બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ મુંબઇથી ગોવા જતી એક વૈભવી ક્રૂઝમાંથી થઇ તે ઘટના યાદ કરો. આખા દેશમાં ચકચાર અને ચર્ચાઓ મચી ગઇ હતી. દોમ દોમ સાહેબીમાં રહેતા આર્યનને થોડા દિવસ જેલમાં પણ વીતાવવા પડયા. અઢળક નાણાની છોળો વચ્ચે ઉછરેલા આવા સંતાનો વંઠી જતા હોય છે અનેઆર્યનની ધરપકડ કરીને એનસીબીના વરિષ્ઠ અધિકારી સમીર વાનખેડેએ ઘણી હિંમત બતાવી છે એવી પણ વાતો ચર્ચાવા માંડી. પણ પછી બાબતોએ જાત જાતના વળાંક લેવા માંડ્યા. આ આખા પ્રકરણમાં કેટલીક બાબતો શંકાસ્પદ દેખાવા માંડી.
ખાસ કરીને આ દરોડા વખતે સાક્ષી તરીકે રાખવામાં આવેલા એક શખ્સની વધુ પડતી સક્રિયતા અને તે પોતે પણ જાણે એનસીબીનો અધિકારી હોય તેવું તેનું વર્તન ઘણાના મનમાં શંકા ઉપજાવવા માંડ્યુ઼. આર્યન તો જામીન પર છૂટી ગયો અને બાદમાં એનસીબીએ પોતાની રીતે આખા પ્રકરણમાં તપાસ કરી અને આ એજન્સીને આર્યનને ક્લિન ચીટ આપી અને તેની ધરપકડ કરનાર એનસીબીના તે સમયના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડે જ આરોપી બની ગયા. સમીર વાનખેડે સામે તેમની જ એજન્સી દ્વારા અનેક આરોપો મૂકવામાં આવ્યા અને બાદમાં તો હાલ તેમની સામે સીબીઆઇ તપાસ પણ શરૂ થઇ. સીબીઆઇએ સમીર વાનખેડે સા ખંડણી માગવાનો કેસ દાખલ કર્યો છે, બીજી બાજુ વાનખેડે કહે છે કે પોતે નિર્દોષ છે અને પોતાને દેશભક્તિની સજા મળી છે.
એનસીબીના ભૂતપૂર્વ ઝોનલ વડા વાનખેડે પોતાની સામે થયેલ સીબીઆઇ કેસ કાઢી નાખવાની માગણી સાથે બોમ્બે હાઇકોર્ટમાં ગયા જ્યાં તેમણે કેટલાક સ્ફોટક આક્ષેપો કર્યા. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)ન ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેએ બોમ્બે હાઇકોર્ટ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે ૨૦૨૧ના ડ્રગ્સ ઓન ક્રૂઝ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનનું નામ આરોપી તરીકે ડ્રાફટ ફરીયાદમાં હતું પણ તે બાદમાં બદલી નાખવામાં આવી હતી અને આર્યનનું નામ પડતું મૂકાયું હતું. તેઓ એમ કહેવા માગતા હતા કે આર્યન એક આરોપી હતો જ પરંતુ તેના પિતાની વગ કે નાણા જેવા કારણોસર તેની સામેનો આરોપ પડતો મૂકાયો છે. આ આઇઆરએસ ઓફિસર દ્વારા આ દાવો હાઇકોર્ટ સમક્ષની પોતાની એ અરજીમાં કરવામાં આવ્યો હતો કે જેમાં તેમણે સીબીઆઇ દ્વારા તેમના વિરુદ્ધ નોંધવામાં આવેલી એફઆઇઆર કાઢી નાખવા માટેની માગ કરી છે.
સીબીઆઇએ વાનખેડે સામે એવો આરોપ નોંધ્યો છે કે ખાનના પુત્રને આ કેસમાં નહીં સંડોવવા માટે તેમણે રૂ. ૨૫ કરોડની ખંડણી માગી હતી. અન્ય બાબતોની સાથે વાનખેડેએ પોતાની અરજીમાં શાહરૂખ ખાન સાથેની પોતાની ફોન ચેટની ટ્રાન્સક્રિપ્ટ પણ રજૂ કરી હતી જેમાં શાહરૂખ ખાન તેમને પોતાના પુત્ર સાથે દયાળુ રહેવા હાથ જોડી વિનંતી કરે છે અને તેમની સત્યવાદીતાની પ્રશંસા કરે છે. એડવોકેટ રિઝવાન મર્ચન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ફરિયાદનો મુસદ્દો એનસીબીના કાનૂની સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં અન્યોની સાથે આર્યનનું નામ પણ મૂકવામાં આવ્યું હતું.
પરંતુ બહારથી તૈયાર કરવામાં આવેલ નવી ફરિયાદમાંથી તેનું નામ પડતું મૂકાયું હતું. આ બહારથી અરજી નવી ફરિયાદ કોણે લખી તે વાનખેડેએ જણાવ્યું લાગતું નથી પરંતુ આવી બાબતોમાં ઘણુ બધુ સમજી શકાતું હોય છે. ઘણા કાવાદાવા ચાલતા હોય છે અને કેટલીક વખત પ્રમાણિક અધિકારીઓ ફસાઇ જતા હોય છે. વાનખેડેના કિસ્સામાં પણ આવુ બન્યુ હોઇ શકે તેમ માનવાને પણ કારણો તો છે જ પરંતુ કેટલીક બાબતો એવી છે કે જે વાનખેડે સામે પણ શંકાઓ પ્રેરે તેવી છે. અને આથી જ વાનખેડેને બહુ જાહેર સહાનુભૂતિ મળી રહી નથી.
જે સમયે શાહરૂખખાનના પુત્ર આર્યનની ધરપકડ કરવામાં આવી હતી તે સમયે બે ખાનગી વ્યક્તિઓને ક્રૂઝ જહાજ પર સાક્ષી તરીકે એનસીબીની ટીમ લઇ ગઇ હતી અને તેમાંની એક વ્યક્તિ કે.પી. ગોસાવીની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ રહી છે. તેણે તે સમયે એવું વર્તન કર્યુ હતું કે તે પોતે જ જાણે એનસીબી અધિકારી છે અને આર્યનને પકડીને તે જ ખાનગી વાહનમાં લઇ ગયો હોવાનું કહેવાય છે. આર્યન સાથેની તેની તસવીર ઘણી જ વાયરલ થઇ છે અને એમ કહેવાય છે કે આ કે. પી. ગોસાવીએ જ બાદમાં શાહરૂખ ખાન પાસેથી ૨૫ કરોડની ખંડણી માગવામાં મહjતવનો ભાગ ભજવ્યો હતો. આ બધી બાબતો વાનખેડેની વિરુદ્ધ જઇ રહી છે અને તેમની પ્રમાણિકતા સામે સવાલો ઉભા કરી શહી છે.