મુન્દ્રા બંદરેથી ૩,૦૦૦ કિલોગ્રામ હેરોઈન જપ્ત થયું તેમાં અદાણીનો કેટલો વાંક?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેમના પર હુમલો કરવાની એક પણ તક જતી કરતા નથી. તાજેતરમાં મોદી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે કોઈએ ટીખળ કરવા ન્યુ યોર્ક ટાઇમ્સનું બનાવટી ફ્રન્ટ પેજ બનાવીને સોશિયલ મીડિયામાં વહેતું મૂક્યું હતું, જેમાં મોદીને દુનિયાના મહાન નેતા તરીકે ચીતરવામાં આવ્યા હતા. મોદીભક્તોએ લાંબો વિચાર કર્યા વિના આ ફ્રન્ટ પેજને સાચું માનીને તેનો સોશિયલ મીડિયામાં ધૂમ પ્રચાર કર્યો હતો. જ્યારે આ વાતની પોલ ખૂલી ગઈ ત્યારે મોદીભક્તો મોંઢું સંતાડવા લાગ્યા હતા.

તાજેતરમાં ગૌતમ અદાણીની માલિકીના મુન્દ્રા બંદરેથી ૩,૦૦૦ કિલોગ્રામ હેરોઈન પકડાયું તેને કારણે પણ મોદીવિરોધીઓ ગેલમાં આવી ગયા હતા. ઇન્ટરનેશલ માર્કેટમાં આ હેરોઈનની કિંમત ૨૧,૦૦૦ કરોડ રૂપિયા જેટલી થતી હતી. મોદીવિરોધીઓ દ્વારા સોશિયલ મીડિયામાં કેમ્પેઇન ચલાવવામાં આવી હતી કે આ હેરોઈનના ધંધામાં ગૌતમ અદાણીને લાભ છે. કેમ્પેઇન એટલી જોરદાર હતી કે અદાણી ગ્રુપે જાહેર નિવેદન આપવું પડ્યું હતું કે તેઓ બંદરના માત્ર સંચાલક છે. તેમના બંદર પરથી જે સામાન પસાર થાય છે તેને ખોલીને તેનું ચેકિંગ કરવાની સત્તા તેમની પાસે નથી. અદાણી ગ્રુપના આ સ્પષ્ટીકરણ પછી પણ શંકાની સોય તેના તરફ તકાયેલી છે. આ મામલાની તપાસ વિવિધ એજન્સીઓ કરી રહી છે.

મુન્દ્રા બંદર પરથી જે હેરોઈન પકડાયું તે અત્યાર સુધી ભારતમાં જપ્ત કરવામાં આવેલો હેરોઈનનો મોટામાં મોટો જથ્થો છે. આ હેરોઈનની ટેલ્કમ પાવડરના નામે અફઘાનિસ્તાનમાંથી આયાત કરવામાં આવી હતી. તેને ઇરાનના બંદર અબ્બાસ પરથી ભારતમાં મોકલવામાં આવ્યું હતું. આ હેરોઈનની આયાત વિજયવાડાની આશી ટ્રેડિંગ કંપની દ્વારા કરવામાં આવી હતી, પણ તેના માલિકો ચેન્નાઈમાં રહે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યું તે પછી તેણે સરકારની ખાલી થઈ ગયેલી તિજોરી ભરવા માટે હેરોઈનની દાણચોરી શરૂ કરી હોય તેવી સંભાવના છે.

