Gujarat

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધવા લાગ્યો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારો ઉતારવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પક્ષના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી કે પક્ષ 10 માર્ચથી ઉમેદવાર પસંદગીની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરશે. પક્ષનો દાવો છે કે સત્તાધારી પક્ષના શાસન સામે જનતાને મજબૂત વિકલ્પ આપવા માટે AAP સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મંજૂરી માટે ઉમેદવારોની યાદી પક્ષની સર્વોચ્ચ સમિતિને દિલ્હીમાં મોકલવામાં આવશે. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે 20 માર્ચ પછી તમામ બેઠકો માટે સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. AAPએ દાવો કર્યો છે કે સમગ્ર પસંદગી પ્રક્રિયા પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી કરવામાં આવશે. પક્ષના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોને પણ પોતાનો મત વ્યક્ત કરવાની તક આપવામાં આવશે. મનોજ સોરઠીયાએ રાજ્યના યુવાનોને રાજકારણમાં જોડાવા માટે આમંત્રણ આપતાં જણાવ્યું કે જો કોઈ યુવાન કે નાગરિક ગુજરાતના વિકાસ માટે રાજકારણમાં સક્રિય થવા માંગે તો તેઓ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. AAPના આ પગલાથી સ્થાનિક રાજકારણમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. હવે નજર 20 માર્ચ પછી જાહેર થનારી ઉમેદવારોની યાદી પર રહેશે અને તે મુજબ આગામી ચૂંટણીમાં રાજકીય સમીકરણો કેવી રીતે બદલાય છે તે જોવાનું રહેશે.

બે તબક્કામાં થશે ઉમેદવાર પસંદગી, પક્ષ દ્વારા ઉમેદવાર પસંદગીની સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે.

પ્રથમ તબક્કો (10 થી 15 માર્ચ):
આ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓ અને લોકસભા વિસ્તારોમાં ખાસ ચકાસણી સમિતિઓ બેઠક યોજશે. ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા લોકો સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવશે. સાથે સાથે સ્થાનિક કાર્યકર્તાઓ અને સંગઠનના સભ્યો સાથે ચર્ચા કરીને લાયક ઉમેદવારોની ટૂંકી યાદી તૈયાર કરવામાં આવશે.

બીજો તબક્કો (16 થી 18 માર્ચ):
જિલ્લા કક્ષાએથી મોકલાયેલા નામો પર પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવશે. દરેક બેઠક માટે સૌથી મજબૂત અને જીતની શક્યતા ધરાવતા ઉમેદવાર અંગે રાજકીય ગણિત કરવામાં આવશે.

Most Popular

To Top