ભારતને ૧૯૪૭માં આઝાદી મળી તે પછી ૭૨ વર્ષ સુધી ભારતને સૈન્યની ત્રણેય પાંખોના વડાના રૂપમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્દાની જરૂર પડી નહોતી. ૨૦૧૯ના ડિસેમ્બરમાં સરકારને શું જરૂર પડી કે તેણે પહેલી વખત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) ના હોદ્દાની રચના કરી અને તેના પર લશ્કરના તત્કાલીન વડા જનરલ બિપીન રાવતની નિમણૂક કરી. આ પગલું ભારતના લશ્કરની ત્રણેય પાંખો વચ્ચે તાલમેળ વધારવાના દેખીતા ઉદ્દેશથી લેવામાં આવ્યું હતું, પણ તેનો ગુપ્ત ઉદ્દેશ કટોકટીની પરિસ્થિતિમાં ત્રણેય પાંખોને પોતાના અંકુશમાં રાખવા માટે તેને એક વ્યક્તિના અંકુશ હેઠળ આણવાનો હતો. પંડિત જવાહરલાલ નેહરુથી લઇને ડો. મનમોહન સિંહ જેવા વડા પ્રધાનોને આવા સર્વસત્તાધીશ હોદ્દાની જરૂર નહોતી પડી, પણ નરેન્દ્ર મોદીને પડી હતી, કારણ કે તેઓ આ તમામ નેતાઓ કરતાં અલગ મિજાજ અને વ્યક્તિત્વ ધરાવતા વડા પ્રધાન છે.
જનરલ બિપીન રાવતને દેશના પ્રથમ સીડીએસના રૂપમાં જે કામગીરી સોંપવામાં આવી હતી તે તેમણે સંતોષકારક રીતે નિભાવી હતી. તેમના કાર્યકાળમાં તેમની અને સરકાર વચ્ચે કે તેમની અને સૈન્યના ત્રણેય પાંખોના વડા વચ્ચે કોઈ ચકમક ઝરી હોય તેવા હેવાલો કદી બહાર આવ્યા નથી. ગયા વર્ષના ડિસેમ્બરમાં એક ભેદી હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપીન રાવત શહીદ થઈ ગયા હતા. આ દુર્ઘટના વખતે હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી હોવાનું બહાર આવ્યું નથી. હેલિકોપ્ટરનો પાઇલોટ પણ અનુભવી હોવાથી તે ભૂલ કરે તેવી કોઈ સંભાવના નહોતી.
વળી જે દિવસે દુર્ઘટના થઈ તે દિવસે ઊટીની આબોહવા પણ શાંત હતી. તો પછી જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટરની દુર્ઘટના શા કારણે થઈ? તે રહસ્ય બહાર આવ્યું નથી અને કદાચ આવશે પણ નહીં. સરકાર નવા સીડીએસની નિમણૂક બાબતમાં એટલી સાવધાન હતી કે તેણે નવ મહિના સુધી તો આ હોદ્દો ખાલી રહેવા દીધો હતો. આ હોદ્દો કાયમ માટે નાબૂદ થવાની અટકળો પણ વહેતી થઈ ગઈ હતી.
જનરલ બિપીન રાવતના મરણ પછી નવ મહિના સુધી સીડીએસનો મહત્ત્વપૂર્ણ હોદ્દો ખાલી રાખવાનું એકમાત્ર કારણ તે હોઈ શકે કે સરકારને આ જવાબદારી સંભાળી શકે તેવી યોગ્ય વ્યક્તિ મળતી નહોતી. અગાઉની પરંપરા મુજબ સૈન્યની ત્રણેય પાંખોના વડાઓ આ હોદ્દા માટે સૌથી વધુ યોગ્ય ગણાય, કારણ કે તેઓ સિનિયોરિટીમાં સીડીએસ પછીના સ્થાને હોય છે. સરકારને સિનિયોરિટી કરતાં બીજાં લક્ષણોની જરૂર હતી, જેને કારણે નવ-નવ મહિના સુધી આ મહત્ત્વનો હોદ્દો ખાલી રાખવામાં આવ્યો હતો.
