Editorial

સોશિયલ મીડિયાના ઉપયોગ માટે નાણાંની વસુલાત તેની વ્યાપકતાને ઘટાડશે

એક સમય હતો કે જ્યારે આખા વિશ્વમાં પ્રિન્ટ મીડિયા પર લોકોની નજર રહેતી હતી. ત્રીસેક વર્ષ પહેલા વિશ્વમાં ઈલેકટ્રોનિક મીડિયાનું આગમન થયું અને હવે છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વમાં સોશિયલ મીડિયાનો જન્મ થયો છે. સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિ પોતાના ખરા કે ખોટા વિચારો ઠાલવી શકતું હોવાને કારણે ધીરેધીરે લોકોમાં પ્રિય થઈ ગયું. સોશિયલ મીડિયાની ચાહના એટલા માટે વધી હતી કે લોકો મફતમાં તેની પર પોતાનો વિચારો ઠાલવી શકતાં હતા. આ કારણે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ હકારાત્મકને બદલે નકારાત્મક રીતે વધુને વધુ થવા માંડ્યો. સોશિયલ મીડિયાની સુવિધા લગભગ મફતમાં મળતી હોવાને કારણે આજે આખા વિશ્વમાં તે છવાઈ જવા પામ્યું છે.

સોશિયલ મીડિયા માટે જેટલી પણ વેબસાઈટ કે એપ્લિકેશનનો ઉપયોગ થાય છે તે દરેકના અલગ અલગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પરના યુઝરો પણ અલગ અલગ છે. ફેસબુક જનરલ લોકો માટે છે તો ઈન્સ્ટાગ્રામ મોટાભાગે યુવાનોમાં લોકપ્રિય છે. આજ રીતે રાજકીય વિચારોનું વધુ આદાનપ્રદાન ટ્વિટર પર થાય છે. ટ્વિટર પર કોઈપણ યુઝર કોઈપણ વ્યક્તિને ફોલો કરી શકવાની સાથે પોતાના વિચારો વ્યાપક રીતે રજૂ કરી શકતા હોવાથી ટ્વિટરનું વજન વધી જવા પામ્યું છે. ટ્વિટર સહિતના સોશિયલ મીડિયાની એટલી તાકાત વધી ગઈ છે કે તે જે તે સત્તાને ઉથલાવી પણ શકે છે અને કોઈને સત્તાધિશ બનાવી પણ શકે છે. મફતમાં મળતી આ સુવિધાઓ માટે હવે ધીરેધીરે નાણાં ચૂકવવા પડશે અને તેની શરૂઆત ટ્વિટરથી થવા માંડી છે.

ટ્વિટરને એલન મસ્ક દ્વારા ખરીદી લેવામાં આવ્યા બાદ પ્રથમ તો નાણાંભીડના નામે સેંકડો કર્મચારીઓની છુટ્ટી કરી દેવામાં આવી છે. આટલું જ નહીં એલન મસ્ક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ટ્વિટરની પ્રાઈમ સુવિધા માટે યુઝરે નાણાં ચૂકવવા પડશે. પહેલા તો એલન મસ્ક દ્વારા યુઝરને વેરિફાઈ કરવા માટે વપરાતા બ્લ્યુ ટીકને માટે જ નાણાં વસૂલવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, ટ્વિટરને એક્સેસ કરવા માટે પ્રત્યેક યુઝરે નાણાં ચૂકવવા પડશે. શરૂઆતમાં ટ્રાયલ માટે ટ્વિટર ફ્રી રહેશે પરંતુ ત્યારબાદ તેના યુઝરે ચોક્કસ સમય બાદ નાણાં ચૂકવવા પડશે. જો ટ્વિટર દ્વારા આ નિર્ણય કરવામાં આવશે તો ત્યારબાદ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપના ઉપયોગ માટે પણ નાણાં ચૂકવવા પડશે.

સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ જ એ કારણે થાય છે કે, તેની સુવિધા ફ્રીમાં મળે છે. આજે વિશ્વમાં સોશિયલ મીડિયા મોટી તાકાત સમાન છે. ભારતના બંધારણમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના જે હકો આપવામાં આવ્યા છે તેનો ખરો ઉપયોગ સોશિયલ મીડિયામાં થાય છે. જો સોશિયલ મીડિયાને ચાર્જેબલ કરવામાં આવશે તો તેના યુઝરો ઘટવાની સંભાવના છે. જેને કારણે સોશિયલ મીડિયાની વ્યાપકતાને ભારે નુકસાન થશે. સોશિયલ મીડિયાને જો યુઝર ફ્રેન્ડલી જ બનાવવું હોય કે પછી યુઝર ફ્રેન્ડલી જ રહેવા દેવું હોય તો તે તે જરૂરી છે કે તેની સુવિધા ફ્રીમાં મળે. એલન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદીને જે રીતે તેના દ્વારા નાણાં વસૂલવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે તે અંતે તો સોશિયલ મીડિયાની તાકાતને જ નુકસાન કરશે તે નક્કી છે.

Most Popular

To Top