કોઇપણ પ્રકારના ધર્મના આડા તેડા વહેમ રાખ્યા વિના વલસાડની બ્રેનડેડ શિક્ષિકા પલક તેજસ ચાંપાનેરિયાના પતિદેવ સહિત પરિવારના સ્વજનોએ ખરા પણ વિલંબ કર્યા વિના અંગદાનનો ઉચિત નિર્ણય કરી એના અંગદાન થકી પાંચ વ્યકિતઓને જીવતદાન કરી એ શિક્ષિકાનું જીવન સાથે મૃત્યુ પણ સુધરી ગયું. આ માનવીય કલ્યાણકારી સેવામા બેશક ડોકટરોની ટીમ સહિત પરિવારજનોને ધન્યવાદ આપવા પડે. હવે આ શહેરની ‘ડોનેટ લાઇફ’થી નિષ્કામ સેવાથી સૌ કોઇ પરિચિત છે. આ માનવ સેવાની સુગંધ ગુજરાત રાજય સહિત ભારતભરના લોકોએ એની નોંધ લીધી છે.
ભારત સરકારે પણ આ સંસ્થાની એના પ્રેરણાદાયક પ્રમુખશ્રીની કદર કરી છે. કોઇપણ પ્રકારના સામાજીક ધાર્મિક ભેદભાવ વિના આ સંસ્થા દિનરાંત નિરંતર આ સુંદર પ્રવૃત્તિ કરી રહી છે. અનેક લોકોના અંગદાન થકી નવુ જીવનદાન આપીને તેઓ ધન્ય બન્યા. ‘ગુજરાતમિત્ર’ અખબારની ૨૧ મી સપ્ટેમ્બરની ‘દર્પણપૂર્તિ’ એકવાર દરેક વાંચકોએ વાચી લેવા જેવી છે. એનું શિર્ષક ધ્યાન ખેંચે એવું છે.
‘ઓર્ગન ટ્રાન્સ પ્લાન્ટમાં એશિયાનું કેન્દ્ર બની રહેલું ભારત’ આ આખા લેખની વિશેષ મહત્વની માહિતી એવી જાણવા મળે છે જેના થકી મન પ્રસન્ન થઇ ગયું છે. ભારતમાં દસ લાખે માત્ર એક વ્યકિતનું અંગદાન કરે છે. જોકે તેમ છતાં સંખ્યાની દૃષ્ટિએ ભારતમાં થતા ઓર્ગન ટ્રાન્સપ્લાનનો ક્રમ વિશ્વમા બીજો આવે છે. આ વાત ભારતવાસીઓને ખુશી અપાવે એવી છે. ‘પગરવ’ વિભાગમાં લેખક પ્રશસ્ત પંડયાએ આ લેખમાં વિસ્તારથી વાત કરી છે. વર્તમાન સમયમાં આવી જાણકારી થકી અંગદાન કરવાની પ્રવૃત્તિને વધુ વેગ મળશે. એવું જરૂર કહી શકાય. આમ પ્રજામાં જાગૃતિ આવશે. લેખકને અભિનંદન.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.