હવે સીડીએસ તરીકે જે લે.જનરલ અનિલ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે તેઓ થ્રી સ્ટાર રિટાયર્ડ મિલિટરી ઓફિસર છે, પણ તેમને ફોર સ્ટાર સર્વિંગ સૈન્ય વડાઓના માથા પર બેસાડી દેવામાં આવ્યા છે. આ નિમણૂક દ્વારા લે. જનરલ અનિલ ચૌહાણને બઢતી આપવામાં આવી છે કે સૈન્યના વડાના હોદ્દાનું અવમૂલ્યન કરવામાં આવ્યું છે? તે સમજાતું નથી. ભારતના સેનાપતિઓ પોતાના દરજ્જા બાબતમાં બહુ સભાન હોય છે. સૈન્યની ત્રણેય પાંખોના વડાઓ દરજ્જામાં પોતાના કરતાં ઊતરતા અને તે પણ રિટાયર્ડ થ્રી સ્ટાર ઓફિસરને હૃદયપૂર્વક પોતાના ઉપરી તરીકે કેવી રીતે સ્વીકારશે? તેવો સવાલ સૈન્યમાં પૂછાઈ રહ્યો છે.
કહેવાય છે કે લે. જનરલ અનિલ ચૌહાણને સીડીએસ તરીકે નિમણૂક આપતી વખતે તેમને બઢતી આપીને ફોર સ્ટારનો દરજ્જો આપવામાં આવશે. જો તેમ કરવામાં આવે તો દેશના ઇતિહાસમાં કોઈ લશ્કરી અધિકારીની નિવૃત્તિ પછી તેનો દરજ્જો વધારી આપવામાં આવ્યો હોય, તેવી આ પહેલવહેલી ઘટના હશે. બીજો વિકલ્પ એ છે કે લે. જનરલ અનિલ ચૌહાણનો થ્રી સ્ટારનો દરજ્જો કાયમ રાખીને તેમને સીડીએસની જવાબદારી સોંપવામાં આવશે. જો તેમ કરવામાં આવે તો બીજી વિચિત્ર પરિસ્થિતિ પેદા થશે કે સૈન્યમાં ફોર સ્ટારનો દરજ્જો ધરાવતા અધિકારીઓએ થ્રી સ્ટારનો દરજ્જો ધરાવતા અધિકારી પાસેથી આદેશો લેવાના રહેશે.
લે. જનરલ અનિલ ચૌહાણને નિવૃત્તિમાંથી બહાર લાવીને તેમની બઢતી કરવા માટે કોઈ કાનૂન તોડવામાં નથી આવ્યા, પણ કાનૂનમાં ફેરફાર જરૂર કરવામાં આવ્યો છે. આ માટેની પૂર્વતૈયારીના રૂપમાં સરકાર દ્વારા ૭ જૂને આદેશ બહાર પાડવામાં આવ્યો હતો કે થ્રી સ્ટાર રેન્કના રિટાયર્ડ મિલિટરી ઓફિસરને પણ સીડીએસ બનાવી શકાય. શરત એટલી જ હોવી જોઈએ કે તેમની ઉંમર ૬૨ વર્ષથી ઓછી હોવી જોઈએ. લે. જનરલ અનિલ ચૌહાણની ઉંમર ૬૧ વર્ષની છે તે કોઈ યોગાનુયોગ નથી. આ વર્ષના જૂન મહિનામાં કાયદામાં જે ફેરફાર કરાયો તે તેમને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યો હતો.
