એક દિવસ એક યુવાન માણસ મોટે મોટેથી લોકોને કહી રહ્યો હતો કે, ‘લોકો આ જુઓ મારી પાસે દુનિયાનું સૌથી સુંદર હ્રદય છે.’ ઘણા લોકોનું ધ્યાન તેની તરફ ગયું અને તેઓ તેના હદયને જોવા લાગ્યા.સાચે જ તેનું હદય એકદમ સુંદર હતું.રંગ-રૂપ-આકાર બધું જ એકદમ સરસ.યુવાન માણસના હ્રદયમાં એક પણ ખામી ન હતી જે જોતું તે દંગ રહી જતું અને તે હ્દયને જોતું જ રહેતું.બધા યુવાન માણસના હદયના વખાણ કરી રહ્યા હતા.
એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યો અને આવીને કહ્યું, ‘મારા દીકરા, તારું નહિ પણ મારું હ્દય દુનિયાનું સૌથી સુંદર હ્રદય છે.’યુવાને તરત કહ્યું, ‘આ જુઓ મારું હ્દય કેટલું સુંદર છે જે જુએ તે તેના વખાણ કરે છે.કયાં છે તમારું હદય બતાવો.’ વૃદ્ધ માણસે પોતાનું હ્દય બતાવ્યું.-તે હ્દયના રૂપ-રંગ ખરડાયેલા હતા. તેની ઉપર અગણિત ઘા ના નિશાન હતા.હ્દય અમુક સ્થાનેથી તૂટેલું હતું.આ હ્દયનો આકાર પણ બરાબર ન હતો અને તેમાં અમુક જુદા જુદા ટુકડાઓ જોડેલા હતા.ક્યાંક કોઈ ટુકડો કાઢી લઇ બીજા કોઈ હ્દયનો ટુકડો લગાડી દીધેલો હતો.
વૃદ્ધનું હ્દય તો જાણે જુદા જુદા હ્દયના ટુકડાઓ જોડી તોડીને બનાવ્યું હોય તેવું લાગતું હતું. યુવાન વૃદ્ધનું હ્દય જોઇને હસવા લાગ્યો અને બોલ્યો, ‘વૃદ્ધ દાદા, મારા અતિ સુંદર હ્દયની સામે તમારા તૂટેલાં ફૂટેલાં હ્દયને વધુ સુંદર કહો છો.’વૃદ્ધે કહ્યું, ‘ભાઈ, મારું હ્દય પણ પહેલાં તારા હ્દય જેવું અકબંધ પણ ખાલી હતું.અત્યારે આ મારા હ્દયમાં તું જે બીજા ટુકડાઓ જોડાયેલા જુએ છે તે મારા પ્રેમની ભેટ છે.મેં જેને પ્રેમ કર્યો તેને મેં મારા હ્દયનો એક ટુકડો આપ્યો અને બદલામાં તેના હ્દયનો એક ટુકડો મેળવ્યો અને તે અમે એકબીજાના હ્દયમાં જોડી દીધો.
જેમ જેમ પ્રેમ આપતો ગયો તેમ તેમ મારા હ્દયમાં બીજાના હ્દયના ટુકડાઓ જોડતા ગયા.’ યુવાન અવાચક બની વૃદ્ધની વાત સાંભળી રહ્યો.વૃધ્ધે આગળ કહ્યું, ‘હવે જવાબ આપું મારા હ્દયના અનિયમિત આકારનો અને ઘા ના નિશાનનો.ઘણી વાર મેં પ્રેમ આપ્યો પણ મેં જેટલો પ્રેમ આપ્યો તેટલો પ્રેમ મને ન મળ્યો. ક્યારેક ઓછો મળ્યો અને કયારેક વધારે અને કયારેક સાવ નહીં.તેથી મને જેવો પ્રેમ મળ્યો તેવા હ્દયના ટુકડા મારા હ્દય સાથે જોડાયા એટલે આકાર અનિયમિત થઈ ગયો અને ઘણી વાર પ્રેમના બદલામાં વિશ્વાસઘાતના ઘા પણ મળ્યા.પણ મારું હદય જે પણ પ્રેમ મળ્યો તેનાથી છલોછલ ભરેલું છે.જયારે તારું અકબંધ છે પણ ખાલી તું કોઈને પ્રેમ કરતો નથી માત્ર પોતાને ચાહે છે.’યુવાને પોતાના હ્દયનો એક ટુકડો તોડીને વૃદ્ધને આપતાં કહ્યું, ‘તમારું પ્રેમથી ભરેલું હ્દય વધુ સુંદર છે.’વૃધ્ધે બદલામાં પોતાના હ્દયનો મોટો ટુકડો આપ્યો.’ એક પ્રેમ ભરેલું હ્દય સુંદરતમ હ્દય.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.