National

ફ્લાઈટમાં બોમ્બની મળતી ધમકીઓ મામલે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયાનો વાંક કાઢ્યો, Xના અધિકારીઓને ખખડાવ્યા

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી રહી છે. જે મોટા ભાગે ખોટી સાબિત થઈ રહી છે. સતત મળતી ધમકીઓને પગલે દેશમાં એવિએશન સેક્ટરને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

ફ્લાઈટ્સ રદ અથવા મોડી થવાના લીધે મુસાફરોનો સમય વેડફાઈ રહ્યો છે. સતત મળતી ખોટી ધમકીઓ મામલે હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવ્યું છે. કેન્દ્ર સરકારે આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને ઠપકો આપ્યો છે અને તેને પ્રમોટ કરવા માટે જવાબદાર ગણાવ્યું છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે શા માટે એક્સ આવી અફવાઓ ફેલાવનારા એકાઉન્ટ વિરુદ્ધ કોઈ નક્કર પગલાં લીધાં નથી? સોશિયલ મીડિયા આ પ્રકારના ગુનાને પ્રોત્સાહન આપી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઠપકો આપવામાં આવ્યો હતો.

આ મીટિંગમાં એરલાઇન્સના અધિકારીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને મેટા (Meta)ના અધિકારીઓ પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું હતું કે ઉડ્ડયન કંપનીઓને હોક્સ કોલ કરવાને હવે કોગ્નિઝેબલ ગુનાની શ્રેણીમાં રાખવામાં આવશે. છેલ્લાં કેટલાક સમયથી ઘણી એરલાઇન્સને તેમના એરક્રાફ્ટમાં બોમ્બ મૂકવાના ખોટા ફોન કોલ આવી રહ્યા હતા તે પછી આ પગલું લેવામાં આવ્યું છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આ બાબતને ખૂબ જ સંવેદનશીલ પરિસ્થિતિ ગણાવતા કહ્યું હતું કે આવા હોક્સ કોલ કરનારાઓને એવિએશન કંપનીઓની નો-ફ્લાય લિસ્ટમાં રાખવામાં આવશે. નાયડુએ કહ્યું હતું કે અમને વારંવાર આવા ખોટા કોલ આવી રહ્યા છે. અમે આ બાબતે અનેક બેઠકો યોજી છે. અમે દરેક સ્તરે બેઠકો યોજી છે. આ બેઠકો પછી અમે એ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે અમારે નિયમોમાં સુધારો કરવાની જરૂર છે.

Most Popular

To Top