ઓહોહો, આટલા બધા અકસ્માતો?? જયાં અને ત્યાં બસ અકસ્માતો જ અકસ્માતો. શેરીઓમાં અકસ્માતો. રોડ ઉપર અકસ્માતો. બી.આર.ટી.એસ. નારોડમાં અકસ્માતો. નાના મોટા, રાજયોના રોડો ઉપર અકસ્માતો અને નેશનલ હાઇવે ઉપર પણ ગોઝારા અકસ્માતોની લાંબીલચક વણઝારો. આ બધા અકસ્માતો, સૌ જાણે છે એમ બે રીતે થવા પામે છે. ખોટા ઓવરટેકો અને અતિ ઝડપે દોડાવવામાં આવતા વાહનો દ્વારા. એક વાહન રોડ ઉપર આગળ દોડી રહ્યું છે. અતિ ઝડપે ચલાવાતા વાહન ચાલકને ઓવર ટેક કરવો હોય તો, એણે જમણી બાજુથી કરવો જોઇએ પણ એવા ‘શહેનશા’ આંખો મીંચીને આગળના વાહનની ડાબી બાજુએથી પૂર ઝડપે ઓવરટેક કરે છે.
આમાં પેલી આગળ જતી વ્યકિત, બીચારી તદ્દન નિર્દોષ હોય છે. તો પણ ડાબી બાજુથી પૂર ઝડપે આવતા વાહનની એને ટક્કર લાગે છે. પરિણામે કયાં તો એનાં હાડકા ભાંગે છે, કયાં તો એ મૃત્યુ પામે છે. આવી ખોટી ઉતાવળ કરીને રોંગ સાઇડ એટલે કે આગળના વાહનની ડાબી બાજુથી વાહન દોડાવવાની લાલચ શું રોકી શકાય નહિ??? આવા ચાલકો એ તો એમના વાંકે મરે પણ બીજાઓને મારી નાંખે એનું શું?! અકસ્માતો નોંતરનાર બીજુ સૌથી મોટુ કારણ વાહન ચાલકો અતિ ઝડપે અર્થાત પૂરઝડપે પોતાના વાહનો ચલાવે એ છે. પૂર ઝડપે ચલાવાતા વાહનોને કારણે આપણે ત્યાં નેવુ ટકા ગંભીર અકસ્માતો થાય છે. આગળ દોડતા વાહનને પૂર ઝડપે આવતા મંગળવાસીઓ (???)
એક ઘડીના છઠ્ઠા ભાગમાં ઉડાડીને ચાલી જતા હોય છે. આમા કયાંક એવા મંગળવાસીઓ અને બીચારા પેલા આગળના વાહનવાળા ચાલકો મરી જતા હોય છે. અમને એ વાત કાયમ ખટકે છે કે પૂર ઝડપે વાહન ચલાવવાથી થતા અકસ્માતોમાં મૃત્યુ સો ટકા થાય છે છતાં એ મિસાઇલ ચાલકો સમજતા કેમ નથી??? પૂર ઝડપે અને રોંગ સાઇડે ઓવરટેકીંગ કરનારા ચાલકો અન્યોને મારી નાંખવા જ માગતા હોય છે, એટલે આવા અકસ્માતો સર્જનારાઓની સામે ખૂનની કલમો લગાવીને એમને આજીવન કેદ અને કયારેક ફાંસીની સજા ફર્માવવી જોઇએ. આવા જાણી બુઝીને કરાતા અકસ્માતોને માટે ભાઇ અકસ્માત એટલે અકસ્માત એવું જૂનું ગાણું બંધ થવું જોઇએ.
સુરત – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પીપલ્સ કો. ઓ. બેંકની એક વઘુ સિદ્ધિ
ધી સુરત પીપલ્સ કો. ઓ. બેંક ગુજરાતની ત્રીજા નંબરની સૌથી મોટી સહકારી બેંક છે. તે એક મલ્ટી સ્ટેટ શિડયુલ બેંક છે. આ બેંકે ઘણા સીમાચિહ્નો સર કર્યાં છે. તેમાં એક વઘુ સીમાચિહ્નનો ઉમેરો થયો છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ધી સુરત પીપલ્સ કો. ઓ. બેંકને કરન્સી ચેસ્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે. મહત્વની વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાં કોઈ સહકારી બેંકને કરન્સી ચેસ્ટની મંજૂરી મળી હોય એવી પ્રથમ બેંક છે. બેંકના ઉપપ્રમુખ શ્રી સુનીલભાઈ મોદીના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેંકના આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના ગ્રાહકોને ખૂબ ફાયદો થશે. મેનેજિંગ ડિરેક્ટર શ્રી જતીનભાઈ નાયકે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ નિર્ણયને કારણે બેંકની પ્રગતિ ખૂબ ઝડપથી થશે. ધી સુરત પીપલ્સ કો. ઓ. બેંક સુરત સ્થિત હોય સુરત શહેર માટે આ ચોક્કસપણે ગૌરવપ્રદ બાબત ગણી શકાય. જેમને પણ અનુભવ છે તેમને ખબર જ છે કે ગ્રાહકોને ઉત્તમ પ્રકારની સેવા પૂરી પાડવામાં આ બેંક અગ્રેસર છે. અનિવાર્ય સંજોગોમાં સારી ગ્રાહક સેવા નહી મળી હોય તેવો અનુભવ ભાગ્યે જ કોઈકને થતો હશે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.