National

BBC ની ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી પર ભારતમાં પ્રતિબંધ (BBC Documentary Ban In India ) લગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) આ મામલે 6 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.  

  • ભારતમાં BBC ની ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મુકવાના કેન્દ્ર સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો
  • એડવોક્ટે એમ.એલ. શર્માએ સુપ્રીમમાં અરજી કરી: આગામી તા. 6 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે

અરજીકર્તા વકીલ એમ.એલ. શર્માએ વહેલી BBCની ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ અંગે સુનાવણીની માંગ કરી હતી પરંતુ CJI ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે આ મામલે સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે. આ અરજીમાં 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો અને તે અગાઉની ઘટના અને સંજોગો પર બનેલી વિવાદાસ્પદ બે ભાગની BBC ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ (India: The Modi Question) પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના આદેશને પડકારવામાં આવ્યો છે. અરજદારે 21 જાન્યુઆરી, 2023 ના રોજ આ ડોક્યુમેન્ટ્રી પર ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશને મનસ્વી, દુર્ભાગ્યપૂર્ણ અને ગેરબંધારણીય ગણાવીને રદ કરવાના નિર્દેશની માંગણી કરી છે. 

અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે દેશભરમાં વિવાદનું મૂળ બની ગયેલી આ BBC ડોક્યુમેન્ટ્રીના બંને ભાગો તેમાં હાજર સામગ્રીની તથ્ય આધારિત સંપૂર્ણ તપાસ માટે કોર્ટને મોકલવામાં આવે. આ પછી, કોર્ટે 2002ના ગુજરાત રમખાણો માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવો જોઈએ.

કોર્ટે નક્કી કરવું જોઈએ કે શું દેશના નાગરિકોને બંધારણની કલમ 19 (1) (2) હેઠળ આપવામાં આવેલા અભિવ્યક્તિના અધિકાર હેઠળ 2002ના ગુજરાત રમખાણો અંગેના સમાચાર, તથ્યો અને અહેવાલો જોવાનો અધિકાર છે? શું કેન્દ્ર સરકાર પ્રેસની સ્વતંત્રતા અને અભિવ્યક્તિના મૂળભૂત અધિકાર પર અંકુશ લગાવી શકે છે? શું રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ 352 ને લાગુ કરતી કટોકટી જાહેર કર્યા વિના કેન્દ્ર સરકાર દ્વારા કટોકટીની જોગવાઈઓ લાગુ કરી શકે છે? અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બીબીસી ડોક્યુમેન્ટ્રીમાં આવા રેકોર્ડ કરેલા તથ્યો અને પુરાવા છે, જેનો ઉપયોગ પીડિતોને ન્યાય અપાવવા માટે કરી શકાય છે.

Most Popular

To Top