જો આ વર્ષના જૂન મહિનામાં જ લે.જનરલ અનિલ ચૌહાણને સીડીએસ બનાવવાનો નિર્ણય લેવાઈ ગયો હતો, તો તેને જાહેર કરવામાં ત્રણ મહિના કરતાં વધુ વિલંબ કેમ થયો હતો? તેનું કારણ એ છે કે આ નિર્ણય વિવાદાસ્પદ બનશે, તેવો સરકારને ડર હતો. જો કોઈ હાઈ કોર્ટના રિટાયર્ડ જજને બઢતી આપીને સીધા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવી દેવામાં આવે તો કેવો વિવાદ થાય? તેવો વિવાદ થવાની સંભાવના હતી. તેને કારણે સરકારે વિવિધ નિષ્ણાતો સાથે તેનાં સંભવિત ભયસ્થાનોની ચર્ચા પણ કરી હતી.
સરકારમાં ટોચના સ્તરે કેટલાંક લોકો માનતા હતા કે જો આ હોદ્દા માટે લાયક ઉમેદવાર ન મળે તો હોદ્દો જ નાબૂદ કરી દેવો જોઈએ, પણ કેટલાંક લોકો તેવા મતનાં નહોતાં. આ બાબતમાં કદાચ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત દોવાલનો અભિપ્રાય સર્વોપરી સાબિત થયો હતો. લે. જનરલ અનિલ ચૌહાણે અજીત દોવાલની ટીમમાં સલાહકાર તરીકે કામ કર્યું હોવાથી તેમનો વિશ્વાસ જીત્યો હતો. તેમની ભલામણથી જ ઘણી બધી પરંપરાઓનો ભંગ કરીને લે. જનરલ અનિલ ચૌહાણને મોટી જવાબદારી સોંપવામાં આવી હોય તેમ લાગે છે. આ વિષયમાં સૈન્યની ત્રણેય પાંખના વડાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હોય તેવું લાગતું નથી.
લે. જનરલ અનિલ ચૌહાણ સીડીએસ તરીકે અનેક જવાબદારીઓ સંભાળશે અને સત્તાઓ પણ ભોગવશે. તેઓ પોતાના હોદ્દાની રૂએ નવા રચાયેલા ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સના સેક્રેટરી પણ હશે. તેઓ સંરક્ષણ પ્રધાનના લશ્કરી સલાહકાર હશે અને ડિફેન્સ એક્વિઝીશન કાઉન્સિલના પણ સભ્ય હશે, જેનું કામ શસ્ત્રોની ખરીદી કરવાનું છે. તેઓ દેશની ડિફેન્સ પ્લાનિંગ કમિટિના પણ સભ્ય હશે, જેનું કામ સંરક્ષણની નીતિ ઘડવાનું છે. ભારતના સૈન્યને આત્મનિર્ભર બનાવવામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવવાની રહેશે. ચીન સાથે લડાખમાં છેલ્લા નવ મહિનાથી જે ચકમક ઝરી રહી છે, તેને હલ કરવામાં પણ તેમની ભૂમિકા મહત્ત્વની હશે.
સામાન્ય રીતે મિલિટરીના કોઈ પણ રિટાયર્ડ ઓફિસરને પાછા સેવામાં લેવામાં આવે તો તેમને યુદ્ધની જવાબદારી સોંપવામાં આવતી નથી. જો લે. જનરલ અનિલ ચૌહાણને યુદ્ધની જવાબદારી સોંપવામાં નહીં આવે તો તેઓ શોભાના ગાંઠિયા જેવા બની રહેશે. જો તેમને યુદ્ધની જવાબદારી સોંપવામાં આવશે તો સૈન્યના ત્રણેય વડાઓનો તેજોવધ થશે. યુદ્ધના કાળમાં તેમણે તેમના કરતાં ઊતરતા દરજ્જાના અધિકારીના આદેશો માનવા પડશે. લે. જનરલ અનિલ ચૌહાણે આવા ઘણા પડકારોનો સામનો કરીને પોતાની ઉપયોગિતા પુરવાર કરી આપવાની રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.