Comments

‘‘સ્વતંત્રતાની સંવેદના જાગે તેવી ચેલેંજ’’

‘‘થોડુંક પોતાની મરજી મુજબનું જીવી લેવું જોઈએ’’- ફિલ્મ હોય કે  સાહિત્ય. હમણાં હમણાં ઘણાં સર્જકો આ મુદ્દાને અભિવ્યક્તિનો  મુખ્ય વિચાર બનાવી રહ્યા છે. ખાસ તો રાજકીય સ્વતંત્રતાનાં  ચુમ્મોતેર વર્ષ પૂરાં કરીને દેશ પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યો છે  ત્યારે આપણી મૂળભૂત સ્વતંત્રતા માટેની મથામણ વધારે તીવ્ર થતી  જાય એ સ્વાભાવિક છે. સ્વતંત્રતાનો આધુનિક ખ્યાલ પશ્ચિમમાં જે ઉદભવ્યો તેનો મુખ્ય  સૂર ‘‘સ્વતંત્રતા એટલે નિર્ણયોની સ્વતંત્રતા’’ અને આ મૂળભૂત  વિચારને જે જે ક્ષેત્રોમાં લાગુ પાડો તે તે ક્ષેત્રની સ્વતંત્રતાને સમજી  શકાય. રાજકીય નિર્ણયોની સ્વતંત્રતા એટલે રાજકીય સ્વતંત્રતા,  આર્થિક નિર્ણયોની સ્વતંત્રતા એટલે આર્થિક સ્વતંત્રતા અને આ જ  રીતે સામાજિક નિર્ણયોની સ્વતંત્રતા એટલે સામાજિક સ્વતંત્રતા.

પશ્ચિમમાં કાયદાના શાસનવાળી લોકશાહીનો વિકાસ થયો પછી  પ્રજાના સામુહિક વર્તનને કાયદા દ્વારા નિયંત્રિત કરાયું માટે ત્યાં  સમૂહનું વર્તન શિસ્તબધ્ધ છે. સાથે સાથે જ વ્યક્તિ સ્વતંત્રતાનો  આદર થયો એટલે વ્યક્તિગત નિર્ણયોમાં કાયદો કે સમાજ કે ઈવન  કુટુંબ પણ બહુ દખલ કરતું નથી. ભારતમાં આપણે ઉલ્ટો અનુભવ  કરીએ છીએ સમૂહનું વર્તન અશિસ્તભર્યું અસ્તવ્યસ્ત હોય તો ચાલે,  પણ વ્યક્તિ સ્વાતંત્ર્યને આપણે હુકડેઠઠ બાંધી રાખ્યું છે ટૂંકમાં વ્યક્તિગત નિર્ણયોની  સ્વતંત્રતાનો અધિકાર ભારતમાં સ્વતંત્રતાના 75 મા વર્ષે પણ  નાગરિકો સુધી પૂર્ણ રૂપે પહોંચ્યો નથી. ભારતમાં નાગરિકોના  વ્યક્તિસ્વતંત્રતાની માત્રા વ્યક્તિએ વ્યક્તિએ જૂદી છે. ભારતીય  સમાજવ્યવસ્થામાં બંધનો અને નિયમોની વ્યાપકતા છે. જીવનને નિયમોથી બાંધી દેવાયું છે જાણે અને આ બંધિયાર  સમાજવ્યવસ્થા સાથે પહેલાં સરકારના નિયમોથી બંધાયેલી અર્થ  વ્યવસ્થા પણ મળી હતી. પણ ખાનગીકરણ અને ઉદારીકરણની  નવી નીતિ પછી બંધિયાર સમાજવ્યવસ્થાને મુક્ત બજાર  વ્યવસ્થાનો સંગ લાગ્યો છે.

જો કે બજારનો સ્વતંત્રતાનો અર્થ જુદો  છે અને બજારની સ્વતંત્રતા ખરીદશક્તિ ઉપર આધારિત છે. મુક્તિની હવાએ  ભારતીય યુવાનને ભારતીય વ્યવસ્થાઓ-બંધનો સામે બંડ પોકારવા  પ્રેરિત કર્યો છે તેને પ્રશ્નો થવા લાગ્યો છે અને તેને વિચાર ભાથું  પૂરું પાડનારા લેખકો, ચિંતકો, ફિલ્મ સર્જકો, પ્રવચનકારો પણ તેના  આ વિચારને જ પ્રોત્સાહિત કરી રહ્યા છે આ યંત્રવત્, નિયમબધ્ધ ગૂંગળાતી જિંદગીમાં થોડાક દિવસો તો એવા  જીવી જ શકાય ને કે જે આપણી મરજી મુજબના હોય!’’ વાત સરસ છે. તરત ગળે ઊતરી જાય એવી છે. આપણે ઘરમાં  ઘરના સભ્ય તરીકે ઘરના નિયમો, જ્ઞાતિના સત્ય તરીકે જ્ઞાતિના  નિયમો, ધર્મ પરંપરાના સભ્ય તરીકે જે તે ધર્મ-પરંપરાના નિયમો  પાળવાના હોય છે. આ બધામાં આપણી વ્યક્તિગત પસંદગીઓને  બહુ મોકળાશ મળતી નથી.

