પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની આરાધનાનો મહિનો કહેવાય. શ્રાવણના દર સોમવારે શિવાલયમાં ભક્તોની ભારે ભીડ જામે છે. શિવલિંગ પર બિલી પત્ર ચઢાવીને જળનો અભિષેક કરવામાં આવે છે.અને વાતાવરણ ‘હર હર મહાદેવ’ નાદથી ગુંજી ઊઠે છે.પરંતુ કાવડિયાઓની ભક્તિ બહુ કઠિન માનવામાં આવે છે. કેમ કે કાવડ લઈને જતા યુવાનો ઉઘાડા પગે ચાલીને કાવડની બંને બાજુ તાંબાના કળશમાં નદીમાંથી પાણી ભરીને પગપાળા ચાલીને જઈને શિવાલયના શિવલિંગ ઉપર જળનો અભિષેક કરતા હોય છે. લાઈન બંધ કાવડ લઈને જતા કાવડિયા ‘હર હર મહાદેવ’ બોલતા પસાર થતા હોય છે. રસ્તાઓ ખાડા-ટેકરા, કાદવ કીચદ વાળા હોય કે ડામરોડ હોય પગમાં બહુ જ કષ્ટ થાય છતાં કદી થોભતા નથી. શ્રાવણના દર સોમવારે મળસ્કે વહેલા ઊઠીને કાવડ યાત્રા શરૂ કરે છે. ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે પણ કાવડ યાત્રા જતી હોય છે. આમ કાવડિયાઓ શિવજીના પ્રખર ભક્ત મનાય છે.
તરસાડા, માંડવી- પ્રવિણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.