Madhya Gujarat

દુકાનાે ખાલી કરવાના નિર્ણયથી રાેષ

નડિયાદ: નડિયાદ નગરપાલિકાનો પ્રાણ પ્રશ્ન નવા પ્રમુખના ટેબલ પર પહેલા જ દિવસે પહોંચી ગયો છે. નડિયાદ શહેરની 600 કરતા વધુ દુકાનો ખાલી કરવાના નિર્ણયના વિરોધમાં દુકાનદારો આજે નવા વરાયેલા પ્રમુખ પાસે પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી. દુકાનદારોએ શેરકંઠ તળાવની દુકાનો અંગે નામદાર હાઈકોર્ટના હુકમનું પાલન કરવા માટે નગરપાલિકા જણાવ્યુ છે. મળતી વિગતો મુજબ આજે નડિયાદમાં આવેલી 600 જેટલીના દુકાનોના ભાડુઆતોએ પાલિકામાં પહોંચી પ્રમુખ કિન્નરીબેન શાહને રજૂઆત કરી છે.

જેમાં તેમણે જણાવ્યુ છે કે, જનરલ ઠરાવ નંબર 67 તારીખ 30/12/2022 રદ્દ કરી નડિયાદ નગરપાલિકાના વર્ષો જૂના ભાડુઆતોની દુકાનો ખાલી કરાવવાની કાર્યવાહી રદ્દ કરી બાકી ભાડુ લઈ ભાડાપટ્ટો રીન્યુ કરવા નામ ટ્રાન્સફર કરવા તથા દુકાન વેચાણના 279 જુના દસ્તાવેજો કરવા તથા શેરકંઠ તળાવની દુકાનો અંગે નામદાર હાઈકોર્ટ કરેલા હુકમનું પાલન કરવા જણાવ્યુ છે. દુકાનદારોએ ઉમેર્યુ છે કે, અમે કાયદેસર વર્ષો જૂના ભાડુઆતો લાખો રૂપિયાની ડિપોઝીટી આપી તેમજ વખતો વખત નગરપાલિકાએ વધારેલુ વાર્ષિક ભાડુ, મ્યુનિસિપલ ટેક્ષ અને વ્યવસાય વેરો, સોપેક્ષ લાયસન્સ ફી અને GST અને ઈન્કમટેક્ષ આપેલુ છે.

ઠરાવ નં. 67માં જણાવ્યા મુજબ નડિયાદથી 600થી વધારે દુકાનો/સંસ્થાઓને ખાલી કરાવી ફરીથી કબ્જો લઈ નવી હરાજી કરી અમારી ડીપોઝીટની રકમ પરત આપ્યા વગર નવેસરથી ભાડે આપવાના પ્રયત્નમાં છો, જે ખુબ જ અન્યાય અને ગેરકાયદેસર છે. નગરપાલિકા દુકાનદારોની રોજગારી છીનવી લેવાના પ્રયત્નમાં છે. હાલ અમે ખૂબ જ સંઘર્ષ સાથે અને લોન લઈ આ દુકાનો ચલાવીએ છે અને અમારા પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

વધુમાં 1984માં નગરપાલિકાએ 567 ભાડુઆતો પાસેથી વેચાણ દસ્તાવેજના રૂપિયા લીધા છે, તે પૈકી 279 દસ્તાવેજ આજે પણ દસ્તાવેજ કરવાના બાકી છે. તેમજ તાજેતરમાં શેરકંઠ તળાવ ઉપર નગરપાલિકાએ તોડેલી દુકાનો અંગે હાઈકોર્ટના હુકમનું પાલન કરી દુકાનદારોને મદદ કરી નથી. આ અંગે લોકોની રોજીરોટીના હિતમાં પાલિકા સત્તાધીશો દ્વારા ઉપરોક્ત ઠરાવ રદ્દ કરી નવો ઠરાવ કરી દુકાનોના ભાડા અને નામફેરની કાર્યવાહી માટે જરૂરી 65(9)ની મંજૂરી મેળવી કાયદેસર ભાડુ લઈ ભાડાપટ્ટો રીન્યુ, નામફેર અને 279 દસ્તાવેજ કરી આપવા માગ કરી છે. તેમજ હાઈકોર્ટના હુકમ મુજબ શેરકંઠ તળાવની તોડેલી દુકાનોના ભાડુઆતોને મદદ કરવા જણાવ્યુ છે.

Most Popular

To Top