નવા માહિતી ટેકનોલોજી નિયમોને લઈને કેન્દ્ર અને ટ્વિટર ( twitter) વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે દિલ્હી હાઈકોર્ટે ( delhi highcourt) ગુરૂવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ( social media platform) ટ્વિટર કોઈ પ્રકારના આઈટી કાયદાનું ઉલ્લંઘન કરે છે તો કેન્દ્ર સરકાર કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. હવે સુનાવણી 28 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હકીકતમાં અંતરિમ અધિકારીની નિમણૂંકને લઈને ટ્વિટરે એફિડેવિડ દાખલ કરી હતી.
ટ્વિટરે કહ્યું- 8 સપ્તાહમાં કરીશું ફરિયાદી અધિકારીની નિમણૂંક
આ પહેલા ટ્વિટરે ગુરૂવારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે, તે આઠ સપ્તાહની અંદર ફરિયાદી અધિકારીની નિમણૂંક કરશે. ટ્વિટરે કોર્ટને તે પણ જણાવ્યું કે, તે આઈટી નિયમોનું અનુપાલન માટે ભારતમાં એક સંપર્ક કાર્યાલય સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે. આ કાર્યાલય તેનું સ્થાયી હશે. ટ્વિટરના અંતરિમ નિવાસી ફરિયાદી અધિકારી ધર્મેન્દ્ર ચતુરે 21 જૂને પોતાનું પદ છોડ્યુ હતું. ત્યારબાદ ટ્વિટરે કેલિફોર્નિયા સ્થિત જેરેમી કેરલને ભારત માટે નવા ફરિયાદી અધિકારી નિમણૂંક કર્યાં હતા.
અશ્વિની વૈષ્ણવે આજથી જ ITમંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતાં જ તેમણે નવા IT નિયમોને લઇને ટ્વિટરને ચેતવણી આપી દીધી છે. ટ્વિટરની મનમાનીના મીડિયાના સવાલનો જવાબ દેતાં અશ્નિની વૈષ્ણવે ચોખ્ખું કહી દીધું હતું કે દેશનો કાયદો બધા માટે સરખો છે અને દરેકે એને માન આપવું જ પડશે. ત્યાર બાદ ટ્વિટરે દિલ્હી હાઇકોર્ટને કહ્યું હતું કે આઠ અઠવાડિયાંમાં તેઓ ભારતમાં એક કાર્યાલયની સ્થાપના કરશે.
નવા કાયદાને લઈને વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓ સાથેના મોટા વિવાદમાં ફસાયેલી સરકારના સૌથી મોટા મંત્રી રવિશંકર પ્રસાદનું રાજીનામું આશ્ચર્યજનક હતું. આ વિભાગનો ચાર્જ અશ્વિની વૈષ્ણવ સંભાળશે.
દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ટ્વિટરને આગોતરું રક્ષણ આપવામાં આવ્યું નથી. એવા સમયે જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દેશના કાયદાને તોડે તો કેન્દ્ર સરકાર કંપની સામે કાર્યવાહી કરી શકે છે. ટ્વિટરે બચાવમાં કહ્યું હતું કે નવા કાયદાને લાગુ પાડવા માટે સમય જોઈશે. અત્યારે આઈજીઓની નિમણૂક કરી દેવાઈ છે, તે પછી દિલ્હી હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે હજુ સુધી કંપનીએ માત્ર ત્રણ જ આઈજીઓની નિમણૂક કેમ કરી છે? સંખ્યા વધારવામાં કેમ આવી નથી? દિલ્હી હાઈકોર્ટના આદેશ પછી હવે સરકાર નવા આઈટી કાયદાના પાલન ન કરવા બદલ ટ્વિટર સામે કાર્યવાહી કરવા મુક્ત છે.
બીજી તરફ ફેસબુકની પણ મુશ્કેલી વધી છે. સુપ્રીમ કોર્ટે ફેસબુક ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટની અરજીને ફગાવી દીધી હતી. ફેસબુક ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે દિલ્હીમાં થયેલા રમખાણો મુદ્દે ફેસબુકની ભૂમિકાને લઈને દિલ્હી વિધાનસભાની શાંતિ-સદભાવ કમિટીએ હાજર રહેવાનું ફરમાન કર્યું છે, તેની સામે અત્યારે સ્ટે મૂકવામાં આવે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકવાનો ઈનકાર કરીને દિલ્હી વિધાનસભાની કમિટી સમક્ષ જૂબાની આપવા હાજર રહેવાનો આદેશ ફેસબુકને આપ્યો હતો.