કામરેજ, સુરત : છ વર્ષ પૂર્વે કામરેજના કઠોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી ચોરી થયેલા નવજાતને શોધી કાઢવામાં કામરેજ પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે આ ગુનામાં મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી બાળકનો કબજો મેળવ્યો છે. ત્રણ વખત ગર્ભપાત થઇ જતાં કરજણના દંપતિએ બાળક ચોરવાનો પ્લાન ઘડ્યો હતો. બાળક ચોરવાનું કાવતરુ એટલું સુવ્યસ્થિત હતું કે, પરીણિતાને ગર્ભ નહીં હોવા છતાં તેણે સીમંતવિધિનું નાટક કર્યું હતું. મુસ્લિમ મહિનાનું ચોરાયેલું બાળક હાલમાં છ વર્ષનું થઇ ગયું છે. જે હવે જનેતાને ઓળખશે કે કેમ? તે હવે આવનારો સમય જ બતાવશે.
- છ વર્ષ અગાઉ કઠોરના સરકારી દવાખાનામાંથી ચોરાયેલા બાળકનો ગુનો ઉકેલાયો
- છ વર્ષ પહેલાં કઠોરમાંથી ચોરાયેલું બાળક કરજણમાં મળ્યું
- વારંવાર મિસકેરેજ થઇ જતું હોવાથી કરજણના દંપતિએ અપહરણનો પ્લાન ઘડ્યો
- ગર્ભવતિ નહીં હોવા છતાં કરજણની મહિલાએ લોકોની સામે સીમંતવિધિ કરી
અકલ્પનીય કહી શકાય તેવા આ ડિટેકશનની માહિતી આપતા જિલ્લા વિભાગીય વડા ભગવતસિંહ વનારે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા.5/1/2017ના રોજ કામરેજની કઠોર સી.એચ.સી.માં ડિલિવરી માટે આવેલી સૂફિયાના મોહમ્મદ અલી યુસુફભાઈ અન્સારી (હાલ રહે., આંબોલી ચાર રસ્તા, નાના નગર કોમ્પ્લેક્સ, અસમાલ એપાર્ટમેન્ટ, આંબોલી, તા.કામરેજ, જિ.સુરત, મૂળ રહે., જોગેશ્વરી વેસ્ટ, બહેરામબાગ, કદમનગર, મન્સૂરી કોલોની, મુંબઇ)એ એક પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, તે સમયે રાત્રિના એક વાગ્યે એક અજાણ્યો ઇશમ તબીબનો વેશ ધારણ કરીને આવ્યો હતો અને બાળકનું અપહરણ કરી નાસી છૂટ્યો હતો. જે અંગે કામરેજ પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો હતો.
કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ કિશોરદાન તથા નામદેવભાઇ કલાભાઇને અપહ્રત્ય બાળક કરજણમાં હોવાની તેમજ 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કમલેશ પાસે હોવાની બાતમી મળી હતી. જેના આધારે તેમણે કમલેશને ઝડપી પાડતાં તેણે આ બાળકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી લીધી હતી. આ કેસમાં પોલીસે હાલ વડોદરા જિલ્લાના કરજણની મારવેલ સોસાયટીમાં રહેતા અને મૂળ દેથાણ ગામના કમલેશ ચંદુભાઇ ઓડ, તેમના પત્ની નયનાબેન અને કીમ ચાર રસ્તા ખાતે રહેતાં જીજ્ઞેશ ખુમાણભાઇ રાઠવાની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપી કમલેશે કબૂલાત કરી હતી કે, તેના લગ્ન 2014માં થયા હતાં અને 2017 સુધીમાં તેની પત્ની નયનાને ત્રણ વખત મિસકેરેજ થઇ ગયું હોવાથી તેમણે બાળક ચોરી લેવાનો પ્લના ઘડ્યો હતો. તેના માટે નયનાએ વિધિ પ્રમાણે સાત મહિનાનો ગર્ભ હોવાનું નાટક કર્યું હતું અને ત્યાર બાદ બાળકને જન્મ આપ્યો હોવાનું લોકોને કહ્યું હતું. હાલમાં આ બાળકનું નામ સ્મીથ છે અને તે કરજણમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે.
બાળકે જનેતા પાસે જવાની ના પાડતાં બાળગૃહમાં રખાશે
આ અંગે કામરેજ પોલીસ મથકના ઇન્સપેક્ટર આર.બી.ભટોળે જણાવ્યું હતું કે, બાળકની જનેતા મુસ્લિમ છે અને તે હિન્દુ પરિવારમાં ઉછર્યો છે. જો કે કાયદાકીય રીતે તેના પાલક માતા પિતા આરોપી છે એટલે તેઓ જેલમાં જશે. બીજી તરફ સ્મીથે તેને જન્મ આપનાર માતા પિતા સાથે રહેવાનો ઇનકાર કરી દીધો છે. આ કેસમાં કોર્ટે એવું કીધું છે કે, પહેલા બાળકનો ડીએનએ રિપોર્ટ કાઢવામાં આવશે અને તેના આધારે નિર્ણય લેવામાં આવશે એટલે ત્યાં સુધી બાળકને બાળગૃહમાં રાખવામાં આવશે.