Comments

ગૃહયુદ્ધે જાણે સુદાનને બાકીના સભ્ય વિશ્વથી જૂદું પાડી દીધું છે

સુદાનનું ગૃહયુદ્ધ શાંત થવાનું નામ નથી લેતું. વચ્ચે બે અધકચરા યુદ્ધવિરામોની ઘોષણા થઈ, જેનું પણ બાળમરણ થઈ ગયું. સુદાનની પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ છે. ધીરે ધીરે ત્યાં વપરાશી તેમજ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની તંગી ઊભી થવા માંડી છે. એવામાં મેડિકલ ફેસિલિટી કે ડૉક્ટરોની સુવિધા વિષે તો કલ્પના જ ન થઈ શકે. પાંચ દિવસનું યુદ્ધવિરામ લંબાયું હોવા છતાં પણ સુદાનના પાટનગરમાં સામસામે લડતાં બે જૂથો વચ્ચે ભયાનક યુદ્ધ સળગી ઊઠ્યું હતું. યુદ્ધવિરામ લંબાવાનો હેતુ નાગરિકો સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ અને અન્ય માલસામાન પહોંચી શકે તે જોવાનો હતો, પણ મુદત પહેલાં જ વળી પાછું બંને જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણો ચાલુ થઈ ગઈ હતી.

હજુ એક દિવસ પહેલાં તો મિલીટરીનાં બંને જૂથ યુદ્ધવિરામ માટે તૈયાર થયાં હતાં. રેપીડ સપોર્ટ ફોર્સીસ (RSF) અને સુદાનની મિલીટરી વચ્ચે યુદ્ધવિરામ લંબાવવા માટેના કરાર પર સહી થાય તે પહેલાં જ સુદાનના પાટનગરની આજુબાજુ નાઇલ નદીના સંગમ પર આવેલા વિસ્તારો જે ભેગા થઈને સુદાનના ‘Greater Capital’તરીકે ઓળખાય છે, તે ખાર્તુમ, ઓમદુર્મન અને ખાર્તુમ (નોર્થ) ત્રણે શહેરોમાં હિંસક અથડામણો થઈ હતી.

મિલીટરીના વડા જનરલ અબ્દેલ ફતાહ અલ-બુરહાન પોતાના સૈન્યને બિરદાવતા હોય તેવા એક અલભ્ય વીડિયોમાં કહી રહ્યા હતા કે લશ્કરે સીઝફાયર લંબાવવાની દરખાસ્તને સંમતિ આપી છે, જેથી શહેરીજનોને પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ મળી રહે. તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે લશ્કરે હજુ સુધી એની પાસે ઉપલબ્ધ સંહારક શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કર્યો નથી અને જો લશ્કર સામે લડતાં દુશ્મનો હજુ પણ વ્યાવહારિક વાત નહીં કરે તો એમને વધુ વિધ્વંસક શક્તિનો ઉપયોગ કરવાની ફરજ પડશે, જેનાં પરિણામો ગંભીર રહેશે.

સુદાનના બીજા સૌથી મોટા શહેર પોર્ટ સુદાનમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. અહીં સુદાનનું મુખ્ય બંદર આવેલું છે. રાજ્યની સુરક્ષા સમિતિએ જણાવ્યું હતું કે કેટલાક બહારથી ઘૂસી આવેલાં લોકો આ યુદ્ધ શાંત ન પડે તેમાં રસ ધરાવે છે અને રેડ-સી વિસ્તારનાં નાગરિકોની જાગરુકતાને કારણે આવાં તત્ત્વો અને તેમના એજન્ટોને પકડી લેવાયા છે. પાટનગર અને તેની આજુબાજુમાં વસતાં રહેવાસીઓને યુદ્ધવિરામથી ઝાઝી આશા નથી. એક દિવસ પણ એવો નથી જતો જ્યારે હવાઈ હુમલાઓ અથવા ભારે આર્ટિલરીનો તોપમારો ન થયો હોય.

અસરગ્રસ્તોને માટે મદદ લઈને ગયેલ સેવા સંસ્થાઓના કહેવા મુજબ ખાર્તુમમાં થોડી સહાય પહોંચાડી શકાઈ હતી પણ એની વહેંચણી ચાલી રહેલા યુદ્ધને કારણે ખૂબ મુશ્કેલ હતી. ઉપરાંત ઘણાં બધાં લોકો સુધી તો પહોંચી શકાયું પણ નહોતું. યુદ્ધને કારણે લગભગ ૧૪ લાખ લોકો પોતાનાં ઘરબાર છોડીને ભાગી છૂટ્યાં છે, જેમાંથી લગભગ સાડા ત્રણ લાખ લોકોએ બાજુના દેશોમાં શરણું લીધું છે. ઉપરાંત પાટનગરના અમુક વિસ્તારોમાં ખૂબ મોટા પાયે લૂંટફાટ ચાલી રહી છે. આમ, સુદાન આંતરયુદ્ધને કારણે વેરવિખેર બની ચૂક્યું છે.

મિલીટરી એક વાત કરે છે, જ્યારે સામે લડી રહેલ RSF બીજી વાત કરે છે. બહારથી સહાય લઈને જવાવાળાઓ આંતરયુદ્ધની પરિસ્થિતિમાં જરૂરતમંદો સુધી પહોંચી શકતા નથી એટલે સુદાનની રાજધાની તેમજ આજુબાજુ રહેતાં લોકો ઉપર આભ અને નીચે ધરતી એ સ્થિતિમાં દિવસો કાઢી રહ્યા છે. મોટા પ્રમાણમાં ખુવારી થઈ છે. હવે સડતા મૃતદેહો અને પાણીથી માંડી લગભગ બધી જ તંગીને કારણે જો કોઈ મહામારી ફેલાશે તો એ સૂકા ઘાસમાં જેમ અગ્નિ પ્રસરે તેમ ફેલાઈ જશે. એક અંદાજ મુજબ અડધોઅડધ કરતાં વધુ વસતી એવા ૨.૫ કરોડ લોકોને સહાયની જરૂર છે. દરમિયાનમાં અમેરિકા અને સાઉદી અરેબિયાના મધ્યસ્થીઓએ સુદાનના સૈન્ય અને RSF બંને પર બેજવાબદાર રીતે વર્તતા હોવાનો આક્ષેપ કર્યો છે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top