે સરપ્રાઈઝ પાર્ટી ઉજવાઇ. પ્રસંગ હતો હિતેન્દ્રભાઈની ષષ્ટિ પૂર્તિનો. આજે તેમણે 60 વર્ષ પૂરા થતા હતા. ઘરમાં જ કુટુંબીજનોએ સરસ આયોજન કર્યું હતું. પ્રસંગ ઉજવાયો કેક પણ કપાય ગઈ અને પાર્ટી પૂરી થઇ. બધા સુઈ ગયા. હિતેન્દ્રભાઈને સપનુ આવ્યું કે વહેલી સવારે બેલ વાગી તેમને દરવાજો ખોલ્યો અને સામે ઉભો હતો પોતાનો જ બુઢાપો. તેને જોઇને હિતેન્દ્રભાઈ હેબતાઈ ગયા બોલ્યા, ‘અરે, આટલો જલ્દી કઈ રીતે આવી ગયો. હું તો હજી વૃધ્ધ નથી થયો.’ બુઢાપો હસ્યો અને બોલ્યો, ‘કેમ ભાઈ, કાલે તો ષષ્ટિ પૂર્તિ ઉજવી. 60 વર્ષ પુરા થયા તો હવે મારો જ આવવાનો સમય થયો. હવે તું સિનીયર સિટીઝન કહેવાઈશ. બધા લાભ મેળવીશ તો બુઢ્ઢો તો થઈશ જ અને મને આવતા કોઈ રોકી શકતું નથી સમજ્યો.’
હિતેન્દ્રભાઈ બોલ્યા, ‘અરે, આજ સુધી હું બસ પોતાની જાતને ભૂલીને માત્ર પરિવાર માટે અને પૈસા કમાવા અને જીવનની જરૂરિયાતો પૂરી કરવા જ જીવ્યો છું. હજી ખરું જીવવાનું તો બાકી છે. હવે મારે થોડું મારા માટે અને વધુ બીજા માટે જીવવું છે. થોડા મારા બાકી રહેલા શોખ પુરા કરવા છે. જુના મિત્રોને શોધવા છે અને બાકીનું જીવન બસ સમાજમાં અન્ય લોકોની જે રીતે પણ મદદ કરી શકું એ રીતે મદદ કરવી છે. મારે સાચું જીવન જીવવું છે. સ્વાર્થને છોડીને પરમાર્થ માટે જીવવું છે. મને ખબર છે કે જીવનની સાંજ થઈ છે પણ મારા બુઢાપા જરા વાર થોભી જા. મારે હજી મિત્રોને મળવું છે, તેમની સાથે સાંજ ગુજારી જુની યાદો તાજા કરવી છે. પૌત્ર સાથે રમવું છે. પત્નીને આપેલા પણ ન પૂરા કરેલા પ્રોમિસ પૂરા કરવા છે. મારે સમાજ માટે કામ કરી તેનું ઋણ ચુકવવું છે.’
આટલું બોલતા હિતેન્દ્રભાઈની આંખો ભીની થઇ ગઈ. દરવાજાના ઉંબરા પર ઉભેલા બુઢાપાએ કહ્યું, ‘ચલ દોસ્ત, હું જાઉં છું. તું જીવી લે તારી આ આગળની જિંદગી તારી રીતે. જો તું બધાને ભરપૂર પ્રેમ આપીશ, પોતાના શોખ પૂરા કરીશ, મિત્રો સાથે મહેફિલ જ્માવીશ, પૌત્ર માટે પોતે ઘોડો બની રમાડીશ અને ખાસ સમાજને મદદરૂપ થવા માટે સેવાના કામ કરીશ, તો હું આજે તો જાઉં છું અને તને વચન આપુ છું ફરી પાછો ક્યારેય નહિ આવું. જો તું તારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીશ. પૌષ્ટિક ખોરાક અને કસરત હંમેશા કરીશ તો બીજા માટે જીવતા મનુષ્ય કયારેય વૃદ્ધ થતા નથી.’ દરવાજા પર ડોર બેલ વાગી અને હિતેન્દ્રભાઈની આંખો ખુલી ગઈ. આજનું વહેલી સવારનું સપનુ તેમને આગળ કઈ રીતે જીવવું તે શીખવાડી ગયુ. તેમણે કયારેય વૃધ્ધ ન થવા માટે બીજા માટે જીવવાનું નક્કી કર્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.