Columns

સાચા સુખનો આધાર

એક દિવસ એક યુવાન એક સંત પાસે આવ્યો અને બોલ્યો, ‘બાપજી એક પ્રશ્ન તમને પૂછવો છે..’યુવાનના કપડા તો એકદમ અપ ટુ ડેટ હતા, હાથમાં મોંઘી ઘડિયાળ પણ હતી અને મોંઘો મોબાઈલ ફોન પણ …એટલે તે તો દેખાતું હતું કે તેના જીવનમાં તે સુખી હતો. સંતે કહ્યું, ‘યુવાન જે પ્રશ્ન હોય તે પૂછ ..મને ખબર હશે તો જવાબ આપીશ.’યુવાને પૂછ્યું, ‘બાપજી જીવનમાં બધું છે પરિવાર છે,પૈસા છે,ધંધો છે બધું છે છતાં સુખનો અનુભવ થતો નથી.એમ કેમ થાય છે ??’ સંત બોલ્યા, ‘યુવાન સુખનો અનુભવ તો તારા સુખનો આધાર શું છે તેની પર અવલંબિત રહે છે.’

યુવાન કઈ સમજ્યો નહિ તેને કહ્યું, ‘બાપજી, સુખનો આધાર શું હોય ?? ઘર છે, ગાડી છે ,પૈસા છે ,પરિવારની કોઈપણ જરૂરિયાત પૂરી કરવામાં પાછો પડતો નથી અને તેમને વધુ ને વધુ આપવા સતત મહેનત કરતો રહું છું અને હજી પણ વધુ મહેનત કરવા તૈયાર છું દિવસમાં બાર કલાક કામ કરું છું…બધાને બધું આપવા મથું છું અને બધું મેળવું છું અને આપું પણ છું છતાં મને સુખનો અનુભવ થતો નથી.’ સંત બોલ્યા, ‘યુવાન સુખનો આધાર તારી પાસે કેટલા પૈસા છે તેની પર નથી …સુખનો આધાર તારી પાસે ઘર અને ગાડી છે કે નહિ તેની પર નથી …સુખનો આધાર તારા ધંધાની સફળતા પર નથી …સુખનો આધાર તું કેટલું દોડી શકે છે તેની પર નથી ..

’યુવાન વચ્ચે બોલી ઉઠ્યો, ‘તો પછી બાપજી સુખનો આધાર શેની પર છે ??’ સંત બોલ્યા, ‘યુવાન, સુખનો આધાર તું કેટલું દોડી શકે છે તેની પર નહિ પણ તું કેટલું છોડી શકે છે તેની પર રહેલો છે.શું તું તારા માતા -પિતા સાથે કલાક વાતો કરવા કે સાથે જમવા બીઝનેસ મીટીંગ છોડી શકે છે …શું તું પોતાની પસંદ છોડી તારી પત્નીની પસંદ સ્વીકારી શકે છે …શું તું તારા બાળકો સાથે બીઝનેસ ડીલ છોડી રમી શકે છે …શું તું તારાથી વધુ સફળ બિઝનેસમેનની ઈર્ષ્યા કરવાનું છોડી શકે છે …શું તું કોઈની ભૂલને નજરઅંદાજ કરી તેની પર ગુસ્સો કરવાનું છોડી શકે છે …શું તું જે મળ્યું છે તેમાંથી આનદ મેળવવા વધુ મેળવવાની લાલચ છોડી શકે છે …શું તું બહુ સફળ છે તેવું અભિમાન રાખવાનું છોડી શકે છે…જેટલું તું છોડી શકીશ એટલો વધુ ને વધુ સુખનો અનુભવ કરી શકીશ.સુખ બહારના સાધનોમાં નહિ આપણા વિચાર અને વર્તનમાં જ રહેલું છે.સતત દોડવાનું માંડી વાળી છોડતાં શીખ સુખનો અનુભવ ચોક્કસ થશે.’સંતે સાચી દિશા સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top