રાજાના નગરના પાદરે એક સંત આવ્યા. રાજાએ તેમને મહેલમાં પધારવાનું આમંત્રણ મોકલાવ્યું. સંત મહેલમાં આવ્યા. રાજાએ પ્રણામ કર્યા. ઘણી જ્ઞાનની વાતો કરી. ભોજનનો સમય થયો. રાજાએ ભોજન માટે સંતને વિનંતી કરી. સંત બોલ્યા, ‘રાજન, હું ભિક્ષા માંગીને જ ભોજન કરું છું.’ રાજાએ સંતને ભિક્ષામાં ભોજનની સાથે અનેક ભેટ સોગાદો આપી. સંત તેનો અસ્વીકાર કરતાં બોલ્યા, ‘રાજન, આ બધી ભેટ મને તો કોઈ કામની નથી. આ ભેટની જરૂર નથી અને હું તો ભિક્ષા પણ એક જ ઘરેથી લઉં છું. કારણ માત્ર જરૂર જેટલું જ લેવું અને માત્ર હકનો રોટલો જ ખાવો એ દરેક પ્રાણીમાત્રનું કર્તવ્ય છે.’ સંતની વાત સાંભળી રાજાએ પૂછ્યું, ‘સંત મહારાજ, હકનો રોટલો એટલે શું? તે હકનો રોટલો છે કે અણહકનો તે કઈ રીતે નક્કી કરવું?’ સંતે કહ્યું, ‘તારા નગરના છેવાડે એક ડોશી મા રહે છે. રાજા, તું એની પાસે જા. તે તને તારા પ્રશ્નનો જવાબ આપશે.’
રાજા ડોશી મા ની ઝૂંપડીએ ગયા. ડોશી મા સાંજના ભોજન માટે રોટલો બનાવી રહ્યા હતા. રાજાએ પૂછ્યું, ‘માજી, મારા મનમાં એક પ્રશ્ન છે ને સંતશ્રીએ કહ્યું છે કે તમે મને જવાબ આપશો. મારો પ્રશ્ન છે કે ‘હકનો રોટલો એટલે શું? રોટલો હકનો છે કે અણહકનો એ કઈ રીતે નક્કી કરવું?’ માજીએ પોતે જે એક રોટલો બનાવ્યો હતો તેની તરફ આંગળી ચીંધતાં કહ્યું, ‘રાજ, મારી પાસે આજે આ એક રોટલો છે. મારી થાળીમાં છે. મેં બનાવ્યો છે, છતાં પણ આ રોટલો અડધો હકનો છે અને અડધો અણહકનો.’ રાજાએ પૂછ્યું, ‘એટલે માજી? મને કંઈ સમજાયું નહિ.’
ડોશી મા બોલ્યા, ‘જો રાજન, હું રોજ રેંટિયો ચલાવી, સૂતર કાંતી, તે વેચીને રોટલો કમાઉં છું. ગઈ કાલે સાંજે હું મારી ઝૂંપડીની બહાર બેસીને રેંટિયો કાંતી રહી હતી. અંધારું થવા આવ્યું હતું. મારે ફાનસ પેટાવવું પડે તેમ હતું પણ એટલામાં જ ત્યાંથી એક મોટું જુલુસ પસાર થયું અને હું તે જુલુસની મશાલોના પ્રકાશમાં રેંટિયો કાંતતી રહી. મેં મારું ફાનસ ન સળગાવ્યું અને લગભગ બાકી રહેલી અડધી રૂ ની પૂણીમાંથી સૂતર કાંતી લીધું અને પછી તે વેચી લોટ લાવી આ રોટલો બનાવ્યો છે. એટલે અડધી પૂણી રૂ કાંતીને સૂતર બનાવ્યું હતું, તેના પર મારો હક કહેવાય, પણ બીજી અડધી પૂણી જે મેં પેલા જુલુસના પ્રકાશમાં કાંતી હતી, તેના પર મારો પૂરેપૂરો હક કહેવાય નહિ. તેના પર પેલા જુલુસવાળાનો હક પણ કહેવાય.’ રાજાને ડોશી મા એ સાચી સમજ આપી. રાજાએ ડોશી મા ને પ્રણામ કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે