બારડોલી : બારડોલી ખાતે લગ્ન પ્રસંગમાં આવેલા યુવકનું મૃતદેહ બીજા દિવસે નવી કીકવાડ ગામના ગૌચરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. યુવકની મોત કઈ રીતે થયું તે અંગે હજી સુધી જાણી શકાયું નથી. એફએસએલની ટીમે વીસેરા લઈ આગળની તપાસ હાથ ધરી છે.
યુવકના શંકાસ્પદ હાલતમાં મોતથી પોલીસે મોતનું કારણ જાણવા વીસેરા લઈ એફએસએલમાં મોકલ્યા
આ અંગે મળતી માહિતી અનુસાર ચોર્યાસી તાલુકાનાં વાંઝ ગામે રહેતો ધર્મેશ નાનુભાઈ રાઠોડ (ઉ.વ.23) ગત સોમવારના રોજ તેની સાળી સંગિતાબેન સાથે બારડોલી લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. બારડોલી ખાતે સાળીને છોડ્યા બાદ તેની પાસેથી 200 રૂપિયા લઈને એક્ટિવા મોપેડ પર ઘરે જવા નીકળ્યો હતો. પરંતુ ધર્મેશ તેના ઘરે પહોંચ્યો ન હતો કે વાલોડ તાલુકાનાં સ્યાદલા તેના સાસરે પણ ગયો ન હતો. આથી બીજા દિવસે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.
દરમ્યાન નવી કીકવાડ ગામની સીમમાં એક ખેડૂતને ગોચરમાંથી એક બિનવારસી એક્ટિવા અને તેની પાસે જ એક મૃતદેહ નજરે પડતાં તેમણે બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી એક્ટિવાના નંબરના આધારે તપાસ કરતાં એક્ટિવા વાંઝ ગામના ધર્મેશ નામના યુવકનું હોવાનું સામે આવતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. મૃતકની બહેન સુધાબેન વિકાસભાઈ રાઠોડ (રહે દસ્તાન, તા. પલસાણા) મૃતદેહ તેના ભાઈ ધર્મેશનો જ હોવાની ઓળખ કરી હતી.
પોલીસે સુધાની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. જો કે યુવકનુ મોત કેવી રીતે થયું અને યુવક નવી કીકવાડ કેવી રીતે પહોંચ્યો તે પોલીસ માટે પણ તપાસનો વિષય છે. હાલ પોલીસે તેમના પરિવારજનોના નિવેદન લેવાની શરૂઆત કરી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી તેના વીસેરા એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેમાં યુવકનું મોત કઈ રીતે થયું તેનું ચોક્કસ કારણ જાણવા મળશે.