Madhya Gujarat

લુણાવાડાની વરધરીમાં દૂધ ચોરી કરવાનું કૌભાંડ પકડાયું

લુણાવાડા : લુણાવાડા તાલુકાના વરધરી ગામની દૂધ ડેરીમાંથી દૂર ચોરવા બાબતે છ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સો ડેરીના ટાંકામાંથી બે કેન જેટલું દૂધ કાઢી લેતાં હતાં અને તેમાં પાણી નાંખી દેતાં હતાં. જેથી સરભર થઇ જાય. જોકે, તેમનો ભાંડો ફુટી જતાં છ શખ્સ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પંચામૃત ડેરીના ફિલ્ડ સુપરવાઇઝરની આકસ્મિક તપાસમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પંચામૃત ડેરીના ફિલ્ડ સુપરવાઇઝર વિક્રમભાઈ આહીરને બાતમી મળી હતી કે, વરધરી દૂધ ડેરીમાં દૂધમાં ભેળસેળ થાય છે.

આ માહિતીના આધારે આકસ્મિક તપાસ કરતાં વિક્રમ અભેસિંહ ખાંટ (રહે. વરધરી, તા.લુણાવાડા) દુધ મંડળીમાં નોકરી કરતો હોવાથી ટેન્કરના સુપરવાઇઝર મુકેશ પર્વતભાઇ ગોધા (રહે. માલણપુર સાંગાવાડા, તા.સંતરામપુર)ના મેળાપીપણાથી દુધ મંડળીના બલ્ક કલરની ટાંકીમાંથી ચાળીસ લીટર દુધનું એક કેન જેવા બે કેન દુધ 80 લીટર રૂ.ચાર હજારનુ કાઢી લઇ ટાંકામાં બે કેન જેટલુ પાણી ઉમેરી દુધને સરભર કરી મુકેશ પર્વતભાઇ ગોધાને રૂ.1200 આપી દેતા હતા.

તેમજ વિક્રમ અભેસિંહ ખાંટ અગાઉ પણ ટેન્કરના સુપરવાઇઝરો રાહુલ અરવિંદભાઇ ચાવડા (રહે. બાહી, તા. શહેરા), દીપક મગનલાલ ખડાયતા (રહે. ૪૬ ક્રિષ્નાનગર સોસાયટી બામરોલી રોડ, ગોધરા), પંકજ ભારતસિંહ બામણીયા (રહે. ગાંગડીયા, તા.શહેરા), વિરેન્દ્ર રયજીભાઇ બારીઆ (રહે. પતંગડી, નાંદરવા,તા.શહેરા)ને રૂ.1200 આપી દૂધની ચોરી કરતાં હતાં. આ તમામ સહકારી નોકર હોવા છતા અવાર નવાર બલ્ક કુલરની ટાંકીમાંથી દુધ કાઢી દુધની ચોરી કરી ગુનો કરવામાં એક બીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે પંચામૃત ડેરીના ફિલ્ડ સુપરવાઇઝર વિક્રમભાઈ આહીરે કોઠંબા પોલીસ મથકમાં છ આરોપીઓ સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇ ગામમાં ઘેરા પડઘા પડ્યાં હતાં.

Most Popular

To Top