મુન્દ્રા બંદરેથી હેરોઈન પકડાયું તે બાબતમાં અદાણી જૂથે જાહેર નિવેદન બહાર પાડીને પોતાની નિર્દોષતાનો દાવો કર્યો હતો, પણ ભારતની અદાલત દ્વારા અદાણી જૂથને ક્લિન ચીટ આપવામાં આવી નથી. રાજકુમાર નામના કોઈમ્બતુરના મુખ્ય આરોપીની રિમાન્ડ અરજીની સુનાવણી કરતાં ભુજના વધારાના જિલ્લા ન્યાયાધીશ સી.એમ. પવારે બહુ સૂચક સવાલ કર્યો હતો કે ‘‘આ પ્રકારના નશાકારક દ્રવ્યની દાણચોરી થતી હોય તો તેના થકી મુન્દ્રા બંદરના માલિકોને કોઈ લાભ થાય છે કે નહીં? તેની તપાસ કરવાની જરૂર છે.’’ તેમણે એ જાણવા માગ્યું છે કે જો કોઈ વિદેશી કંપની દ્વારા ભારતમાં કોઈ માલસામાન મોકલવામાં આવ્યો હોય તો તેની ચકાસણી કરવા માટે બંદર પર શી વ્યવસ્થા છે? મુન્દ્રા બંદર પર આટલા મોટા જથ્થામાં હેરોઈન ઊતારવામાં આવ્યું હોય તો પણ તેના સત્તાવાળાઓ તે બાબતમાં અંધારામાં હોય, તે બાબતે પણ ન્યાયાધીશે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

જજ સાહેબે બીજો સવાલ કર્યો હતો કે ટેલ્કમ પાવડરના રૂપમાં હેરોઈનની આયાત વિજયવાડાની કંપની દ્વારા કરવામાં આવી હતી. વિજયવાડાની બાજુમાં જ વિશાખાપટ્ટનમ બંદર આવેલું છે. ચેન્નાઇ બંદર પણ તેનાથી દૂર નથી. વિજયવાડાની કંપની દ્વારા હેરોઈનની દાણચોરી કરવા માટે નજીકના બંદરનો ઉપયોગ કરવાને બદલે છેક ગુજરાતમાં આવેલાં મુન્દ્રા બંદરનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો? આ સવાલનો જવાબ પણ તપાસકર્તા એજન્સીઓ શોધી રહી છે. તેમના જણાવ્યા મુજબ આ કંપની દ્વારા ભૂતકાળમાં પણ મુન્દ્રા બંદરે ઇરાનથી ટેલ્કમ પાવડરની આયાત કરવામાં આવી હતી. તેમાં પણ હેરોઈનની આયાત થઈ હોવાની સંભાવના છે.

વિજયવાડાની જે આશી ટ્રેડિંગ કંપની દ્વારા હેરોઈનની આયાત કરવામાં આવી હતી તેના માલિકો એમ. સુધાકર અને તેની પત્ની દુર્ગા પૂર્ણા વૈશાલી છે, જેઓ ચેન્નાઈમાં રહે છે. તેમણે પોતાની કંપનીનું રજિસ્ટ્રેશન આંધ્ર પ્રદેશના વિજયવાડામાં કેમ કરાવ્યું? તે પણ રહસ્ય છે. ઇરાનની કંપની દ્વારા અફઘાનિસ્તાનનું હેરોઈન ગુજરાતના બંદર પર મોકલવામાં આવે, તેની આયાત વિજયવાડાની કંપની દ્વારા કરવામાં આવે, જેના માલિકો ચેન્નાઈમાં રહેતા હોય, પણ તેની દલાલી તામિલનાડુના કોઈમ્બતુરમાં રહેતા નાગરિક દ્વારા કરવામાં આવે તે ભેદી કૌભાંડ છે. આ કૌભાંડમાં દેશના તેમ જ વિદેશોના ઘણા ખેલાડીઓ સંડોવાયેલા છે. જો ૨૧,૦૦૦ કરોડ રૂપિયાના હેરોઈનનું ભારતભરમાં વિતરણ અને વેચાણ કરવામાં આવવાનું હોય તો તેના માટે મોટી મૂડી અને મોટું નેટવર્ક જોઈએ. આ સમગ્ર કૌભાંડ કોઈ મોટાં માથાંની સંડોવણી વગર ચાલી શકે તે સંભવિત જણાતું નથી.

તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં પેદા થતું હેરોઈન ભારતમાં ઘૂસાડવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. આ વર્ષના એપ્રિલમાં ભારતીય નૌકાદળે શ્રીલંકાના માછીમારોની બોટમાંથી ૩૩૭ કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું, જે મકરાણા બંદરેથી આવ્યું હતું અને માલદિવ, શ્રીલંકા તેમ જ ભારતમાં વેચાવા માટે આવ્યું હતું. મકરાણા બંદર પણ ઇરાન-પાકિસ્તાન-બલૂચિસ્તાન સમુદ્રતટ પર આવેલું છે. તેનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં પેદા થતાં હેરોઈનની નિકાસ માટે કરવામાં આવે છે. તેમાં પાકિસ્તાનના નાગરિકો પણ સંડોવાયેલા હોવાની સંભાવના છે. તેવી જ રીતે એપ્રિલ મહિનામાં ઝામ્બિયાના બે નાગરિકો પાસેથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૪ કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. મે મહિનામાં ચેન્નાઈ એરપોર્ટ પર તાન્ઝાનિયાના નાગરિકો પાસેથી પણ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ હેરોઈનના વેચાણમાંથી જે આવક થાય છે તેનો ઉપયોગ આતંકવાદીઓ માટે શસ્ત્રો ખરીદવા કરવામાં આવતો હોય છે.

દુનિયાભરમાં નશાકારક પદાર્થોનો વેપાર કરીને કમાણી કરવાનું અને યુવાપેઢીને બરબાદ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ૨૦૨૦માં ભારતમાં લોકડાઉન હતું તો પણ નશાકારક પદાર્થો માટેના કાયદા હેઠળ ૫૯,૮૦૬ કેસો નોંધવામાં આવ્યા હતા. તેમાંના ૫૬ ટકા કેસો અંગત વપરાશ માટે નશાકારક પદાર્થો રાખવા માટેના હતા તો ૪૪ ટકા તેની હેરાફેરી કરવાને લગતા હતા. મુંબઈમાં બોલિવૂડના સિતારાઓ નશાકારક દ્રવ્યોના ઉપયોગમાં અને વેપારમાં પણ સંડોવાયેલા છે. બોલિવૂડની પાર્ટીઓમાં નશાકારક દ્રવ્યોનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. તેની સપ્લાયનું નેટવર્ક ગોઠવાયેલું છે. મુંબઈ પોલિસના અધિકારીઓ તેમાંથી ધૂમ કમાણી કરતા હોય છે.

પાકિસ્તાનમાં આઈએસઆઈ અને અફઘાનિસ્તાનમાં સીઆઈએ જેવી જે ગુપ્તચર સંસ્થાઓ કામ કરે છે, તેમની બે નંબરની કમાણીનું મુખ્ય સાધન જ ડ્રગ્સની દાણચોરી છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ડ્રગ્સની હેરાફેરીમાંથી જે કમાણી કરે છે તેનો ઉપયોગ શસ્ત્રો ખરીદીને ભારતમાં ભાંગફોડ કરતા આતંકવાદીઓને આપવા માટે કરવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું હતું તો પણ ગુપ્તચર સંસ્થાની દેખરેખ હેઠળ ડ્રગ્સનો કારોબાર સુરક્ષિત રીતે ચાલતો હતો. હકીકતમાં અફઘાનિસ્તાનના હેરોઈનની કમાણી માટે જ અમેરિકાએ આક્રમણ કર્યું હતું. હવે તાલિબાન તેનો ઉપયોગ કરે તેવી સંભાવના છે. જો ભારતની પોલિસ અને કસ્ટમનો ટેકો ડ્રગ્સ માફિયાને ન હોય તો તેઓ ભારતમાં તેમનો કારોબાર ચલાવી શકે તેવી કોઈ સંભાવના નથી.    
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts