Dakshin Gujarat Main

રાતે ખેતરમાં રોકાયેલા દંપતીની સવારે લાશ મળી, શરીર પર હતા ઈજાના નિશાન: કારેલી ગામની ચકચારી ઘટના

પલસાણા : પલસાણા તાલુકાનાં કારેલી ગામે ખેતરની રખેવાળી કરતાં દંપતીની કોઈ અજાણ્યા ઇસમોએ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. દંપતી મૂળ હલધરું ગામનું રહેવાસી હતું. પતિ પત્ની બંનેની એક સાથે હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ કામરેજ તાલુકાનાં હલધરું ગામના ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ (40) તથા તેની પત્ની રમીલાબહેન ઉમેશભાઈ રાઠોડ (34) છેલ્લા ઘણા સમયથી પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં ક્રિષ્નાવેલી સોસાયટીની પાસે રેલવે ટ્રેકની બાજુમાં ગાંગપુર ગામના ભીખાભાઈ છગનભાઈ પટેલનો સરવે નં 330/ડ વાળા ખેતરમાં રહી રખેવાળી કરતા હતા.

આ બંને મંગળવારે તા. 18 જૂનની રાત્રી દરમિયાન નિત્યક્રમ મુજબ ખેતરમાં જ રોકાયા હતા. બુધવારના રોજ વહેલી સવારે તેમના પરિવારના સભ્યો ખેતરે પહોંચતાં પતિ પત્નીના મૃતદેહ ખેતરની બહાર લગાવવામાં આવેલી સોલાર પેનલ નજીક ખુલ્લી જગ્યામાં પડેલા હતાં.

બંનેના મોઢા ઉપર તેમજ માથાના ભાગે બોથડ પદાર્થથી કોઈએ માર માર્યો હોય તેવી ગંભીર ઈજા હતી. જેને કારણે બંનેના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થળ ઉપર જઈ તપાસ કરતાં કોઈ અજાણ્યા શખ્સોએ બંનેની ઘાતકી હત્યા કરી હતી.

હાલ પોલીસે પરિવારના સભ્યોને બોલાવીને પૂછપરછ શરૂ કરી છે. હત્યાનું કારણ પોલીસ હજુ જાણી શકી નથી. મૃતકના પરિવારના સભ્યો અલખધામ મંદિર નજીક અન્ય ખેતરમાં રહેતા હતાં. હાલ તો પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી એફએસએલ તેમજ ડોગ સ્ક્વોર્ડની મદદથી આગળની તપાસ શરૂ કરી છે.

બીજી તરફ કોઈ અજાણ્યા ઇસમો તેમની સાથે મગજમારી કરતાં હોવાની રાવ પણ તેમણે તેમના પરિવારજનોને કરી હતી. હાલ પલસાણા પોલીસ ઉપરાંત, સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ પણ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ છે.

Most Popular

To Top