એક દિવસ એક ઝેન ગુરુ પાસે તેમના મિત્ર આવ્યા. મિત્રએ ઝેન ગુરુને કહ્યું, ‘શું દોસ્ત, તું તો આજે પ્રખ્યાત ઝેનગુરુ બની ગયો છે. આજે મારે તને એક પ્રશ્ન પૂછવો છે.’ ઝેન ગુરુએ કહ્યું, ‘બોલ દોસ્ત શું પ્રશ્ન પૂછવો છે ???’ મિત્રએ પૂછ્યું, ‘મેં ઝેન પંથ પણ જાણ્યો, અને આગળ જઈને બીજા અનેક પંથો વિષે જાણ્યું, સમજ્યું અને વાંચ્યું બધા પંથમાં એમ જ સમજાવ્યું છે કે જીવનમાં દરેક મનુષ્ય છેલ્લે તો મનની શાંતિ જ શોધે છે અને આ મનની શાંતિ જયારે મળી જાય ત્યારે જીવન સફળ થાય છે.પણ આ મનની શાંતિ મેળવવી બહુ અઘરી છે… તો તમે મને જણાવો આ મનની શાંતિ કઈ રીતે મળશે ??’
ઝેન ગુરુ હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત, મારા મતે તો મનની શાંતિ મેળવવી આપણા જ હાથમાં છે અને મનની શાંતિ મેળવવી સાવ સહેલી છે જો સાચી સમજ કેળવાય અને સાચી દિશા ખબર હોય.’ મિત્રએ પૂછ્યું, ‘તમે આ નવું કહો છો …બધે જ એમ જણાવ્યું છે કે શાંતિ મેળવવી અઘરી છે અને તમે કહો છો સહેલી છે તો એ સહેલો રસ્તો મને પણ સમજાવો.’
ઝેન ગુરુ બોલ્યા, ‘દોસ્ત પહેલા તું મારા પ્રશ્નોના જવાબ આપ….શું આ ધરતી તારી મરજીથી ફરે છે કે સુરજ તું કહે ત્યારે ઉગે છે ???….શું તું ઈચ્છે ત્યારે વરસાદ પડે છે??’ દોસ્ત બોલ્યો, ‘આ શું મજાક છે …આ બધું મારી નહિ કોઈની પણ મરજી પ્રમાણે નથી થયું કુદરત જે નક્કી કરે તેમ જ થાય છે.’ ઝેન ગુરુ બોલ્યા, ‘શું તું તારા ગામમાં કોઈનો પ્રવેશ રોકી શકે છે?? …શું તું કોઈને સજા કરી શકે છે??’ દોસ્ત બોલ્યો, ‘હું કઈ કોઈ પ્રદેશનો રાજા નથી …’
ઝેન ગુરુ બોલ્યા, ‘વાહ સારી સમજ છે હવે કહે તારા પરિવારમાં બધું જ તું કહે તેમ થાય છે?….તારા વેપારમાં તારી મરજી પ્રમાણે જ સોદા થાય છે ??’ દોસ્ત જરા વાર વિચારમાં પડ્યો પછી બોલ્યો, ‘ના દર વખતે તેમ થતું નથી …પણ હું ઈચ્છું છું કે મારી ઈચ્છા પ્રમાણે જ થવું જોઈએ …ઘરમાં બધા હું કહું તેમ કરે …પણ દરેક વખતે તે શક્ય નથી થતું ….’ ઝેન ગુરુ એટલે તરત બોલ્યા, ‘બસ,તું કહે તેમ ન થાય …એટલે મન અશાંત થાય છે …ગુસ્સો આવે છે …ખરુંને ?’
દોસ્ત બોલ્યો, ‘હા, એમ જ થાય છે…શું તારા આશ્રમમાં તારા કહ્યા મુજબ ન થાય તો તારું મન અશાંત થતું નથી?’ ઝેન ગુરુ બોલ્યા, ‘ના ,હું તને જે સમજાવા માંગું છું તે મેં સમજી લીધું છે કે આ દુનિયામાં બધું જ તમારા કહ્યા મુજબ થવાનું નથી.દરેક વ્યક્તિ તમારી મરજી મુજબ વર્તન કરવાની નથી.અને તમે આ દુનિયાને તમારી મરજી મુજબ ચલાવી શકતા નથી.જે દિવસે આ હકીકત સમજાય જશે તે દિવસે મનની શાંતિની દિશામાં પહેલા કદમ મંડાઈ જશે.’ ઝેનગુરુએ સાચો માર્ગ સમજાવ્યો.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.