વડોદરા: શહેરમાં ઉબડખાબડ રસ્તા તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. તેવામાં હવે આ ખખડધજ રસ્તાઓ ઉપર પેચ વર્કની ચાદર પાથરવા 2.75 કરોડના ખર્ચની લાહણી ના કામની મંજૂરી મેળવવા માટેનું કામ સ્થાયી સમિતિમાં રજુ થયું છે. વડોદરા શહેરમાં જે વિભાગમાં જાઓ તે વિભાગ માં કોન્ટેક્ટ કરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. રસ્તાઓ પાછળ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.અને નિયમ અનુસાર નવો રસ્તો બન્યા બાદ કાયદાકીય સમય મર્યાદા મુજબ રસ્તાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતના કારણે કોઈ કારણોસર રસ્તો ખોદી નાખી કોન્ટ્રાક્ટરને જવાબદારીમાંથી છુટા કરી દેવાતા હોવાની ચર્ચા છે. અને તૂટેલા રસ્તાના સમારકામ પાછળ પાલિકા દ્વારા ખર્ચો કરવામાં આવતો હોય છે.
જેની સીધી અસર નાણાકીય પરિસ્થિતિ પર વર્તાય છે. અને તેનો ભોગ આડકતરી રીતે સામાન્ય જનતાને બનવું પડે છે. આમ વેરો ભરતી જનતાને સમસ્યાની સાથે વધારાનું આર્થિક ભારણ પણ વેઠવું પડે છે. જોકે આગામી ૧લી ઓક્ટોબર શુક્રવારના રોજ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે. જેમાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં 2.75 કરોડના ખર્ચે રોડ રસ્તા ઉપર જરૂર જણાય ત્યાં પીળી માટી, હાર્ડમુરમ, રોડાછારું, ક્વોરી ડસ્ટ પાથરવાના ત્રણ કામો મંજૂરી માટે રજૂ થયા છે. આમ હવે પેચ વર્ક માટે પાલિકા ૨.૭૫ કરોડનો ખર્ચો કરશે.જ્યારે કેટલાક રોડ ના કામ હાલમાં જ થયા છે. તેવા રોડ ની કામગીરી કોન્ટ્રકટર કરે તો મહાનગર પાલિકા ને ઓછું નુકશાન થાય સાથે નાગરિકો જે વેરો ભરે છે તે નાણા ની પણ બચત થશે.