સુરત : ડભોલી ખાતે રહેતા બિલ્ડરે ધંધામાં તકલીફ દૂર કરવા તાંત્રિકની શરણ લીધી હતી. પરંતુ ઠગ તાંત્રિકે ઘરમાં વિધી કરી આપી લાલ પોટલી આપી 21 દિવસ પછી ખોલવાનું કહ્યું હતું. દરમિયાન કબાટમાંથી સોનાના દાગીનાનું પાકીટ જેની કિમત 5 લાખ હતી તે ગાયબ કરી દીધુ હતું. બાદમાં જાણ થઈ તો મામા દેવની વિધી કરવાનું કહીને શ્રીફળમાંથી બિલ્ડરની પત્નીનું મંગળસૂત્ર કાઢી આપ્યું હતું. આ રીતે બીજા દાગીના આવી જશે કહીને ગાયબ થઈ જતા અંતે તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
- બિલ્ડર તાંત્રિકના ચક્કરમાં ભેરવાયો, વિધીના બહાને 5 લાખના ઘરેણા લઈ ગયો
- લાલ પોટલી આપી 21 દિવસ પછી ખોલવાનું કહી કબાટમાંથી સોનાના દાગીનાનું પાકીટ ગાયબ કરી દીધુ
- શ્રીફળમાંથી મંગળસૂત્ર નીકળ્યા બાદ આ રીતે તમામ દાગીના આવી જશે કહીને તાંત્રિક નીકળી ગયો
ડભોલી ખાતે પ્રમુખ રેસીડેન્સીમાં રહેતા 54 વર્ષીય મનોજભાઈ પ્રભુભાઈ પટેલ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને ઘણા સમયથી ધંધામાં તકલીફ હોવાથી આ અંગેની વાત તેમના મિત્ર રાઘવભાઈને કરી હતી. રાઘવે તેમની પાસે એક તાંત્રિક હોવાનું અને તે ધારેલું કરી આપે તેવું કહ્યું હતું. રાઘવ ગત ડિસેમ્બર મહિનામાં સુરત રેલ્વે સ્ટેશન પાસે આવેલી અમીષા હોટલ પાસે લઈ ગયો હતો. જ્યાં તાંત્રિક હર્ષદ રાણા સાથે મુલાકાત કરાવી હતી. તાંત્રિકે મનોજભાઈને તેમનું કોઈએ બંધન કરી દીધાનું કહીને પૂજા કરીને તે દુર કરવું પડશે તેમ કહ્યું હતું. બીજા દિવસે તાંત્રિકે ફોન કરીને તમારી વસ્તુ તૈયાર છે આવીને લઈ જાઓ તેમ મનોજભાઈને કહ્યું હતું. તાંત્રિક રસ્તા પર ઉભો હતો તેને મનોજભાઈને એક લાલ કલરની પોટલી આપી અને ઘરે જ્યાં પૈસા અને ઘરેણા મુકો ત્યાં મુકવા કહ્યું હતું.
બાદમાં 22 ડિસેમ્બર 2022 ના સવારે તાંત્રિકે ફોન કરીને મનોજભાઈને તે ઘરે આવીને વિધી કરવાનો હોવાનું કહ્યું હતું. ઘરે આવીને તાંત્રિકે પોટલી ક્યાં મુકી તે પુછ્યું હતું. મનોજભાઈ તેને ટેબલના ડ્રોઅર પાસે લઈ ગયા પછી તેને એક વાટકીમાં ચોખા લઈને આવવા કહ્યું હતું. બાદમાં રૂમમાં વિધી કરીને આ ચોખા ધાબા પર વેરવા કહ્યું હતું. 15 મિનિટ પછી ફોન કરીને ચોખા વેરી નીચે આવી જવા કહ્યું હતું. બાદમાં આ પોટલી 21 દિવસ સુધી નહીં ખોલવા કહ્યું હતું. 21 દિવસ બાદ બંધન ખુલી જશે કહીને ત્યાંથી જતો રહ્યો હતો. 21 દિવસમાં ત્રણ વખત આ તાંત્રિક વિધી કરવા ઘરે આવ્યો હતો. 21 દિવસ પછી ડ્રોઅર ખોલતા અંદર 15 હજાર મળી આવ્યા હતા. પરંતુ દાગીના મુકેલું પાકીટ ગાયબ હતું. જેની અંદર સોનાના 15 તોલા જેટલા દાગીના હતા.
બાદમાં તાંત્રિકને ફોન કરીને પુછતા વિધીમાં કોઈ ભુલ થઈ હશે તો મામા દેવ લઈ ગયા હશે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. ઘરેણા પરત આવે તે માટે તાંત્રિકે જુની બોમ્બે માર્કેટ પાસે મામા દેવના મંદિરમાં વિધી કરવા બેસાડ્યા હતા. અને શ્રીફળ વધાવી તે ખોલવા કહ્યું હતું. શ્રીફળ માંથી મનોજભાઈની પત્નીનું મંગળસૂત્ર નીકળ્યું હતું. આ રીતે તમામ દાગીના આવી જશે કહીને તાંત્રિક નીકળી ગયો હતો. ત્રણેક દિવસ પછી ફોન કરતા તેનો ફોન બંધ હતો. આશરે 5 લાખના દાગીના લઈને તે ગાયબ થઈ જતા છેતરપિંડીની ફરિયાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.