સુરત: (Surat) સુરતના વેસુ (Vesu) વિસ્તારના એક કોફી શોપમાં (Coffee Shop) બેભાન અવસ્થામાં મળી આવેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની (Student) પૈકી વિદ્યાર્થીનીનું નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) મૃત્યું (Death) થયું છે. વિદ્યાર્થીનીનું મૃત્યુ થતાં જ સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડીને ભાગી છૂટ્યો છે. આ સાથે જ આ સમગ્ર કેસમાં કશુંક રંધાયું હોવાની આશંકા ઉભી થતાં નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ પોલીસને જાણ કરી હતી. પોલીસની (Police) તપાસમાં પ્રાથમિક વિગતો એવી બહાર આવી છે કે મૃત યુવતી બી.એડમાં (B.ed Student) અભ્યાસ કરી રહી હતી. મૂળ ઓડિશાની (Odisha) આ યુવતી એક વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી. તે વિધર્મી પ્રેમીએ યુવતીને ઝેર આપી મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ યુવતીના પરિવારજનો કરી રહ્યાં છે. પરિવારના આક્ષેપના પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. બીજી તરફ યુવકની ધરપકડ (Arrest) નહીં થાય ત્યાં સુધી દીકરીની અંતિમવિધિ નહીં કરવાની ચીમકી પરિવારજનોએ ઉચ્ચારી છે. પરિવારજનોને તેમના સમાજનો પણ સાથ મળી રહ્યો હોય નવી સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો છે. દીકરીના પિતા મુંબઈથી (Mumbai) સુરત આવવા નીકળી ગયા છે. તેના પિતા આવે ત્યાર બાદ જ પોસ્ટમોર્ટમની (Postmortem) કાર્યવાહી થશે.
કામરેજની કોલેજમાં ભણતી યુવતીને વિધર્મી યુવક હેરાન કરતો હતો, યુવતીના મિત્રોનો આક્ષેપ
આ કેસમાં મળતી વિગત અનુસાર વેસુના એક કોફી શોપમાં સોમવારની સાંજે બે યુવક-યુવક બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આ બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યુવતી બીએડના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. યુવતી સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી, પરંતુ સાંજ સુધી તે પરત નહીં ફરતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. યુવતીનો ફોન બંધ આવી રહ્યો હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. કોલેજ પર તપાસ કરતા સોમવારે કામરેજની કોલેજ બંધ હોવાની માહિતી મળતા પરિવારજનોની ચિંતામાં ઉમેરો થયો હતો. દરમિયાન સોમવારે રાત્રે એક NGO અને પોલીસે યુવતીનું મોત થયું હોવાનું પરિવારને જણાવ્યું હતું. પોલીસે યુવતીની કોલેજ બેગ અને મોપેડ પરિવારજનોને આપી હતી. દરમિયાન યુવતીના મિત્રોએ ચોંકાવનારી માહિતી પરિવારજનો અને પોલીસને આપી હતી. મિત્રોએ કહ્યું કે, કામરેજની કોલેજમાં યુવતી સાથે અભ્યાસ કરતો એક વિધર્મી યુવક તેને સતત હેરાન કરતો હતો. તેને મેસેજ કરતો હતો.
યુવતીનું મૃત્યુ થયું હોવાની જાણ થતાં જ યુવક સિવિલમાં ભાગી ગયો
આ તરફ સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને તબીબોએ જણાવ્યું હતું કે સોમવારે સાંજે 108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થીઓને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની માહિતી સાથે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તપાસ કરતા વિદ્યાર્થીનીનું મોત નિપજી ચૂક્યું હતું. આ સાંભળતા જ સાથે લાવવામાં આવેલો વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી ભાગી ગયો હતો. આ આખાય કેસમાં વિધર્મી સાથી વિદ્યાર્થી પર શંકાસ્પદ ભૂમિકા બહાર આવી રહી છે, ત્યારે પોલીસ તે યુવકને શોધવાના કામમાં લાગી ગઈ છે. આ તરફ પરિવારજનોના આક્ષેપના પગલે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અટકી ગયું છે.