ભારતમાં  પ્રજાના જુદા જુદા વર્ગોમાં સ્વતંત્રતાનું પ્રમાણમાપ જૂદું છે. પુરુષપ્રધાન સ્ત્રીઓની જુદી સ્વતંત્રતા ઉંમર મુજબ પણ જુદી, વડીલોની  સ્વતંત્રતા જુદી, યુવાનોની જુદી, કિશોરોની જુદી. પાછી જ્ઞાતિ મુજબ  સ્વતંત્રતા જુદી, સવર્ણના હક્કો અલગ, અવર્ણના હક્કો અલગ,  એટલે સવર્ણ પુરુષ કરતાં સવર્ણ સ્ત્રીને મોકળાશ જુદી. સવર્ણ પુરુષ  કરતાં અવર્ણ પુરુષના હક્ક જુદા. એમાં પાછાં આર્થિક પરિબળો  ઉમેરાયાં એટલે ધનિકો કરતાં ગરીબોના હક્ક જુદા. ધનિક પુરુષ  કરતાં ધનિક સ્ત્રીના હક્ક જુદા. એક  બંધારણવાળા દેશમાં વ્યક્તિની સ્વતંત્રતા અને રોજિંદા જીવનની  નિર્ણયશક્તિના નિયમો જુદા. સ્વતંત્રતા અને મુક્તિનો આટલો બધો, વ્યક્તિએ વ્યક્તિએ ફેર હોય  તેવો ભારત દુનિયાનો વિશિષ્ટ દેશ હશે અને સ્વતંત્રતા અને  મૌલિક નિર્ણયો માટે સૌથી ઉપરની હરોળમાં આવનાર વ્યક્તિ પણ  નિર્ણયો તો પરંપરા અને રૂઢિઓ મુજબ જ લેતો હોય છે.

સ્વતંત્રતાના આવા વૈવિધ્ય વચ્ચે ઉચ્ચ વર્ગના આર્થિક સધ્ધરતાવાળા  કુટુંબમાં રહેલાં યુવાનો યુવતીઓને જે સ્વતંત્રતા મળી છે તે પણ  અધૂરી અને ગૂંગળાવનારી લાગે છે. કહેવાતા ભણેલા-ગણેલા  સાધન સંપન્ન અને સુખી પરિવારના યુવાનોને પણ એમ થાય છે કે  અમને અમારી મરજી મુજબ જીવવાની મોકળાશ જ નથી!  જીવનસાથીની પસંદગી, ખોરાકની પસંદગી (ખાણી-પીણી) કપડાં  પહેરવાની પસંદગી, ધર્મ પૂજા-પાઠ અંગે પસંદગીમાં તેમણે  પરંપરાને જ અનુસરવું પડે છે અને તેમને આ પરંપરાઓ નથી  ગમતી. માટે અવાજ ઊઠ્યો છે કે યાર થોડી ક્ષણો તો આપણી મરજી  મુજબની જીવી લો. પણ આજના ઉચ્ચ મધ્યમ વર્ગના યુવાનો.  ખાસતા સવર્ણ, પૈસાપાત્ર પુરુષોને મરજી મુજબ જીવવાની ચેલેંજ  ઉપાડવાની કરવી છે. જે આ વાત કરતાં સાવ વિરુધ્ધ ..બીજા  છેવાડાની છે અને એ વાત છે ‘‘બીજાની ઈચ્છા માટે જીવવાની.

હે યુવાનો, જરા આસપાસ નજર તો દોડાવો. દલિતો અને સ્ત્રીઓ!  આ બે વિષે જરા ધ્યાનથી વિચારો. લગભગ 90 % દલિતો અને  સ્ત્રીઓ જીવનના મોટા ભાગના નિર્ણયો બીજાની ઈચ્છા કે આજ્ઞાથી લે છે. આજે ડોક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક, કંપની મેનેજરના પદે  પહોંચેલા વ્યક્તિને જો એમ થાતું હોય કે જીવન બહુ બધા  નિયમોથી બંધાયેલું છે. તો તેણે વિચારવું જોઈએ કે જેના જન્મતાંની  સાથે જ નક્કી કરી દેવાયું કે તારે કચરા વાળવાના છે! ગટરો સાફ  કરવાની છે. – એનું શુ થતું હશે? છોકરી ભણે ત્યારે જ કહી દેવામાં  આવે કે નોકરી તો તારા સાસરાવાળા નક્કી કરશે! તારે બધાના  રાજીપામાં પોતાનો રાજીપો શોધવાનો!

વિચાર તો કરો કે જીવનમાં બે દિવસ એવા તમે જીવી શકશો જ્યાં   ન ગમતી બાબતો તમારે આનંદપૂર્વક કરવાની હોય! સ્ત્રીઓ  અને દલિતો માટે આ નિયતિ છે. પરંપરા છે, નક્કી થયેલી વ્યવસ્થા  છે, સફર છે. આ વેદના સમજવા માટે ઉપર કીધું તે ચેલેન્જ ઉપાડવા  જેવી છે. ફિલ્મી પ્રેમકથાઓ કે કલ્પનાસભર સાહિત્યકથાઓમાં  વ્યક્તિ પ્રેમમાં પડે ત્યારે થોડા સમય પૂરતા પોતાના પ્રિય પાત્રને  ખુશ કરવા માટે, મેળવવા માટે પ્રેમાવેશમાં ગમે તે તકલીફો અને  ગમે તેવા કામ કરવા તૈયાર થઈ જાય છે પણ માત્ર બીજાની  ગૂંગળામણ સમજવા અણગમતી પરિસ્થિતિનો ઉત્સવ કરવો એ  ચેલેન્જ છે! અને ઉપાડવા જેવી છે. થઈ શકશે! -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top